સુરત: 10 દિવસીય ગણેશોત્સવનો મુંબઈ પછી સૌથી વધુ ઉત્સાહ સુરતમાં જોવા મળે છે. સાઉથ ગુજરાતમાં સુરત સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગણેશ આરાધનાના આ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગણપતિ ઉત્સવને લીધે વેપાર પણ વધે છે.
કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત રિજયનના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, આ વર્ષે ગણેશોત્સવમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 20 ટકા વેપાર વધી રહેશે. મંડપ ડેકોરેટર્સ, લાઇટિંગ, બેન્ડબાજા, ઈલેક્ટ્રિકલ્સ, ડેકોરેશન સામાન, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, કેટરર્સ, ફળ-ફૂલ, મીઠાઈ, પૂજા સામગ્રીનો કુલ 20 કરોડનો રહેશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ગણેશ ચતુર્થી મોટો તહેવાર છે. આ વર્ષે પણ એની સુંદર અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ 10 દિવસમાં મંડપ ડેકોરેટર્સ, લાઇટિંગ, બેન્ડબાજા, ઈલેક્ટ્રિકલ્સ, ડેકોરેશન સામાન ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ, ફળ-ફૂલ, મીઠાઈ, પૂજા સામગ્રી, કેટરર્સ, હોટલ રેસ્ટોરન્ટનોને મોટો વેપાર થશે.
ઉપરાંત આકર્ષક ડિજિટલ ઝાંખી, ભગવાન ગણેશની સાથે સેલ્ફી પોઇન્ટ, અનેક પ્રકારના મનોરંજન કાર્યક્રમ પણ યોજાશે. આ વર્ષે ગણેશોત્સવ-2024માં હોમ સેટઅપનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે આકર્ષક ગણેશ મંડપ સેટઅપની માંગ વધી છે.
બજારમાં હવે ગણેશ શણગાર સહિતની વસ્તુઓની ખરીદીની માંગ વધી છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પણ હોમ ગણેશ સેટઅપ ભાડે આપી રહી છે અથવા તો વેચાણ કરી રહી છે. જુદી જુદી સાઈઝના સેટઅપ જેમાં વિવિધ ડેકોરેશન સામગ્રી પણ ભાડે અથવા વેચાણથી આપવામાં આવે છે. જે ખૂબ આકર્ષક પણ લાગે છે.