આપણી આસપાસ રોજ વિવિધ પ્રકારના સંવાદો થતાં હોય છે, પણ આપણે તે સંવાદના અર્થને સમજવાનો પ્રયત્ન કરતા નથી. કોઈ પણ સંવાદ માત્ર એક શબ્દ નથી, તે સંવાદ પાછળ આપણા વિચારો- આપણી માનસિકતા અને આપણું શિક્ષણ કારણભૂત હોય છે, પણ સમય બદલાયો છે,પેઢી પણ બદલાઈ છે.તેના કારણે શું બને છે તેનું ઉદાહરણ આપું તો મારા ઘરની જ વાત કરું. મારી પત્ની અને મારી દીકરી વચ્ચે થતાં સંવાદ કંઈક આ પ્રમાણે હોય છે, જરા કામ કરતાં શીખ, તારે સાસરે જવાનું છે, તારાં સાસરિયાં કહેશે મા એ કોઈ સંસ્કાર આપ્યા જ નથી. મારી પત્નીનો આ સંવાદ ખોટો નથી, તેનો હેતુ પણ ખોટો નથી. આ સંવાદ પાછળ તેની સમજ અને તેને મળેલું શિક્ષણ કારણભૂત છે. સૌથી પહેલાં વાત કરું તો મને પ્રશ્ન થાય છે કે સંસ્કાર એટલે શું? આપણે ત્યાં વિવિધ જાતિ-ધર્મ અને જ્ઞાતિનાં લોકો વસે છે, દરેકની જીવન જીવવાની પધ્ધતિ અલગ છે. હું જીવન જીવવાની પધ્ધતિની વાત કરું છું. સંસ્કાર નહીં, આપણે ત્યાં ગુજરાતમાં દારૂને બદી ગણવામાં આવે છે, આપણે બોલતા નથી પણ જે દારૂ પીવે છે તે અસંસ્કારી તેવું આપણે બોલ્યા વગર પણ માનીએ છીએ.
પણ ગુજરાતમાં જ વસતી અનેક જ્ઞાતિઓ એવી છે કે જેમને ત્યાં જન્મ-લગ્ન અને મરણના પ્રસંગે દારૂ પીવામાં આવે છે તો આપણે તેમને અસંસ્કારી કેવી રીતે માની શકીએ, કારણ દારૂ કેટલીક જ્ઞાતિના જીવનમાં સારા માઠા પ્રસંગનું અભિન્ન અંગ છે. આ એક ઉદાહરણ છે, એટલે કોઈની જીવનપધ્ધતિ આપણાથી અલગ હોય એટલે તે અસંસ્કારી નથી. આપણે જાહેરમાં કબૂલ ના કરીએ, તો પણ હજી ગુજરાતમાં પણ બોલ્યા અને માંગ્યા વગર દહેજ આપવામાં આવે છે. અહિંયા લેનાર અને આપનાર બન્નેને વાંધો નથી, પણ આ દહેજ લેનારને આપણે અસંસ્કારી કહેતા નથી કારણ આપણે ત્યાં અહિંયા સંસ્કારનું માપદંડ બદલાઈ જાય છે. ગુજરાતમાં ખ્રિસ્તીઓના એક ખાસ સંપ્રદાયમાં દહેજનો ઉલટો રિવાજ છે. આ સંપ્રદાયમાં છોકરીના પિતા દહેજ આપતા નથી, પણ છોકરાવાળા દહેજ આપે છે. જો છોકરી સરકારી નોકરી કરતી હોય તો દહેજની રકમમાં વધારો થાય છે. કદાચ છોકરીના પિતાને દહેજ મળતું હોવાને કારણે આ સંપ્રદાયમાં ભૃણ હત્યા થતી નથી. તેની આ જમા બાજુ પણ છે.
આપણે શાક વેચવા આવતી સ્ત્રી જે બીડી પણ પીવે છે અને ગુટકા પણ ખાય છે, પણ આ સ્ત્રીનું બીડી પીવું અથવા ગુટકા ખાવું આપણી આંખને અસ્વાભાવિક લાગતું નથી. આપણે તેને અસંસ્કારી પણ કહેતા નથી, પણ મેં જોયું છે, અમદાવાદના એનઆઈડી -આઈઆઈએમ જેવી સંસ્થાની બહાર કોઈ કોઈ યુવતી જો સીગરેટ પીતી હોય તો આસપાસનાં લોકો તેને ટગરટગર જુવે છે. તેમની આંખોમાં કૌતુકની સાથે અરરર આ તો કેવું અધ:પતન થયું તેવો ભાવ હોય છે. આપણે સંસ્કારના અલગ અલગ માપદંડ બનાવી દીધા છે. દારૂ અને સીગરેટ સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેમાં કોઈ બેમત નથી, પણ છોકરો દારૂ અને સીગરેટ પીવે તો આપણને બહુ સ્વાભાવિક લાગે છે, પણ જો છોકરી દારૂ-સીગરેટ પીવે તો સંસ્કારનો દાટ વળી ગયો તેવું લાગે છે. અહિંયાથી આપણે અટકતા નથી. જે સ્ત્રી દારૂ અને સીગરેટ પીવે છે તેના ચારિત્ર્યને પણ આપણે શંકાના દાયરામાં મૂકી દઈએ છીએ એટલે સંસ્કાર સાચવી રાખવાની ઠેકેદારી માત્ર છોકરીના શિરે છે. જયારે મારી પત્ની મારી દીકરીને કહે છે, તારે સાસરે જવાનું છે, કામ કર, તો વળતો ઉત્તર મળે છે કે કેમ ભાઈના લગ્ન થવાના નથી, તેની પત્નીને પણ તેણે મદદ કરવી પડશે ને.
દીકરીનો મત સાચો હોવા છતાં દીકરી પોતાની સરખામણી પોતાના ભાઈ સાથે કરે છે. તેને લાગે છે બન્ને માટે એક જ માપદંડ કેમ નથી? જો છોકરીને કામ આવડવું જોઈએ અને છોકરીના કામ ના આવડે તો સંસ્કાર લજવાય છે તો છોકરાને કામ ના આવડે ત્યારે કેમ સંસ્કાર લજવાતા નથી. આપણે અજાણતા સંસ્કાર સાચવવાની અને સંસ્કારની ચિંતા કરવાની જવાબદારી છોકરીના માથે થોપી દઈએ છીએ. જો આપણે સંસ્કારની જ વાત કરતા હોઈએ તો છોકરા અને છોકરી માટે અલગ માપદંડ હોવો જોઈએ નહીં, પરંતુ આપણે સંસ્કાર કોને કહીએ છીએ તે પણ મહત્ત્વનું છે. સંસ્કાર એટલે રીતરિવાજ નથી. સંસ્કારનો મારો અર્થ છે, મારે રોજ માણસ થવા માટે કરવો પડતો પ્રયત્ન છે. માણસ થવાની પ્રક્રિયામાં થતી ભૂલ સમજવી તેનો સ્વીકાર કરી ભૂલનું પુનરાવર્તન ના થાય તેની તકેદારી રાખવી. આપણે જેને અસંસ્કારી માનીએ છીએ તે સંભવ છે કે બીજાના જીવનનો ભાગ હોય, જેવી રીતે હું માંસાહાર કરતો નથી પણ તે માંસાહાર કરે છે તેને અસંસ્કારી માની લેવાનો મત ખોટો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.