નશીલાં પીણાં કે પદાર્થનું સેવન કરવું નુકસાનકારક છે. અમુક સ્થળે તે ગેરકાનૂની છે, છતાં આખરે તે સ્વૈચ્છિક તેમજ વ્યક્તિગત બાબત છે. તમાકુનું વિવિધ પ્રકારે સેવન સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરે છે અને આ હકીકત હવે અતિશય જાણીતી થઈ ચૂકી છે. સિગારેટ, બીડી કે ગુટખાનાં પડીકાં પર કેન્સરની ચેતવણી અને ભયજનક ચિત્ર જે તે બ્રાન્ડના નામ કરતાંય મોટું મૂકાયેલું જોવા મળે છે. આમ છતાં, કોઈ ચાહીને તેનું સેવન કરવા ચાહે તો એ રોકી શકાય એમ નથી, કેમ કે, છેવટે એ વ્યક્તિગત પસંદગીનો મામલો બની રહે છે.
અલબત્ત, તમાકુ અને તેની પેદાશોને ખલનાયક ચીતરવામાં આવતા રહ્યા છે, તેના સેવન અને વેચાણ પર વિવિધ પ્રકારે પાબંદીઓ મૂકવામાં આવે છે, છતાં તેના ઉત્પાદનને નિયંત્રિત કરવા બાબતે કશું વિચારાતું નથી એ નવાઈ કહેવાય. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટેરાં તમાકુનું વિવિધ સ્વરૂપે સેવન કરતાં હોય છે અને એમનું જોઈને નાનેરાં એ માર્ગે વળે છે. છતાં દરેક કિસ્સે આમ ન પણ હોય. મુખ્ય વાત એ છે કે તમાકુની પેદાશોનું સેવન નુકસાનકારક હોવાની સાથોસાથ ખર્ચાળ પણ છે. એ ખર્ચાળ હોવાને કારણે પરિવારના માસિક આયોજનમાં તેની પ્રાથમિકતા કેટલી છે એ જાણવું જરૂરી છે.
કેન્દ્ર સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત આંકડા જોવા જેવા છે. આ મંત્રાલય અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન ‘નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ’ (એન.એસ.એસ.ઓ.) દ્વારા ઘરેલુ ખર્ચનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જણાયું કે વિભિન્ન રાજ્યોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાન, તમાકુ અને અન્ય માદક પદાર્થો પાછળનો ખર્ચ ઘરેલુ ખર્ચના પાંચથી નવ ટકા જેટલો હોય છે. કઠોળ, ફળ અને ક્યારેક તો આ પ્રમાણ દૂધના ખર્ચ કરતાં પણ વધુ હોય છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ ઓછું હોય છે, પણ મોટે ભાગે તે કઠોળ પાછળ કરાતા ખર્ચને ઓળંગી જાય છે. અલબત્ત, આ નવું નથી. અગાઉ એન.એસ.એસ.ઓ. દ્વારા વર્ષ 1999-2000 દરમિયાન કરાયેલા અભ્યાસમાં આ પ્રમાણ ભારતભરમાં દસ ટકા જણાયું હતું. સાદી ભાષામાં કહીએ તો લોકો પોષક ખાદ્ય ચીજો કરતાં વધુ ખર્ચ આવાં માદક દ્રવ્યો પાછળ કરતાં જણાયાં.
આનો એક અર્થ એ થઈ શકે કે ખર્ચ કરનારાઓ પસંદગીપૂર્વક પોષક આહારને બદલે માદક દ્રવ્યો પાછળ ખર્ચ કરે છે. સવાલ એ પરવડવાનો નથી પણ પ્રાથમિકતાનો છે. 1990ના દાયકામાં એવું જોવા મળેલું કે ઘરેલુ ખર્ચનો મોટો હિસ્સો અનાજ પાછળ ખર્ચાતો. એ પછીના સમયમાં તે તમાકુ જેવાં માદક દ્રવ્યો પાછળ ખર્ચાતો થયો છે, જે નથી આહાર કે નથી આપતો કશું પોષણ. તેનાથી મળે છે ફક્ત ને ફક્ત જીવલેણ રોગ. લોકો નાણાં ખર્ચીને પીડાદાયી મૃત્યુ ખરીદે છે એમ કહી શકાય. આમ થવા પાછળનું કારણ શું? પહેલી અને પ્રાથમિક વાત એ કે આને લોકોની આર્થિક સમૃદ્ધિ કે વધેલી ખરીદશક્તિ સાથે સાંકળી લેવાની જરાય જરૂર નથી. શ્રમિક વર્ગની કામ કરવાની બદલાયેલી પરિસ્થિતિઓ તેના માટે ઘણે અંશે જવાબદાર છે.
