ભારતમાં લોકસભાની ચૂંટણી હવે દૂર નથી. ચૂંટણીની તારીખો ભલે હજુ જાહેર ન થઈ હોય, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ત્રણ મહિનાની અંદર દેશમાં નવી સરકાર બની જશે. આ દરમિયાન ખેડૂતોએ ફરીથી પોતાનું આંદોલન તીવ્ર બનાવ્યું છે. આના કારણે રાજકીય વર્તુળોમાં એ વાત અંગે ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી પહેલાં શરૂ થયેલું ખેડૂત આંદોલન ભાજપ માટે કઠોર પડકારો સર્જી શકશે કે કેમ? અહીં ઉલેખ્ખનીય છે કે જે સંગઠન 2020માં ખેડૂત આંદોલનની આગેવાની કરી રહ્યું હતું, તે આ વખત આંદોલનમાં સામેલ નથી. આ આંદોલનમા રાકેશ ટિકૈતનું “ભારતીય કિસાન યુનિયન” અને “અખિલ ભારતીય કિસાનસભા” જેવાં સંગઠનો સામેલ છે.
અગાઉ આંદોલનનું નેતૃત્વ કરનાર રાકેશ ટિકૈતે કહ્યું કે તેમના સંગઠનને એ વાત સાથે નિસબત નથી ચૂંટણી ક્યારે થઈ રહી છે અને કઈ પાર્ટીનું સમર્થન કે વિરોધ કરવાનાં છે પણ મુદ્દો નથી. તેમણે કહ્યું કે અમારું સંગઠન માત્ર ખેડૂતોની વાત કરે છે અને તેમને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. “અમે ખેડૂતોની માંગણીઓને લઈને સંઘર્ષ કરતા રહ્યા છીએ. પહેલાં ત્રણ કાળા કાયદાનો વિરોધ કર્યો અને સરકારને આ કાયદા પાછા ખેંચવા માટે મજબૂર કરી હતી. અમારો સંઘર્ષ અન્ય માંગણીઓ માટે છે.” આ વખતે ખેડૂત આંદોલનમાં લગભગ 50 સંગઠનો જેમ કે સંયુકત કિસાન મોરચા, બીકેયુ (શહીદ ભગતસિંહ), બીકેયુ (એકતા સિદ્ધુપુર), કિસાન મજદૂર મોરચા, ભારતીય કિસાન નૌજવાન યુનિયન અને અન્ય સંગઠનો સામેલ છે.
બલબીરસિંહ રાજેવાલ અને જગજિતસિંહ ડલ્લેવાલના બીકેયુના સમૂહોએ આ આંદોલનથી અંતર જાળવી રાખ્યું છે. તો બીજી તરફ કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડા એવુ કહી રહ્યાં છે કે, અત્યારે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કૉંગ્રેસ હવા આપી રહી છે, જેના કારણે માહોલ ખરાબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, “કૉંગ્રેસની 2014 પહેલાંની સરકારમાં ખેડૂતો માટે બજેટમાં 27 હજાર કરોડની જ જોગવાઈ કરાઈ હતી. આ સરકારે તેમાં પાંચ ગણો વધારો કરીને આ જોગવાઈ એક લાખ 24 હજાર કરોડની કરી દીધી છે.” આ વખતે થઈ રહેલું આંદોલન રાજકારણથી પ્રેરિત છે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે. તેમણે કૉંગ્રેસ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાડ્યો છે.
અખિલ ભારતીય કિસાનસભાના વિજૂ કૃષ્ણનનું સંગઠન આ આંદોલનમાં ભાગ નથી લઈ રહ્યું. 13 મહિના પહેલાં જ્યારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવામાં આવશે અને ખેડૂતો સામે 2020ના ખેડૂત આંદોલન સમયે નોંધાયેલા ફોજદારી કેસોને પડતા મુકાશે. એમ. એસ. સ્વામીનાથનના રિપોર્ટની ભલામણો લાગુ કરવાના વાયદાની સાથોસાથ સરકારે 2020ના આંદોલનમા મૃત્યું પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની પણ વાત કરી હતી. આ વાયદો પૂરો નથી કરાયો.
હાલમાં તેઓ કહી રહ્યાં છે કે, “અમે 13 મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર પોતે આપેલો વાયદો પૂરો કરે. જોકે, સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. આ કારણે ખેડૂતો પાછલા અમુક મહિનાથી સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણી સાથે આ વાતને કોઈ લેવાદેવા નથી. ખેડૂતોની સમસ્યાને રાજકારણ સાથે નિસબત નથી.” જોકે, 2020માં થયેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં બધાં સંગઠનો હાલના “દિલ્હી ચલો” આંદોલનમાં સામેલ નથી. કદાચ આ આંદોલન દરમિયાન ભાજપ ખેડૂતો માટે કોઈ પ્રકારની જાહેરાત કરીને ‘માસ્ટર સ્ટ્રોક’ મારી શકે છે.
ચૂંટણી પહેલાં જ ચૌધરી ચરણસિંહ અને એમ. એસ. સ્વામીનાથનને મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાતને પણ આ પ્લાનના એક ભાગ ગણી શકાય તેમ છે. આ વખતના આંદોલનમાં બધા ખેડૂત સંગઠનો આ વખત એકસંપ નથી અને આ કારણે જ આંદોલનનો આવનારી ચૂંટણી પર કોઈ પ્રભાવ પડે તેમ નથી. આ ઉપરાંત આ આંદોલનમાં માત્ર એક જ રાજ્યનાં ગણ્યાંગાંઠ્યાં સંગઠનો જ ભાગ લઈ રહ્યાં છે, જેથી અન્ય કોઈ રાજ્યો પર આંદોલનનો રાજકીય પ્રભાવ નહીં પડે. અગાઉ સરકાર અને ખેડૂતો વચ્ચે ચોક્કસપણે સંવાદનહીનતાની સ્થિતિ હતી. જોકે, આ વખતે ખેડૂતો સાથે વાત કરવા માટે કૃષિમંત્રી અર્જુન મુંડા, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે બે તબક્કામાં વાત કરી ચૂક્યા છે.
હવે આ આંદોલનની વધુ એક બેઠક આજે એટલે કે રવિવારે છે. આ અગાઉની ત્રણ બેઠક નિષ્ફળ ગઇ છે એટલે આજની બેઠક ઉપર સૌની નજર રહેશે. ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લઘુત્તમ ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે તેમાં હરિયાણા, પંજાબ અને પશ્વિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો સક્રિય છે. દેશના બાકીના ભાગના ખેડૂતો આ મામલે નિષ્ક્રિય હોવાથી ચૂંટણી પર આંદોલનની કેટલી અસર પડશે તે કહી શકાય તેમ નથી.