આણંદ : આણંદ – ખેડા જિલ્લો તમાકુના ઉત્પાદન માટે પ્રથમ ક્રમે છે. પરંતુ જીએસટીનો કાયદો આવ્યા બાદ આ તમાકુના વેપારીઓની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. તમાકુના કાચા માલ ઉપરાંત તેના વેસ્ટને લઇ અનેક અસંમજસ ઉભી થઇ છે. જેના કારણે વેપારીઓ પાસેથી આડેધડ દંડ વસુલવામાં આવી રહ્યો છે, આશ્ચર્યજનક બાબત એ છે કે, આ દંડ ભરવા છતાં અપીલની સુનાવણી ન થતાં કરોડો રૂપિયા ફસાયેલા પડ્યાં છે. આથી, તમાકુના વેપારીઓમાં વધુ રોષની લાગણી જન્મી છે અને તેઓ આ મુદ્દે લડી લેવા છેક દિલ્હી સુધી રજુઆત કરવા તખ્તો તૈયાર કર્યો છે.
બોરસદ ખાતે એસડી ચેમ્બર્સ ખાતે આણંદ – ખેડા જિલ્લાના આશરે 500 જેટલા તમાકુના વેપારીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાય દ્વારા તમાકુની સોનેરી પાંદડાઓની ખેતી દ્વારા ભવિષ્યમાં ગોલ્ડન ક્રાંતિનો ઉદ્દબાવ થાય તે માટે દૂધની જેમ તમાકુના વેચાણ માટે સહકારી મંડળી બનાવવાનો વિચાર રજુ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તમાકુનો ઉપયોગ ફક્ત નસો કરવા માટે નથી. પરંતુ તમાકુમાંથી નિકોટીન છુટુ પાડી તેમાંથી દવા બનાવવામાં આવે છે. વિદેશમાં આ દવા મોંઘા ભાવે નિકાસ કરવામાં આવે છે. જેથી ખેડૂતોને ફાયદો થાય છે. આ બેઠકમાં એસોસિએશનના લીગલ એડવાઇઝર રોનક જૈન દ્વારા વેપારીઓના નાના – મોટા ઇશ્યુ બાબતે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો જીએસટીના કાયદાને લઇ થતી પજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી જીએસટી કાયદો આવ્યા છતા કલેરિફિકેશન ના હોવાની રજુઆત કરવામાં આવી હતી. આ અંગે પ્રદીપભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જીએસટીને આવ્યાને 5 વર્ષ થઈ ગયા છે. તેમ છતા તેમાં જીએસટી કાઉન્સિલ દ્વારા કલેરિફિકેશન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત પાંચ વર્ષથી ટ્રિબ્યુનલના અભાવે વહેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
દંડની રકમ પરત કરવી જોઈએ
આશ્ચર્યજનક બાબત એ છે કે, આ વેપારીઓ અપીલ માટે જઇ શકતાં નથી. કારણ કે ટ્રીબ્યુનલમાં હજુ વેટની સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત ઓનલાઇન અપીલની કોઇ વ્યવસ્થા નથી. ઓફલાઇન જ અરજી કરવી પડી છે. આ સ્થિતિમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક વેપારીઓના નાણા ફસાયેલા છે. જેથી તે પરત મળે તેવી વ્યવસ્થા કરવા અથવા ફાસ્ટટ્રેક સુનાવણી કરવી જોઈએ.