Charchapatra

આજના વિદ્યાર્થીની સમસ્યા

આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા પણ વધતી ગઇ છે. આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ મોંઘું થઇ ગયું છે. સામાન્ય મા-બાપ પોતાનાં બાળકોને સારી કહેવાતી શાળામાં દાખલ કરાવી શકતાં નથી. આજનું શિક્ષણ પરીક્ષાલક્ષી બની ગયું છે. પરિણામે વિદ્યાર્થીને જીવનલક્ષી કેળવણી મળતી નથી. અભ્યાસ પૂરો કર્યા પછી ઘણાં વિદ્યાર્થીઓને યોગ્ય નોકરી મળી શકતી નથી.

પરિણામે તેમનાં કીમતી વર્ષો બેકારીમાં વેડફાઇ જાય છે. ગણતર વિનાનું આજનું ભણતર ગોખણિયું બની ગયું છે. વિદ્યાર્થીએ દિવસરાત એક કરીને પાઠ ગોખવા પડે છે. આથી તે અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકતો નથી. પરિણામે તેનો વિકાસ રૂંધાય છે. આજકાલ વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. પરંતુ ફી એટલી બધી ઊંચી હોય છે કે સામાન્ય વિદ્યાર્થી તો તેનો લાભ લેવાની કલ્પના પણ કરી શકે નહિ. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં કયો અભ્યાસક્રમ એને ઉપયોગી થઇ પડશે એનું યોગ્ય માર્ગદર્શન એને મળતું નથી. પરિણામે ગાડરિયા પ્રવાહમાં તણાઇને તે મા-બાપની ઇચ્છા પૂરી કરવા તે તેમની મરજી મુજબનો ગમે તે અભ્યાસક્રમ એ પસંદ કરી લે છે પરિણામે સારું પરિણામ ન આવતાં તે હતાશ થઇ જાય છે. દિશાશૂન્ય થઇ જાય છે.

શિક્ષણતંત્રના અધિકારીઓ શિક્ષણમાં છાશવારે જાતજાતના ફેરફારો કરીને વિદ્યાર્થીઓની મૂંઝવણમાં વધારો કરે છે. નવા નવા અભ્યાસક્રમો અને નવી નવી પરીક્ષાપધ્ધતિઓને લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે. વળી રાજકારણીઓ, સમાજસેવકો, વ્યવસાયી પ્રચારકો, પ્રકાશકો વગેરે પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરે છે. આથી બિચારો વિદ્યાર્થી મુંઝવણમાં મુકાઇ જાય છે. સાચો માર્ગ ન મળે તો ખોટા માર્ગે ધકેલાઇ જાય છે. વિદ્યાર્થીની હતાશા, ગરીબાઇ અને યોગ્ય શિક્ષણનો અભાવ નજરે પડે છે. માટે વિદ્યાર્થીની સમસ્યા ઉકેલવી એ કુટુંબ, સમાજ અને દેશના હિતમાં છે. આજનો વિદ્યાર્થી આપણા દેશનું ભવિષ્ય છે.
અમરોલી – આરતી જે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top