Columns

પારકાંને પોતાના કરવા માટે

કૃપાના અરેંજ મેરેજ હતા.થનાર પતિને તે ત્રણ મહિના પહેલાં મળી હતી. કેવલ, છોકરો સારો અને સારું કમાતો હતો.લગ્નના દિવસ નજીક આવી રહ્યા હતા અને કૃપાની ચિંતા વધતી જતી હતી કે તે પોતાના થનાર પતિને જ બહુ સારી રીતે જાણતી નથી તો પછી તેના ઘરનાં અન્ય લોકોને કેવી રીતે ઓળખી શકે અને લગ્ન બાદ તે સાસરે અજાણ્યાઓ વચ્ચે જઈને કઈ રીતે રહેશે? શું સાસરે બધા તેને અપનાવશે? કે પછી તે પારકી જ રહેશે અને પારકાંને પોતાના કરવા તેણે શું કરવું જોઈએ? કૃપાએ પોતાની ચિંતા તેની મમ્મીને કહી. મમ્મી બોલી, ‘હા, દીકરા દરેક યુવતીના લગ્ન થાય ત્યારે તેને આ ચિંતા સતાવે જ છે. કારણ તેણે બીજા ઘરે જઈને રહેવાનું હોય છે અને તે ઘરને પોતાનું માનવાનું નથી હતું.ઘરને અને ઘરનાં લોકોને પોતાનાં બનાવવાનાં હોય છે.’

કૃપા બોલી, ‘મમ્મી, મને એ જ સમજાતું નથી કે જ્યાં લોહીના સંબંધ હોય ત્યાં પણ બધાં પોતાનાં હોવા છતાં ઝઘડા થાય છે તો સાવ નવા જ સંબંધોમાં પોતીકાપણું કેવી રીતે લાવવું?’ મમ્મીએ કહ્યું, ‘દીકરા, મારી પાસે આઠ ચાવી છે. તેનો ઉપયોગ કરતાં કોઇ પણ સંબંધમાં પોતીકાપણું લાવી શકાય છે.’ કૃપાએ પૂછ્યું, ‘મમ્મી, કઈ આઠ ચાવી?” મમ્મીએ કહ્યું, ‘બેટા, ધ્યાનથી સમજજે; પારકાંને પોતાનાં કરવા માટેની પહેલી ચાવી છે- ‘પ્રેમ’.પ્રેમ એક એવી લાગણી છે, જેટલો આપો એટલો વધુ મળે.બીજી ચાવી છે- ‘સાથ-સહકાર’.તમે જો ઈચ્છો છો કે તમને બધાનો સાથ મળે તો સહકાર અને મદદનો પહેલો હાથ તમે લંબાવો.ત્રીજી ચાવી બહુ મહત્ત્વની છે. તે છે-  ‘વિશ્વાસ’ …બીજા પર ભરોસો કરશો તો તેનો ભરોસો જીતી શકશો.હા, આંખ મીંચીને ભરોસો ન કરવો, પણ ખોટી શંકા પણ ન કરવી અને વિશ્વાસઘાત તો ક્યારેય ન કરવો.

ચોથી ચાવી છે- ‘નિષ્ઠા.’ જે કંઈ પણ કામ કરો કે સંબંધ બાંધો તેમાં એકનિષ્ઠ રહો.પાંચમી ચાવી છે- ‘પ્રતિઆભાર’ એકબીજાનો સાથ આપો અને જે કંઈ પણ લાગણી..પ્રેમ આદર મળે તે માટે ધન્યવાદ વ્યક્ત કરતાં રહો.છઠ્ઠી ચાવી છે- ‘સુરક્ષા.’ તમારી સાથે કે તમારા તરફથી કોઈને અસુરક્ષાની લાગણી ન થાય તેનું ધ્યાન રાખો.એકબીજાના સાથમાં એકમેકને એક સુરક્ષિત સંબંધનો ભાવ જાગવો જરૂરી છે.સાતમી ચાવી છે- ‘સહાનુભૂતિ.’ જેને મળો તેના મનની લાગણી અને તેની મન:સ્થિતિ હંમેશા સહાનુભૂતિ દાખવીને સમજો.પારકાંને પોતાના કરવા માટે સહાનુભૂતિ રાખી આપેલો સાથ સંબંધને ગાઢ કરે છે. આઠમી ચાવી છે- ‘સન્માન.’ એકબીજાનું સન્માન જાળવવું ખૂબ જ જરૂરી છે. કોઇ પણ સંબંધ પોતીકો ત્યારે જ બને છે, જયારે તે સંબંધમાં એકબીજા પ્રત્યે આદર હોય અને પરસ્પર સન્માન જળવાતું હોય અને યાદ રાખજે આ આઠ લાગણીઓની ચાવીથી પારકાંને પોતાનાં કરી શકાય છે અને સદા સજાગ રહેજે કે આ લાગણીઓની ચાવી જ્યાં તું વાપરે છે ત્યાંથી તને પણ તે લાગણી મળે છે કે નહીં, કારણ કોઈ પણ સંબંધ પરસ્પર સાચી લાગણી હોય તો જ મજબૂત બને છે.’ મમ્મીએ લાગણીઓની સાચી સમજ આપી.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top