SURAT

VIDEO: રૂમમાં બેઠાં બેઠાં સુરત પોલીસ કરે છે ટ્રાફિક કંટ્રોલ, સ્ટોપ લાઈન પર વાહન ઉભા હોય તો..

સુરત : શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે. સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના પગલે શહેરના 191 ટ્રાફિક જંકશન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વૈચ્છાએ અટકતા થયા છે.

કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઉભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભુ વાહનો થોભાવી રહ્યાં છે. જોકે, હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિસ્તનો અભાવ છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે નવી સર્વિસ શરૂ કરી છે.

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી પ્રાયોગિક ધોરણે શહેરના 10 મોટા ટ્રાફિક જંકશન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કર્મી શહેરના ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે. જે તે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈનની આગળ કોઈ ઉભું હોય, કોઈ રોંગ સાઈડ જતું હોય, કોઈ દબાણ હોય કે પોલીસ કર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે. ત્યાર બાદ કંટ્રોલ રૂમના પોલીસ કર્મી જે તે ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મીને સૂચના આપે છે.

આ માટે કંટ્રોલ રૂમમાં સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી છે. હાલ આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શહેરના 10 ટ્રાફિક પોઈન્ટ પર શરૂ કરાઈ છે. ભવિષ્યમાં તે 200 ટ્રાફિક પોઈન્ટ પર મુકવામાં આવશે. આ ટ્રાફિક પોઈન્ટ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંકશનોના ટ્રાફિક પર નજર રાખે છે અને સુપરવિઝન કરતા રહે છે.

કંટ્રોલ રૂમમાં બેઠેલાં કર્મચારીઓ સીસીટીવી ફૂટેજ જોઈને કંટ્રોલ રૂમમાંથી જ સૂચના આપે છે. જે સૂચના જે તે ટ્રાફિક જંક્શનના પોલીસ કર્મીને સંભળાય છે. જેમ કે, ઝેબ્રા ક્રોસિંગ પર બાઈક ઉભી રાખી હોય તો તેની સૂચના પોલીસ કર્મીને આપવામાં આવે છે. આ સૂચના મળતા જ વાહન ચાલકો અને ટ્રાફિક જંક્શન પર સાઈડ પર ઉભેલા પોલીસ કર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઉભા રાખવા માંડે છે.

Most Popular

To Top