દુનિયામાં અત્યારે બે પ્રકારનાં યુદ્ધો ચાલી રહ્યાં છે. એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, જે આપણને દેખાય છે અને જેના સમાચારો મીડિયામાં ફ્રન્ટ પેજ પર આવતા રહે છે. બીજું યુદ્ધ આર્થિક મોરચે ચાલી રહ્યું છે, જે આપણને દેખાતું નથી અને જેના સમાચારો અંદરના પાને આવતા હોય છે. આર્થિક મોરચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ મહાસત્તા તરીકે અમેરિકાની તાકાતને ખતમ કરવાનો છે. આ યુદ્ધમાં એક પક્ષે અમેરિકા અને યુરોપના દેશો છે; તો બીજા પક્ષે રશિયા, ચીન અને ભારત છે. આર્થિક ક્ષેત્રે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે કરન્સી વોર છે. તેમાં એક પક્ષે ડોલર અને યુરો છે તો બીજા પક્ષે રશિયાનો રૂબલ, ચીનનો યુઆન અને ભારતનો રૂપિયો છે. અમેરિકાનો ડોલર છેક ૧૯૪૪ ની સાલથી વિશ્વમાં રિઝર્વ કરન્સીનો દરજ્જો ભોગવી રહ્યો છે. જગતની સેન્ટ્રલ બેન્કો દ્વારા તેમનું ૬૦ ટકા રોકાણ ડોલરમાં કરવામાં આવ્યું છે.
ડોલર રિઝર્વ કરન્સી હોવાને કારણે અમેરિકાનું ફેડરલ રિઝર્વ અમર્યાદિત સંખ્યામાં ડોલર છાપી શકે છે, જેનો ઉપયોગ કરીને અમેરિકાનાં નાગરિકો વગર મહેનતે જલસા કરી શકે છે. રશિયા અને ચીન ડોલરની આ મોનોપોલીને તોડવા માગે છે, પણ તેને ઉપાય સૂઝતો નથી. યુક્રેનના યુદ્ધના નિમિત્તે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેને કારણે આ ઉપાય મળી ગયો છે. અમેરિકાએ રશિયાની સાત બેન્કોને ડોલરઆધારિત પેમેન્ટની ‘સ્વિફ્ટ’ સિસ્ટમમાંથી બહાર ધકેલી દીધું છે, જેને કારણે રશિયાની બેન્કો પાસે ડોલરનો ભંડાર હોવા છતાં તેઓ ડોલરમાં કોઈ દેશને પેમેન્ટ કરી શકતા નથી. ભારતના વેપારીઓ દ્વારા રશિયામાં જે માલની નિકાસ કરવામાં આવી હતી તેના ૫૦ કરોડ ડોલરના પેમેન્ટ પણ અમેરિકાના પ્રતિબંધોને કારણે અટકી ગયા છે. વધુમાં ભારત જો રશિયા સાથે વેપાર કરવા માગતું હોય તો તેણે પેમેન્ટ ક્યા ચલણમાં કરવું? તેવો સવાલ પણ પેદા થયો છે.
જરૂરિયાત તે સંશોધનની જનની છે, તે ન્યાયે જો અમેરિકાના પ્રતિબંધો લાંબો સમય ચાલે તો ભારત અને રશિયા દ્વિપક્ષી વેપાર માટે ડોલરને બદલે બીજા વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેમાં એક વિકલ્પ રૂબલ-રૂપિયાનો છે તો બીજો વિકલ્પ માત્ર રૂપિયાનો છે. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘનું વિઘટન થયું તે પહેલાં ભારત-રશિયા વચ્ચે રૂબલ-રૂપિયામાં વેપાર ચાલતો જ હતો. તે મુજબ ભારતની બેન્કો રશિયાની બેન્કોમાં પોતાનું ખાતું ખોલાવીને તેમાં રૂબલ જમા કરાવે છે અને રશિયાની બેન્કો ભારતની બેન્કોમાં પોતાનું ખાતું ખોલાવીને તેમાં રૂપિયા જમા કરાવે છે. ભારતનો કોઈ વેપારી રશિયામાં માલની નિકાસ કરે તો રશિયન કંપની તેને ભારતની બેન્કમાં ખોલવામાં આવેલાં ખાતાં મારફતે રૂપિયામાં ચૂકવણી કરી શકે છે. તેવી જ રીતે રશિયાનો કોઈ વેપારી ભારતમાં માલની નિકાસ કરે તો તેને રશિયાની બેન્કનાં ખોલવામાં આવેલાં ખાતાં દ્વારા રૂબલમાં ચૂકવણી કરી શકાય છે.
હવે જો તે પદ્ધતિ ફરી શરૂ કરવી હોય તો એક મોટી સમસ્યા નડે તેમ છે. અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી રૂબલના ભાવમાં ૩૦ ટકા જેટલો કડાકો બોલી ગયો છે. રશિયા દ્વારા યુરોપના દેશોને રૂબલમાં ગેસ-તેલ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો તેને કારણે રૂબલના ભાવોમાં ઉછાળો પણ જોવા મળ્યો હતો. આ રીતે રૂબલના ભાવોમાં દરરોજ ચડાવ-ઉતાર આવતા હોય તો ભારત-રશિયા વચ્ચેનો વેપાર રૂબલમાં કરી શકાય નહીં. ભારત અને રશિયા વચ્ચે રૂબલના કે રૂપિયાના ભાવો નક્કી કરવા હોય તો તેની ગણતરી ડોલરના ભાવોના આધારે જ કરવામાં આવે છે. ભારત અને રશિયા વચ્ચે તેવી કોઈ ગોઠવણ નથી કે જેના આધારે રૂબલ-રૂપિયાના ભાવ ડોલરના આધાર વગર નક્કી થઈ શકે. હકીકતમાં દુનિયાની કોઈ પણ કરન્સીનું રૂપાંતર બીજા દેશની કરન્સીમાં કરવું હોય તો તે માટે ડોલરનો આધાર લેવો પડે છે. દુનિયાની બધી કરન્સીના ભાવો ડોલરમાં ગણાતા હોવાથી તેમાં સુગમતા રહે છે.