‘એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન કોમ્પ્લેક્સ ચોઈસીસ’(આઈ.એ.એસ.સી.સી.)ના સભ્ય અનિલ સૂદના જણાવ્યા અનુસાર શારીરિક શ્રમના કામમાં તમાકુનું સેવન એક મહામારીની જેમ વ્યાપેલું છે. નિવાસી સમુદાયોમાં આ વલણ દાયકાઓથી જોવા મળતું આવ્યું છે. યોગ્ય વિરામ વિના લોકો બારથી ચૌદ કલાક કામ કરે છે, જાગતા રહે છે અને ઢસડ્યે રાખે છે. આ પ્રક્રિયામાં તેઓ ખોરાકની અવેજીમાં અન્ય માદક પદાર્થના શરણે જાય છે. સૂદે એમ પણ જણાવ્યું કે આ વલણ વિવિધ કાર્યક્ષેત્રો અને વયજૂથોમાં વ્યાપક રીતે જોવા મળે છે.
ચાહે એ બાંધકામ ક્ષેત્રનાં કામદારો હોય, ડેરી ઉદ્યોગના હોય કે ટેક્સી ડ્રાઈવરો હોય. અઢાર- ઓગણીસ વર્ષનાં યુવાનો સુધ્ધાં આ કુટેવને અન્યો પાસેથી ગ્રહણ કરી લે છે. તેઓ માને છે કે આનાથી તેમને ઊર્જા મળે છે. એક વાર શરૂ થઈ ગયા પછી આ આદત ભાગ્યે જ છૂટે છે. શહેરી વિસ્તારોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટ્યું છે, પણ તમાકુનું સેવન વધી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં આવેલાં સ્થળાંતરિત શ્રમિકો આ આદતને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં લાવે છે. સૂદના જણાવ્યા અનુસાર શહેર હોય કે ગામ, આદત એટલી જ નુકસાનકારક બની રહે છે.
આપણા દેશની તમાકુ નિયંત્રણ નીતિમાં સિગારેટ પર નિયંત્રણ વધુ જોવા મળે છે, જ્યારે ધૂમ્રવિહીન પદાર્થો, જેવા કે તમાકુ, પાનમસાલા કે અન્ય સ્થાનિક પદાર્થો સુલભ અને સસ્તા હોય છે. તેમની પર નિયંત્રણ ખાસ હોતું નથી. વિચિત્ર બાબત એ પણ છે કે વારેવારે જી.એસ.ટી.ના વધારા પછી પણ આ સેવન ઘટ્યું નથી, જે સૂચવે છે કે ભાવવધારો પણ સેવનને રોકી શકતો નથી. બારથી ચૌદ કલાક કામ આકરું શારીરિક કામ કરવાનું હોય એવી સ્થિતિમાં ભલે કામચલાઉ ધોરણે પણ તમાકુ કે અન્ય માદક પદાર્થો જાણે કે ઔષધિનું કામ કરે છે. તેનાથી થતી લાંબા ગાળાની નુકસાનકારક અસરો વિચારી શકાય એવી એ કામદારોની માનસિક કે આર્થિક સ્થિતિ હોતી નથી.
આપણી પોષણ નીતિ મુખ્યત્વે અનાજ દ્વારા મળતી કેલરી પર કેન્દ્રિત છે. પ્રોટિન તેમજ અન્ય સૂક્ષ્મ પોષક દ્રવ્યની ઊણપ એમની એમ રહે છે. આ અભ્યાસમાં જાણવા મળે છે કે આવક વધે તો પણ ઘરના ખર્ચનો હિસ્સો તમાકુમાંથી અન્ય પોષક દ્રવ્યો તરફ ફાળવાતો નથી. મતલબ કે સ્વાસ્થ્ય નીતિ અને પોષણ નીતિ રેલવેના બે પાટાની જેમ, એકમેક સાથે કશી લેવાદેવા વિના કામ કરે છે. આ બાબતે સરકાર જ્યારે વિચારે ત્યારે, એક નાગરિક તરીકે આપણે સૌએ વિચારવા જેવું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.