આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આરટીઓ અને પોલીસની વિવિધ ડ્રાઇવ દરમિયાન ટ્રેક્ટર રજીસ્ટ્રેશન વગર જ દોડતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે આણંદ ડિસ્ટ્રીક્ટ ટ્રેક્ટર્સ ડિલર્સ એસોસિએશને કૃષિ મંત્રીને રજુઆત કરી સબસિડીની જટિલ પ્રક્રિયાને હળવી કરવા માગણી કરી છે. ખાસ કરીને ખેડૂત આઈ પોર્ટલ જે વર્ષમાં એક જ મહિનો ખુલે છે. તે બારેય માસ ચાલુ રહે તેવી માંગણી કરી છે. આણંદ ડિસ્ટ્રીક્ટ ટ્રેક્ટર્સ ડિલર્સ એસોસિએશને કૃષિમંત્રીને મળીને રજુઆત કરી હતી કે, ખેડૂત માટે ટ્રેક્ટર ખરીદવા માટે કોઇ ચોક્કસ સમય નક્કી હોતો નથી. કારણ કે તે માટે યોગ્ય રકમની જરૂર હોય છે, લોન કરવાની હોય છે, ખેતી કેવી રહેશે ?
તે બધી જ વાતો ધ્યાનમાં લઇને ખરીદી કરે છે. જ્યારે જરૂરિયાત હોય ત્યારે પોર્ટલ બંધ હોય છે. એટલે નવા વર્ષે નવી અરજી કરી લાભ લેવાનો પ્રયત્ન કરે છે. ટ્રેક્ટર આઠ – દસ મહિના જુનું હોય છે, જે રજીસ્ટ્રેશન વગર ચલાવે છે. ખેડૂતો માટે આરટીઓમાં લગતી રજીસ્ટ્રેશન ફ્રિ તેમજ સરકાર તરફથી મળતી સહાય જેવી કે સબસિડી જે મળવા માટે વિક્રેતા તેમજ ખેડૂતોને ખૂબ જ સંઘર્ષકારી કાયદાની વિરૂદ્ધમાં જઇ ખેડૂતના લાભ માટે અમો આ બાબતે તકલીફ પડી રહી છે, જેને લઇ સબસિડીમાં તેમજ રજીસ્ટ્રેશન ફિમાં કાયદાની જોગવાઇઓમાં સુધારો કરવો જોઈએ.
ચરોતરના ખેડૂતો રજીસ્ટ્રેશન વગરના ટ્રેક્ટર ફરવા પાછળ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી સબસિડીની પ્રક્રિયા છે. સરકાર તરફથી આપવામાં આવતી સબસિડી એક ઓનલાઇન પ્રક્રિયા છે. સબસિડી માટે સરકાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક ખેતીવાડીને લગતિ કોઇ પણ સબસિડીની માહિતી આપવામાં આવે છે. સરકાર તરફથી આ પોર્ટલ ઉપર ટ્રેક્ટરની સબસિડી માટે વર્ષમાં એક વખત પોર્ટલ એક મહિના માટે ખુલ્લુ મુકવામાં આવે છે. આખા ગુજરાતમાંથી હજારો ખેડૂતો આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરે છે અને લાભ મેળવે છે.
આ પ્રક્રિયા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા સબસિડીનો લક્ષાંક નક્કી કરવામાં આવતો હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનો 20 હજારથી 30 હજાર ટ્રેક્ટર્સનો લક્ષાંક ફાળવે છે. જે છેલ્લા દસ વર્ષમાં મહત્તમ 30 હજાર ટ્રેક્ટર્સનો થયો છે.આથી, મહત્તમ લક્ષાંકમાં વધારો કરવામાં આવે તો કોઇ પણ ખેડૂત લાભાર્થી સબસિડીથી વંચિત રહે નહીં. બીજું કે સબસિડીની જટિલ પ્રક્રિયામાંથી નિકળવા માટે સરળ પ્રથા અમલમાં મુકવી જોઈએ.
એક વર્ષ લાંબી ચાલતી પ્રક્રિયા
સબસિડીની પ્રક્રિયા એવી છે કે પોર્ટલ ખુલે ત્યારે ખેડૂત ઓનલાઇન અરજી કરવી, પછીથી જિલ્લા ખેતીવાડી અધિકારી પૂર્વ મંજૂરી આપે છે, બાદમાં ખેડૂત લાભાર્થી 60 દિવસમાં ખેતીવાડી અધિકારીએ દર્શાવેલા દસ્તાવેજો પોર્ટલ ખુલે ત્યારે ખેડૂત લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવી. જ્યારે ઓનલાઇન અરજી કરવાનો સમય પુરો થયા બાદ ખેતીવાડી અધિકારી પાસે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા ટ્રેક્ટર સબસિડીનો લક્ષાંક આવે છે, આ લક્ષાંકના અનુસંધાને ખેતીવાડી અધિકારી અરજદારોની અરજીનો ડ્રો કરે છે. આ પ્રક્રિયા ખેતીવાડી અધિકારી દ્વારા જ્યાં સુધી લક્ષાંક પુરો ન થાય ત્યાં સુધી કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બીજી વાત એ છે કે, ખેડૂત લાભાર્થી સબસિડીનો લાભ મેળવવા એક અરજદારની સામે ત્રણ અરજીઓ કરતાં હોય છે. એટલે ખેતીવાડી ખાતા ઉપર ખોટી અરજીઓનું ભારણ રહે છે, જેની યોગ્યતા પુર્તતા કરવામાં આખું વર્ષ પુરૂ થઇ જાય છે.