અખબારી અહેવાલો મુજબ વર્તમાન સમય ‘શોર્ટકટ’થી નાણાં પ્રાપ્ત કરવાનો છે! કેટકેટલી વ્યક્તિ ‘ઠગ’બની અન્યનાં નાણાં ઉચાપત કરે છે! કોઈ વિદેશ મોકલવાને બહાને ઠગે, તો કોઈ જ્વેલર્સને ઠગે, કોઈ જમીન-મકાનનાં નાણાં ન ચૂકવે તો ઘણાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં નાણાંનું ચૂકવણું ન કરે. હની ટ્રેપના કિસ્સા વારંવાર અખબારી આલમ દ્વારા જાણવા મળે, પેઢીઓ બોગસ નીકળે અને 53 કરોડની કરચોરી પણ થાય! શું નૈતિકતાનું અધ:પતન થઈ રહ્યું છે? ભ્રષ્ટાચારે પણ માઝા મૂકી છે. ઘણી બાબતોમાં નકલીપણું પણ સાબિત થઈ રહ્યું છે, જેમાં હવાલદાર પણ નકલી હોય!
પ્રજાને મૂર્ખ બનાવવાનો વ્યાપાર તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે! અન્યનાં નાણાં ઉચાપત કરીએ તો એ નાણાં પચશે ખરા? કર્મના સિધ્ધાંત મુજબ ક્યારેક ને ક્યારેક એનાં માઠાં ફળ ભોગવવાં જ પડશે એ વાત કોઈને છેતરનાર વ્યક્તિ કેમ ભૂલી જતા હશે? આજે કોઈની પણ સાથે આર્થિક વ્યવહાર કરતાં પહેલાં સો વાર વિચાર કરી તપાસ કરી પછી જ આગળ વધી શકાય. પછી એ મિત્ર કે સંબંધી કેમ ન હોય! આવી ઘટનાઓ એકમેક ઉપરથી વિશ્વાસ ઘટાડે છે અને નાણાંની લેવડદેવડ ઘણી વાર સંબંધમાં ઓટ આણે છે! પ્રામાણિકતા અનિદ્રાથી રક્ષણ અવશ્ય કરે!
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહાસાગર વિશે અઢળક માહિતી મળી
તા. 22-11-23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણપૂર્તિમાં નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેક’માં એમણે અનેક સમુદ્રો, મહાસાગરોની સુંદર જાણવા જેવી માહિતી આપી છે તેમણે કેટલા સમુદ્ર અને મહાસાગરો છે તે અને તેની વિશિષ્ટતા શી છે તે સમજાવ્યું છે તેની લંબાઇ, પહોળાઇ, ઊંડાઇ કેટલી છે તેના પાણીની ઘનતા વિશિષ્ટતા શી છે તે અંગે પણ એમણે માહિતી આપી છે. સમુદ્ર મહાસાગરોની અંદર જીવસૃષ્ટિ વિશે પણ એમણે માહિતી આપી છે. પૃથ્વી પર 3/4 ભાગ પર પાણી છે પૃથ્વીનો અવકાશમાંથી ફોટો પાડવામાં આવે તો બ્લુ મારબલ ભૂરા લખોટા જેવી લાગે છે આ મહાસાગરોના પાણીને લીધે દેખાય છે. શાંત મહાસાગરને પ્રશાંત મહાસાગર કહેવામાં આવે છે જો કે ત્યાં પણ તોફાન થઇ શકે છે. કુલ પાંચ મહાસાગરો છે. વધુ જાણવા માટે 22-11-23ની ‘ગુજરાતમિત્ર’ની દર્પણપૂર્તિ મેળવી અભ્યાસ કરવા જેવો છે. લેખકને મહાસાગરો વિષે સુંદર માહિતી આપવા બદલ અભિનંદન.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.