નડિયાદ: ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં આવેલ શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના પુરાતન મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરમાં ઉમટી પડે છે. વર્ષમાં એક વાર શિવરાત્રીના દિવસે મંદિરમાંથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
દ્વાપરયુગમાં ડાકોર ખાખરીયા વન તરીકે ઓળખાતું હતું. તે વખતે ડંકમુનિએ ત્યાં એક આશ્રમની સ્થાપના કરી હતી. અને તે સ્થળે શંકર ભગવાનની ઘોર તપસ્યાં કરી હતી. ડંકમુનિની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાને આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ આવી ડંકેશ્વર નામે અહીં લિંગ સ્વરૂપે સ્થાયી થશે તેવા આશીર્વાદ આપ્યાં હતાં. જેના સાક્ષીરૂપે ગોમતીઘાટ પર હાલ ડંકનાથ મહાદેવનું પુરાતન મંદિર આવેલું છે.
યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતાં મોટા ભાગના દર્શનાર્થીઓ ગોમતીઘાટ પર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના દર્શનાર્થે અચુક જાય છે. જેને લઈ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ રહે છે.
વર્ષમાં એક વખત મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ મંદિરમાંથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ નીકળે છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે. આજે મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે તેમજ સાયંકાળે પાલખીમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે. દર્શનાર્થે આવનાર ભક્તોને ફરાળ તેમજ ભાંગનો પ્રસાદ અર્પણ કરાશે