નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના (Paris Olympics) સમાપન બાદ હવે પેરિસ પેરાલિમ્પિક 2024 (Paris Paralympics 2024) રમાઇ રહી છે. જે 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. ત્યારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ગઇકાલે મંગળવારે રાત્રે પેરા એથ્લેટ્સે (Para athletes) શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને વધુ પાંચ મેડલ જીતાડ્યા હતા. આ સાથે જ ભારતે ટોક્યો ઓલિમ્પિક્સનો પોતાનો જ રેકોર્ડ પણ તોડ્યો હતો. પહેલા આવુ ક્યારેય નથી થયુ કે ભારતે માત્ર છ દિવસમાં જ 20 મેડલ્સ જીત્યા હોય.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય પેરાથ્લેટે 6 દિવસમાં એક એવી સિદ્ધિ મેળવી હતી જે અગાઉ ક્યારેય થઈ ન હતી. વાસ્તવમાં, પેરિસમાં 20 મેડલના આંકને સ્પર્શ કરીને, ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો ઇતિહાસ રચ્યો છે. ભારતના ખાતામાં હવે કુલ 20 મેડલ છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પેરિસ પહેલા ભારતે ટોક્યો 2020માં પેરાલિમ્પિક ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા. પરંતુ હવે, પેરિસમાં પ્રથમ 6 દિવસમાં, ભારતીય પેરાથ્લેટ્સે પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના રેકોર્ડને તોડી નાખ્યો છે.
છઠ્ઠા દિવસે 5 મેડલ ભારત પાસે આવ્યા
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 4 રમતોમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. તેમાંથી સૌથી વધુ 10 મેડલ એથ્લેટિક્સમાંથી આવ્યા છે. આ સાથે જ બેડમિન્ટનમાં 5 મેડલ, શૂટિંગમાં 4 મેડલ અને તીરંદાજીમાંથી એક મેડલ આવ્યો છે. દરમિયાન ગઇકાલે તા. 3 સપ્ટેમ્બરે એટલે કે છઠ્ઠા દિવસે ભારતે વધુ 5 મેડલ જીત્યા હતા. જેમાં દીપ્તિ જીવનજી, શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર ગુર્જરે ભારતને આ મેડલ્સ અપાવ્યા હતા.
ભારતે છઠ્ઠા દિવસે વધુ પાંચ મેડલ જીત્યા
ગઇકાલે મંગવારે તા. 3 સપ્ટેમ્બરના રોજ ભારતે 5 મેડલ્સ જીત્યા હતા, જેમાં સૌથી પહેલા મહિલાઓની 400 મીટર T-20 રેસમાં દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને છઠ્ઠા દિવસનો પહેલો મેડલ અપાવ્યો હતો. આ પછી પુરુષોની ભાલા ફેંક F-46 ઈવેન્ટમાં અજીત સિંહે સિલ્વર મેડલ અને સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મેન્સ હાઈ જમ્પ T-63 ઈવેન્ટમાં શરદ કુમારે પેરાલિમ્પિક રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે મરિયપ્પને એ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ પેરિસમાં ભારતના મેડલની સંખ્યા 20 થઈ ગઈ હતી, જેમાં ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ છે.
પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન
ભારત 1968 થી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. પ્રથમ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું ખાતું પણ ખુલ્યું ન હતું. આ પછી 1972માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ પછીની 2 પેરાલિમ્પિક્સમાં ભારતે ભાગ લીધો ન હતો પરંતુ 1984માં ભારતીય પેરાથ્લેટ્સ 4 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ પછી ફરી એકવાર ભારત 4 પેરાલિમ્પિકમાં પોતાનું ખાતું ખોલાવી શક્યું ન હતું. ત્યારબાદ 2004 એથેન્સ પેરાલિમ્પિક્સમાં ભારત 2 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.
એથેન્સ બાદ 2008 બેઇજિંગ પેરાલિમ્પિક્સમાં ભારતને કોઈ મેડલ મળ્યો ન હતો અને 2012 લંડન પેરાલિમ્પિક્સમાં માત્ર 1 મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યાર બાદ ભારતે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં 4 મેડલ જીત્યા હતા પરંતુ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી હતું. ત્યાર પછી ટોક્યો પેરાલિમ્પિક્સ આવી કે જેમાં ભારતે 19 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો અને હવે પેરિસમાં ભારતે ટોક્યોમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના રેકોર્ડને પાછળ છોડીને 20 મેડલ્સનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.