ગામમાં એક સાધુ આવ્યા. વાત પ્રસરી કે સાધુ ખૂબ જ જ્ઞાની છે અને તેમની પાસે દરેક સમસ્યાનો હલ હોય છે.એક સ્ત્રી સાધુ પાસે ગઈ અને તેમના પગમાં પડીને રડવા લાગી.સાધુએ કહ્યું, ‘બહેન, શાંત થા રડે છે શું કામ? કોઈ પણ સમસ્યા હોય, રડવાથી તો તેનો હલ નહીં જ નીકળે ને.’ સ્ત્રી રડતાં રડતાં બોલી, ‘બાપજી, એક નહિ અનેક સમસ્યા છે અને તેને લીધે મન સતત ચિંતા અને ડરમાં જ રહે છે કે હવે શું થશે? કાલે શું થશે? મારાં બાળકોનું શું થશે?’
સાધુ સમજી ગયા કે આ સ્ત્રી સતત ચિંતા કરતાં રહેવાથી દુઃખી છે.સાધુએ કહ્યું, ‘બહેન, પહેલાં પાણી પી ,શાંત થા.તારી બધી સમસ્યા હું પછી સાંભળીશ અને આપણે તેનો ઉપાય પણ શોધીશું.પણ પહેલાં તું મારી વાત સાંભળ કે સમસ્યાઓ માત્ર તારા નહિ, બધાના જીવનમાં હોય છે અને તેની સામે લડવું પડે છે અને જીતવું પડે છે અને સતત આવતી કાલની કે ભવિષ્યની ચિંતા એ કોઈ સમસ્યા નથી.તું સૌથી પહેલાં તારા મન અને મગજને શાંત કર.જો શાંત મન સાથે જીવીશ અને શાંત મગજ સાથે વિચારીશ તો દરેક સમસ્યાનો હલ મળી જશે.’ સ્ત્રી બોલી, ‘પણ બાપજી, ચિંતાઓ જ એટલી છે કે મન સતત ડરેલું ..ગભરાયેલું ઉચાટમાં જ રહે છે તેને શાંત કરવું કઈ રીતે?’ સાધુ બોલ્યા, ‘આ પ્રશ્ન બરાબર છે …તારી સમસ્યાઓ દૂર કરવા માટે સૌથી પહેલાં મન અને મગજને શાંત કરવા જરૂરી છે.
તે માટે અનેક રસ્તાઓ છે.હું તને અમુક રસ્તાઓ જણાવીશ. તને જે ગમે તેની પર તું અમલ કરજે.સૌથી પહેલાં વિચારોને રોકો.તેમાં પણ નકારાત્મક વિચારોને અટકાવજે અને સારા વિચારો કરવાની શરૂઆત કરજે.પછી મનને શાંત રાખવા રોજ પાઠ ..પ્રાર્થના ..પૂજા ..ધ્યાન જે ગમે તે થોડી વાર માટે રોજ કરજે.રોજ સવારે ઊઠીને પહેલો વિચાર કરજે કે હું સ્વસ્થ અને શાંત છું.હું અને મારાં પ્રિયજનો સુરક્ષિત છીએ.મારા જીવનમાં જે થાય છે તે સારું જ થાય છે.’ સ્ત્રી વચ્ચે બોલી, ‘બાપજી, એમ વિચારવાથી થોડા બધા સુરક્ષિત જ રહે કે બધું સારું જ થાય.’
સાધુ બોલ્યા, ‘બરાબર છે, તારી વાત દર વખતે આપણે જે વિચારીએ તે ન થાય એટલે જે થાય તે આપણને સારું ન લાગે.પણ જો તું જે થાય છે અને જે થશે તેને સ્વીકારી લેવાની વૃત્તિ કેળવી લઈશ તો કોઈ ચિંતા નહિ રહે.તને જે જોઈએ છે તે બધું જ તારી પાસે છે.કંઇક ખૂટતું હોય તો તે માટે મહેનત અને પ્રાર્થના કરજે અને સતત વિચારજે કે મારું જીવન સુંદર, સુખમય અને ખુશીઓથી ભરેલું છે.તો તારા આ સુંદર વિચારો જીવનને સુંદર બનાવી દેશે અને ચિંતાઓ અને ડર કયાંય દૂર ભાગી જશે.’સાધુએ સ્ત્રીને સાચો માર્ગ દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.