યુવતી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જોબ કે નોકરી મેળવવા માટે પસંદગી પામે ત્યારે મા-બાપની ખુશી વધી જાય છે કારણ કે ઘરમાં આર્થિક રીતે ઉપયોગી થાય છે. એમાંય જયારે જરૂરિયાત હોય ત્યારે દીકરાની જેમ મા-બાપને ટેકારૂપ બને છે. પરણ્યા પછી પણ સાસરિયાં માટે કમાણી કરીને આર્થિક રીતે મદદગાર બને છે. શિવુ એક એવી દીકરી છે જે સરકારી ખાતામાં નોકરી કરે છે. શરૂ શરૂમાં શિવુને પણ થતું કે મારી નોકરી છે તો ઘર બરાબર ચાલે છે. માબાપ પણ બધાં આગળ ગૌરવથી કહેતા ‘અમારી શિવુ તો દીકરો છે, દીકરો’ શિવુ પણ મનોમન ખુશ થતી. શિવુ પરણવાલાયક હતી. એ વાતે માગાં આવતાં ત્યારે પિતા બારોબાર જ કહી દેતાં- ‘દીકરી હજી હમણાં પરણવાની ના પાડે છે.’ માતા પણ કહેતી ‘બોલો, શું કરીએ? દીકરીને પસંદ પડે ત્યારે ને?’ તો વળી સગાંસંબંધીમાં એ અંગે કહેતા કે- ‘એને લાયક મુરતિયો મળે ત્યારે વિચારીશું.’ શિવુ લગી વાત પહોંચતી નહીં.
ઘણી વાર એવું બને છે કે કમાતી દીકરીને જલદી પરણાવવાની માબાપને ઉતાવળ હોતી નથી. દેખાડો તો એવો કરે છે કે એને પરણાવવાની અમને ખૂબ ચિંતા છે. મુરતિયા જોઇ જોઇને થાકયા- દીકરીને પસંદ પડે ત્યારે ને? પરંતુ ખરેખર તો એની કમાણી વહાલી લાગવા માંડે છે. શિવુથી નાની બહેન ભણેલી ઓછું- ઘરરખ્ખુ. તેના લગ્ન થઈ ગયા- માબાપ કહેવા લાગ્યાં ‘એના લાયક મળ્યું તો પરણાવી દીધી.’ ભાઇ પણ ભણીગણીને પગભર થઇ ગયો. દીકરી શિવુ ત્રીસી વટાવી ચૂકી છે. એને મોડે મોડે હવે ભાન થાય છે કે આમાં માબાપનો સ્વાર્થ છે.
હવે શિવુએ પણ પોતે રસ્તો શોધી કાઢયો. એની ઓફિસમાં સર્વિસ કરતાં સમકિત સાથે પ્રેમથી ફરવા લાગી. સમકિત અવારનવાર શિવુને ઘેર આવતો. બંને રૂમમાં એકાંતમાં કલાકો પસાર કરતા. શિવુની માતાને આ ગમતું નહીં- બંને વચ્ચે ઝઘડો થતો પણ છેલ્લે માતા ચૂપ થઇ જતી કેમ કે દીકરી ઘરમાં પગાર આપવાનો બંધ કરી દે તો? શિવુએ પણ સમકિત સાથે પરણીને ઘર વસાવવાનાં સપનાં જોવા માંડયાં પરંતુ સમકિત પરણવાની વાત આવે ત્યારે વાત ટાળી દેતો. આખરે શિવુએ જાતે જ તપાસ કરી ત્યારે એને જાણ થઇ કે સમકિત પરણેલો હતો અને બે બાળકોનો બાપ હતો. એને તો શિવુ સાથે મોજશોખ એના પૈસે કરવા ગમતા હતા અને આમ શિવુ ન ઘરની કે ઘાટની રહી. ડીપ્રેશનમાં આવી ગઇ. માતાએ શિવુથી મોટી ઉંમરના જોડે જ્ઞાતિમાં ગમે તેમ લગ્ન કરાવી દીધા.
માબાપે સમજીને પરણવાની ઉંમરે એને પરણાવી દીધી હોત તો…?! અને શિવુ હોય કે કોઇ પણ દીકરી હોય પરણવાની વય હોય ત્યારે પસંદગીનો ગ્રાફ સમ-વિસમ રાખી પરણી જવામાં જ મજા છે. ઘણી વાર માબાપ સર્વસ્વ જતું કરે છે જયારે કેટલાંક મા-બાપ દીકરીના પૈસામાં એવા ઘેલા બને છે કે દીકરીને પરણાવવાની વાત જ વિસરી જાય છે. જુલીની વાત જોઇએ. જુલીને કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઇ. માતાએ એનો લાભ લઇ લીધો. જૂનું મકાન વેચીને સોસાયટીમાં બંગલો ખરીદીને કાયમી રહેવાનું સારું બનાવી દીધું. જુલીના પૈસે એના ભાઇ અનુજને કેનેડા ભણવા મોકલ્યો. જુલીની પરણવાની ઉંમર હતી પણ કોઇને એના હાથ પીળા કરવાની ચિંતા ન હતી. કારણ જુલી કમાતી હતી. આમ ઘણી વાર કમાતી યુવતી સંસાર માંડવામાં પાછળ પડી જાય છે.
