હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરમાં હાઇ લેવલની બેઠકોનો દોર શરૂ થયો છે.
અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશર સિસ્ટમને પગલે 17મી મેના રોજ ચક્રવાત તોફાનમાં ફેરવવાની સંભાવના છે, અને બીજા દિવસે 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય પગલા ભરવામાં આવી રહ્યા છે. સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે.
વિજય રૂપાણીએ ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે, તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તાત્કાલિક સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરોને આદેશો કરવામાં આવ્યાં છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન-નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે 6 કલાકમાં વાવાઝો઼ડાની તિવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે, અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલિયાની આસપાસ બપોરના સમયે ત્રાટકવાની સંભાવના છે.
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તા 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટાં પડશે, તો 17મીએ ગીર સોમનાથ, જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120 થી 150 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.