Gujarat Main

ગીરમાં ધોધમાર વરસાદ, ગામ બેટમાં ફેરવાયુંઃ માણાવદરના દગડ તળાવનો પાળો તૂટયો

ગીર સોમનાથમાં મેઘમહેર છવાઈ છે, એવામાં તાલાલગીર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે આંબરાશ ગીર ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગામમાં આવવા જવા માટેના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે ગામના વોકળા અને નદી, નાળા પણ છલકાઈ ગયા છે. હજુ પણ અવિરત ધોધમાર વરસાદ ચાલુ છે.

દ્વારકાના કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ, જન જીવન પ્રભાવિત
દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારો હવે કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ તો દ્વારકામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના કારણે ભાટિયા – ભોગાત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે, તેમજ કલ્યાણપુર – પોરબંદરને જોડતો રાવલ સૂર્યવાદર સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે. લાંબા – હર્ષદ વચ્ચેના નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે.

હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે, અને જન જીવન પણ પ્રભાવિત થયું છે. તો બીજી તરફ દ્વારકાના ભદ્રકાલી, ઇસ્કોન ગેટ, તોતાત્રી મઠ, સહિતના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

દ્વારકા જિલ્લાના ભોગાત ગામે વરસાદ વરસતા, અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ ગયા છે. આવી જ રીતે ભોગાત ગામ પાસે એક બિલ્ડીંગની ચારે તરફ વરસાદી પાણી ભરાઈ જતા બિલ્ડીંગ અંદર રહેતા લોકો અંદર ફસાયા હતા, જેની જાણ ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવતા ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી, આ બિલ્ડિંગમાં રહેતા આશરે 17 લોકોને ફાયર બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

હીરણ નદી બે કાંઠે
હીરણ નદીના હીરણ 1 અને હીરણ 2 એમ 2 ડેમો ઓવરફ્લો થયા છે. હાલમાં પણ વરસાદ ચાલુ જ છે. સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, તેમજ લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

માણાવદરના દગડ તળાવનો પાળો તૂટયો
જૂનાગઢના માણાવદર તાલુકામાં ભારે વરસાદને કારણે દગડ તળાવનો પાળો તૂટ્યો છે. આ ઘટનાને પગલે તળાવની નીચેના ભાગમાં આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાહત અને બચાવ કાર્ય માટે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.

Most Popular

To Top