કેટલીક કમાતી યુવતીઓને પૈસા કમાવાનો ઘમંડ આવી જાય છે. નાની વયમાં સરસ પગાર મળવાથી ઘમંડી બની જાય છે. અનુજા એમાંની એક છે. એ સારું ભણી હતી. મોટી કંપનીમાં જોબ હતી. એના લગ્ન વડીલોએ ગોઠવ્યા હતા. એનો પતિ એના જેટલું ભણેલો કે પગારદાર નહોતો. અનુજા પતિને ગુલામ જેવો સમજતી હતી. અનુજા જેવી નોકરી પરથી ઘેર આવે કે પતિ એની સેવામાં હાજર. બંને માટે ચા બનાવે, નાનાંમોટાં બધાં કામમાં મદદ કરે, બજારમાંથી લાવવા કરવાનું- રસોઇમાં પણ મદદ કરે. એની દરેક વાતમાં હા માં હા પૂરે. દરેક પ્રોગ્રામ અનુજા જ નક્કી કરે. અનુજાની મરજી મુજબ જ ઘરમાં થાય. આમ વધુ કમાતી યુવતી ઘણી વાર પતિને કહ્યાગરો કંથ બનાવી દે છે.
કેટલીક કમાતી યુવતીઓ આખા ઘરના સભ્યો પર રાજ કરે છે- હુકમ ચલાવે છે- મિલી પરણીને આવી ત્યારે એની જોબ ચાલુ હતી. એનો પતિ પણ એ જ કંપનીમાં જોબ કરતો હતો. ગામથી દરરોજ અપડાઉન કરવાનું હતું. આવા સમયે વહેલા ઊઠી ઘરનું કામ તથા પોતાના લંચબોકસમાં ભરવા નાસ્તો બધું તૈયાર કરવું પડે તો મિલી સાસરામાં પણ પોતાના ટાઇમે જ ઊઠે. એનાં સાસુ વહેલાં ઊઠે. એ ચા-પાણી, ગરમ નાસ્તો તૈયાર કરીને લંચ બોકસ ભરે, ત્યાં નાહી, તૈયાર થઇને કમાતી વહુ મિલી સીડીનાં પગથિયા ઊતરે, ચા-નાસ્તો કરીને લંચ બોકસ પાકીટમાં મૂકીને પતિ-પત્ની ઊપડે. પાછળ બધું જેમનું તેમ પડયું હોય એ બધું બિચારાં સાસુ ઉપાડે. આમ ને આમ બે બાળકો થયાં. જોબ તો ચાલુ જ. પછી તો બાળકો શાળાએ જતાં થયાં એથી બાનું કામ વધ્યું. પણ શું થાય? કમાતી વહુ આવી એથી સાસુને જરાય નિરાંતે બેસવા ન મળ્યું.
ઘણી વાર કમાતી દીકરી ન પરણી હોય ત્યાં સુધી મા-બાપની ફરજ હોય છે કે એની સુરક્ષાની જવાબદારી લેવી. આરતીને પ્રમોશન મળતાં બહારગામ જોબ પર હાજર થવું પડયું. એણે માતાને સાથે આવવા કહ્યું પરંતુ માતાએ કહ્યું ‘અહીં તારાં ભાઇ-બહેનો અને કુટુંબને છોડીને કેવી રીતે આવું? હું નહીં આવી શકું. પરિણામે અજાણ્યા ગામમાં આરતી એકલી જ રહેવા લાગી. એકલી જુવાન છોકરીને જોઇને થોડા જ વખતમાં આવારા લફંગાઓનો ત્રાસ વધી ગયો. એ ડરી ડરી રહેવા લાગી. ડરની મારી મકાન માલિકણ માસીને બધી વાત કરી રક્ષણ માગ્યું. તે માસીએ કહ્યું ‘લગ્ન કરી લે, લગ્નનું કવચ મળવાથી તારું કોઇ નામ નહીં લે,’ આરતીએ ઘરે જઇને મા-બાપને વાત કરી પરંતુ કોઇનો સાથ ન મળ્યો- આરતીએ જાતે જ એક સંસ્કારી અને મોટી ઉંમરના સાધારણ સ્થિતિના યુવક સાથે લગ્ન કરી લીધા-પોતાની ઉંમરના યુવક સાથે જિંદગી વીતાવવાની ઇચ્છા ફળીભૂત ન થઇ.
તો વાચકમિત્રો…! બધાંના ઘરમાં કમાતી વહુ હશે, કમાતી દીકરી હશે…! ત્યાં બધાં જ ઘરોમાં થોડા થોડા કૌટુંબિક પ્રશ્નો તો રહેવાના…! વડીલો એટલે કે મા-બાપે દીકરી કમાતી થાય ત્યારથી એના પર નજર રાખવી જરૂરી. કમાતી દીકરીનું દામ્પત્યજીવન સફળ બને એવાં સલાહસૂચન આપવા અને મુખ્ય વાત તો એ કે દીકરીને તેની યોગ્ય ઉંમરે યોગ્ય મુરતિયો જોઇ પરણાવી દેવી. એની કમાણીના પૈસાની વધુ આશા રાખવી બરાબર નથી. દીકરીના દરેક કાર્યમાં સાથ આપવો આપણી ફરજ છે. એને જરૂર પડે યોગ્ય માર્ગદર્શન આપી પ્રગતિના પંથે વાળવી. એનું દામ્પત્ય જીવન અને એનો સંસાર સુખી રહે એવું આપણું નિત્ય સ્મરણ હોવું જોઇએ- માતા-પિતા, સાસુ-સસરા, પતિ, નણંદ સમગ્ર કુટુંબે પરસ્પરની સમજણ કેળવી એકબીજાઓની ભાવનાઓની કદર કરી જીવનની મધુરપ માણવી જ રહી.
સુવર્ણરજ
વેદનાઓ વેદ બને ગીત એવું ગાજે,
શોકને બનાવી શ્લોક, જીવન શણગારજે