રશિયાની આવકનું મુખ્ય સાધન ખનિજ તેલ છે. અમેરિકા દ્વારા રશિયાની બેન્કો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી રશિયાની ખનિજ તેલની કમાણી બંધ પડી ગઈ છે. જો યુક્રેનનું યુદ્ધ લાંબું ચાલે તો રશિયા તીવ્ર નાણાંખેંચનો સામનો કરી શકે છે. આ કારણે રશિયા દ્વારા ભારતને ૨૫ ટકા ડિસ્કાઉન્ટથી ખનિજ તેલ વેચવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં તેલના ભાવો આસમાને પહોંચ્યા હોવાથી ભારતનું આયાતનું બિલ વધી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૫ ટકા તેલ આયાત કરે છે. જો તે આયાત રશિયાથી કરવામાં આવે તો બંને દેશોને તેનો ફાયદો મળી શકે તેમ છે.
ભારત અને રશિયા વચ્ચેનો વેપાર રૂબલ-રૂપિયામાં કરવામાં આવે તો બીજી પણ એક સમસ્યા પેદા થાય છે. જો ભારત રશિયા પાસેથી ચિક્કાર પ્રમાણમાં ખનિજ તેલ ખરીદવા માંડે અને તેની ચૂકવણી રૂપિયામાં કરે તો રશિયા પાસે ભારતના રૂપિયાનો ઢગલો થઈ જાય. આ રૂપિયાનો ઉપયોગ તે ભારતમાંથી જ માલ ખરીદવા માટે કરી શકે, કારણ કે દુનિયાનો કોઈ ત્રીજો દેશ રૂપિયામાં ચૂકવણી કબૂલ કરે નહીં. ધારો કે રશિયા ચીન પાસેથી મશીનરી ખરીદવા માગતું હોય અને તેને રૂપિયામાં ચૂકવણી કરે તો ચીન ભારતના રૂપિયા સ્વીકારે નહીં. તેવી રીતે રશિયા યુરોપના દેશોમાંથી કોઈ ચીજ ખરીદવા માગતું હોય તો યુરોપના દેશો પણ ભારતના રૂપિયા સ્વીકારે નહીં.
તેનો ઉપાય ભારત, રશિયા અને ચીન વચ્ચે સમજૂતી કરવામાં છે. જો ચીનનો યુઆન, રશિયાનો રૂબલ અને ભારતનો રૂપિયો એકબીજા સાથે અદલાબદલી કરી શકાતા હોય તો આ ત્રણેય દેશો ડોલરને વચ્ચે નાખ્યા વિના એકબીજા સાથે વેપાર કરી શકે. દાખલા તરીકે ભારત રશિયાને રૂપિયામાં ચૂકવણી કરે, રશિયા તે રૂપિયાનો ઉપયોગ કરીને ચીનમાંથી યંત્રસામગ્રી ખરીદે અને ચીન તે રૂપિયાનો ઉપયોગ કરીને ભારતમાંથી કાચો માલ ખરીદે તો આખી સિસ્ટમ બરાબર ચાલે તેમ છે. જો કે રશિયાનો આગ્રહ રૂબલમાં અને ચીનનો આગ્રહ યુઆનમાં ત્રિપક્ષી વેપાર કરવાનો હોય તે સ્વાભાવિક છે. તેને બદલે ભારત, ચીન અને રશિયા મળીને કોઈ ત્રીજી કરન્સી પેદા કરે, જેનો સંબંધ ત્રણેય દેશની કરન્સી સાથે હોય, તો તેના વડે વેપાર કરીને લેવડદેવડ કરી શકાય છે.
દુનિયાના તમામ દેશો પોતાનો માલ અમેરિકાને વેચવા આતુર હોય છે તેનું મુખ્ય કારણ ડોલરનું ઇન્ટરનેશનલ કરન્સી તરીકેનું સ્થાન છે. દુનિયાના કોઈ પણ દેશને કોઈ પણ ચીજની આયાત કરવી હોય તો તેને ડોલરની અચૂક જરૂર પડે છે. દાખલા તરીકે ભારત પોતાની જરૂરિયાતનું ૮૫ ટકા ખનિજ તેલ વિદેશથી આયાત કરે છે, પણ તેમાં અમેરિકાનો હિસ્સો પાંચ ટકા જેટલો જ છે. આરબ દેશો પાસેથી ખનિજ તેલની આયાત કરવા માટે પણ ડોલરની જરૂર પડે છે. હવે રશિયા, ચીન અને ભારત મળીને ડોલરની મોનોપોલી તોડવાની યોજના બનાવી રહ્યા છે. રશિયા સાઉદી અરેબિયાને સમજાવી રહ્યું છે કે તેણે ખનિજ તેલનું વેચાણ ડોલરને બદલે રૂબલમાં કરવું જોઈએ. સાઉદી અરેબિયા સૈદ્ધાંતિક રીતે તૈયાર પણ થઈ ગયું છે. જો બીજા અખાતી દેશો પણ તૈયાર થઈ જાય તો કોઈ દેશને ખનિજ તેલ ખરીદવા ડોલરની જરૂર નહીં પડે. જો તેમ થાય તો ડોલર ગબડી પડે અને અમેરિકાની સમૃદ્ધિનો પણ અંત આવે. આ રીતે નવી વિશ્વ-વ્યવસ્થા આકાર ધારણ કરી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.