21મી જૂનનો દિન ભૌગોલિક દૃષ્ટિએ ખાસ છે. 21મી જુને આપણા ઉંમર ગોળાર્ધના વિસ્તારોમાં આવેલા કર્કવૃત્ત ઉપર એટલે કે 23.05 ડીગ્રી ઉત્તર આક્ષાંશ ઉપર સૂર્ય બપોરે બાર વાગે કાટખૂણે પ્રકાશે છે. એટલે આ દિવસે બપોરે બાર વાગે, તમામ ભૌતિક વસ્તુઓનો પડછાયો ‘શૂન્ય’ થઇ જાય છે. આ ઘટના ‘ઝીરો શેડો ડે’ તરીકે પણ ઓળખાય છે. કર્કવૃત્ત, આપણા ઉત્તર ગુજરાતના બહુચરાજી પરથી પૂર્વ-પશ્ચિમ દિશા બનાવીને પસાર થાય છે. આ દિવસે આપણા આ કર્કવૃત્તના વિસ્તારોમાં સૌથી મોટો દિવસ અને સૌથી ટૂંકી રાત બને છે.
21મી જૂન પછી સૂર્ય આગળ ઉત્તર તરફ જતો નથી. પણ પાછો દક્ષિણ દિશા તરફ વળતો થાય છે. ત્યારે આપણે ત્યાં ભરપૂર ઉનાળો છે. તો સામે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા મકરવૃત્ત ઉપર સખત શિયાળો જામેલો હોય છે. 21મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ આગળ વધીને શૂન્ય ડિગ્રી અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત તરફ જતો હોય છે અને 21મી સપ્ટેમ્બરે સૂર્ય, વિષુવવૃત્ત ઉપર બરાબર બપોરે બાર વાગે કાટખૂણે પ્રકાશે છે. આ દિવસે આપણે ત્યાં રાત અને દિવસ સરખા બનવા પામે છે.
સુરત – બાબુભાઈ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ધોરણ– 9 અને 11નાં વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ
ગુજરાત શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કુલો માટે ડી.ઇ.ઓ.એ પરિણામ પત્ર જાહેર કર્યો છે. જે અનુસાર ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવા માટે 1 વર્ષની સુધી રાહ જોવી નહી પડે. શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાનાં પરિણામોમાં જે વિદ્યાર્થીઓ જે તે વિષયમાં નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ તે વિષયોની પુન: પરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષના શરૂઆતનાં 15 દિવસમાં લેવાની રહેશે અને પુન: પરીક્ષાનાં પરિણામોને આધારે ઉપલી કક્ષામાં બઢતી આપવાની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયેલો આ નિર્ણય ખરેખર આવકારદાયક અને યોગ્ય છે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે