ગાંધીનગર: ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક પગલુંભરીને રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ અમદાવાદ અને સુરતની એક એક ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
મંજૂર કરાયેલી 2 ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત સાણંદમાં આવેલી ટીપી સ્કીમ નં. 9 અને સુરતના વેસુ- મગદલ્લા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 7 નો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલી 2 ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અકવાડા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 29 અને ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ અંતર્ગત અધેવાડા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 17નો સમાવેશ થાય છે
આ બંને ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂરી થવાથી અનુક્રમે 39.6 હેક્ટર જમીન અને 105.12 હેકટર જમીન સંપ્રાપ્ત થશે. આમ ભાવનગર શહેર માટે કુલ 144.72 હેકટર જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ ભાવનગર શહેરની ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે