ગુજરાત કોંગ્રેસ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની ૩૭મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં લો ગાર્ડન – ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે યોજવામાં આવેલા વ્યાખ્યાનમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ઇન્દિરાજી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા જેમને તેમણે કરેલા કાર્યો માટે આખા દેશમાં લોખંડી મહિલા તરીકે યાદ કરવામાં આવે છે. આજે તેમની પુણ્યતિથી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે તેમની આજે જન્મ જયંતી છે.
સરદાર સાહેબે વિદેશમાં જઈ અભ્યાસ કર્યો ત્યારબાદ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં આઝાદીના આંદોલનમાં જોડાયા. એમના અહમ યોગદાનમાંથી નવી પેઢીએ પ્રેરણા મેળવવાની છે. આજે એવા લોકો સત્તાસ્થાને છે કે જેઓનું આઝાદીના જંગમાં કોઈ યોગદાન નથી. છાસવારે મોટી મોટી વાતો કરનારા માત્ર જાહેરાતથી ઓળખ ઉભી કરી રહ્યાં છે. સરદાર સાહેબ અને ઈન્દિરાજીએ તેમના કામથી અને દેશ પ્રત્યેની નિષ્ઠાથી આપેલા બલીદાનના કારણે દરેક ભારતવાસીના દિલમાં સ્થાન પામ્યાં છે. જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી તે વિચારધારાના લોકો આજે પોતાની જાતને લોકો વચ્ચે ગાંધીજી અને સરદાર સાહેબની વાત કરવા નીકળ્યાં છે. તેઓએ સત્તા માટે વાત કરે છે તેમને ગાંધીજી, સરદાર સાહેબના વિચાર સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ ગાંધીજી અને સરદાર સાહેબના વિચારને અમલ પણ કરવા માંગતા નથી.
શર્માએ કહ્યું હતું કે સરદાર સાહેબનું દ્રઢ મનોબળ, મક્કમ નિર્ધાર અને દુરંદેશીના કારણે દેશને જે અખંડ ભારત બનાવવાનું કાર્ય કર્યું. વિભાજનવાળી તાકાતો ઉપર રોક લગાવવામાં આવે, વિભાજનવાળી તાકાતો દેશને નુકસાન ના કરે તેવા નેતાઓને આપણે યાદ કરી ભાવાંજલી આપીએ છીએ. ઈન્દિરાજી જેઓએ ગરીબો હટાવો અભિયાન, બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે સામાન્ય લોકોના હક્ક અધિકારની વાત હોય એના માટે એમના શાસનકાળના જે નિર્ણયો છે તે આજે પણ આખી દુનિયા યાદ કરે છે. સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ કોંગ્રેસજનોએ દેશ સામેના પડકારો માટે લડવાનું છે.