એક રાજા જંગલમાં ગયો હતો. ત્યાં તેને બે ગરુડનાં નાનાં બચ્ચાં મળ્યાં. રાજાને તે એટલાં ગમી ગયાં કે તે તેને પોતાના મહેલમાં લઇ આવ્યો અને બરાબર દેખભાળ હેઠળ મહેલના બગીચામાં તેમનો ઉછેર થવા લાગ્યો. ધીમે ધીમે બચ્ચાં મોટાં થવા લાગ્યાં. રાજમહેલના બગીચાનું સુરક્ષિત વાતાવરણ હતું અને તેઓ જે ઝાડ પર રાખવામાં આવ્યાં હતાં ત્યાં જ રમતાં રહેતાં.
સમય વીત્યો. તેમની પાંખમાં પીંછાં ભરાયાં અને ભરાવદાર પાંખ થઈ ગઈ. રાજા રાહ જોવા લાગ્યા કે આ બચ્ચાં હવે ઊડવા લાગશે અને થોડા દિવસોમાં એક બચ્ચું પોતાની જાતે પ્રયત્નો કરીને ઊડતાં શીખી પણ ગયું. તે આખા બગીચામાં ઊડાઊડ કરતું અને પછી પાછું ઝાડ પર આવીને બેસતું. બીજું બચ્ચું જે ઝાડ પર બેસતું હતું ત્યાં જ ખુશ હતું. તે ઊડવાનો પ્રયત્ન પણ ન કરતું.
રાજાને ચિંતા થઈ કે આ બચ્ચું કેમ ઊડતું નથી. બચ્ચાની વૈદકીય તપાસ પણ કરાવી, બધું જ વ્યવસ્થિત હતું છતાં બચ્ચું ઊડતું ન હતું.રાજાએ તે ઊડે તે માટે ઘણાં તાલીમકારોને બોલાવ્યા, ઘણા જુદા જુદા પ્રયત્નો કર્યા પણ બધા વ્યર્થ ગયા. જે બચ્ચું ઊડતું હતું તે પણ ચાંચ મારીને પેલા બીજા બચ્ચાને ઊડવા માટે પ્રેરણા આપતું. તેની આજુબાજુ ઊડતું પણ તે તો પોતાની ડાળ છોડવાનું નામ લેતું ન હતું.
અંતે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે આ ગરુડના બચ્ચાને ઊડતાં શીખવશે તેને તે બચ્ચાના વજન જેટલી સોનામહોરો આપવામાં આવશે. ઘણાં આગળ આવ્યાં, બચ્ચાને ઉડાડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ બધા નિષ્ફળ ગયા. એક કઠિયારો આવ્યો અને તેણે કહ્યું, ‘‘રાજાજી, આપ બધાને બગીચાથી દૂર લઇ જાવ. મને એકલો છોડી દો. થોડી વારમાં આ બચ્ચું ઊડવા લાગશે.’’ અને બધા બગીચાથી દૂર ગયાં અને થોડી જ પળોમાં બચ્ચું ઊડતું દેખાયું.
રાજા ખુશ થઇ ગયા અને પેલા કઠિયારાને બચ્ચાના વજન જેટલી સોનામહોરો અને અનેક ભેટ સોગાદો આપી. રાજાએ કઠિયારાને પૂછ્યું, ‘‘ભાઈ, તેં એવું શું કર્યું કે બચ્ચું ઊડવા લાગ્યું?’’કઠિયારાએ કહ્યું, ‘‘રાજાજી, મેં બચ્ચું જે ઝાડની ડાળ પર બેસી રહેતું હતું તેને છોડવાનું નામ લેતું ન હતું તે ડાળ એક ઝાટકે કાપી નાખી એટલે તે તરત પાંખ ફેલાવીને ઊડ્યું અને ઊડવા લાગ્યું.’’ આ વાર્તા સમજાવે છે કે આપણે આપણાં સલામત, સુરક્ષિત વાતાવરણ અંગ્રેજીમાં જેને ‘કમ્ફર્ટ ઝોન’ કહે છે તેમાંથી બહાર આવવા તૈયાર જ થતાં નથી જેથી પ્રગતિ કરી શકતાં નથી. જીવનમાં ખુલ્લા આસમાનમાં ઊડવા માટે, સફળતા મેળવવા માટે કમ્ફર્ટ ઝોનના પરપોટાને ફોડીને તેમાંથી બહાર આવવું જરૂરી છે.