આણંદ : મહીસાગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે ૭૫મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે નવતર અભિગમ સાથે જિલ્લામાં બે સંવેદનશીલ પ્રોજેકટ “ખિલૌના ખુશીયો કા” અને “મિશન ઉમ્મીદ”ની જાહેરાત કરી કરી હતી. જેને સપનો કી બાત અપનો કે સાથ એવું લાગણીસભર નામ આપવામાં આવ્યું છે. આ અંગે કલેકટર ડો. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં બાળકો માટે રમકડાં એકત્ર કરવાની યોજના છે.
એકત્ર થયેલા રમકડાં તેમની જિલ્લાની મુલાકાત સમયે બાળકોને વિતરણ કરવામાં આવશે. તેમણે એ આશા સાથે આ અભિયાન શરુ કર્યુ છે કે અહીં બાળકોને પ્રેમ કરવાવાળા લોકોની કમી નથી. જેઓ પોતાની મહેનતની કમાણીમાંથી થોડા પૈસા ખર્ચ કરીને બાળકોના ચહેરા પર રમકડું આપીને લાંબા સમય માટે સ્મિત લાવવા આ યોજના અંતર્ગત પોતાનું યોગદાન આપી શકે છે. બીજી યોજના હોપ્સ અંગે કલેક્ટરે ઉમેર્યું હતું કે, આ પ્રોજેકટ મિશન ઉમ્મીદને સપનો કી બાત અપનો કે સાથ નામ આપવામાં આવ્યું છે. દરેક અનાથ બાળકને પોતાનાપણું જોઇએ.
જેની સાથે તે પોતાના સપનાની વાત વહેંચી શકે. જિલ્લાના 700 થી વધુ અનાથ બાળકોને તેમના પથદર્શક બનવા તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવાની અપીલ છે. શિક્ષણ સહિત પાલક બાળકોની આર્થિક જરૂરિયાતો માટે સરકાર તમામ મદદ કરે છે, પરંતુ તેને જીવનના દરેક તબક્કામાં આગળ વધવા માટે માર્ગદર્શનની જરૂર છે. વહીવટી અધિકારીઓ, ડોકટરો, ઇજનેરો, રાજકીય નેતાઓ, વ્યવસાયિકો, સેવાભાવી લોકો, તેમાંથી કોઈપણ આ બાળકોમાંથી કોઈ એક સાથે ભાવનાત્મક જોડાણ રાખવા ઈચ્છતા હોય, તેમણે આવા બાળકોને પ્રેમથી માર્ગદર્શન આપવા માટે આ યોજનામાં જોડાવવાની અપીલ કરી હતી.
ધ્વજવંદન નિમિત્તે કલેક્ટરના માતા ખાસ ઉપસ્થિત રહ્યાં
કલેકટર તરીકે જીવનમાં પ્રથમ વખત ધ્વજ ફરકાવતા ડો.મનિષ કુમાર આવા ગૌરવપ્રદ સમારોહમાં પોતાની માતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેમણે બાળકો માટે આ પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારે તેમની માતાનો ચહેરો તેમના પુત્ર માટે ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો. કલેકટર પોતાની માતા માટે ગર્વથી કહે છે કે તેમણે તેમના પિતાને ખૂબ વહેલા ગુમાવી દીધા હતા ત્યારે તેમની માતાએ હિંમતપૂર્વક તેમનો ઉછેર કર્યો છે. પોતે માત્ર ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેમ છતાં તેમને અહીં સુધીનો એટલે કે કલેકટરના પદ સુધીનો રસ્તો બતાવ્યો છે.
કલેક્ટરે બાળકો સાથે ડાન્સ કર્યો
ધ્વજવંદન સમારોહ બાદ જિલ્લા કલેકટરે બાળકો સાથે દેશભક્તિના ગીત પર નૃત્ય કરીને બાળકો માટે તેમનો વિશેષ પ્રેમનો પરિચય આપ્યો હતો. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી લાખાણી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી અને નિવાસી કલેકટર અને કલેકટર કચેરી તમામ સ્ટાફ પરિવાર સાથે હાજર રહ્યો હતો.