વડોદરા: સુરતનો પરિવાર ટ્રેકિંગ કરવા હિમાચલ પ્રદેશમાં ગયો છે.જ્યાં ખરાબ વાતાવરણને કારણે જ્યોત નામના સ્થળે પરિવાર ફસાઈ જતા વડોદરાના યુવાનોએ રાત્રીના સમયે માઇનસ આઠ ડીગ્રી તાપમાનમાં પરિવારને બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.હાલ સુરતનો પરિવાર અમૃતસરમાં સુરક્ષિત હોવાની માહિતી મળવા પામી હતી. સુરતમાં રહેતા નિર્મલભાઈ તેમના 4 વર્ષીય પુત્ર સહિત પરિવાર સાથે યાત્રાએ નીકળ્યા છે.દરમિયાન તેઓ ટ્રેકિંગ કરવા હિમાચલ પ્રદેશમાં પહોંચ્યા હતા.જમીનથી 8600 ફૂટ ઊંચાઈ પર આવેલા ખાજીઆર લેક પાસે તેઓને જવાનું હતું. પરંતુ વાતાવરણ ખરાબ હોવાને કારણે નિર્મલભાઈ અને તેમના પરિવારને જ્યોત નામના સ્થળે રોકાઈ જવાની ફરજ પડી હતી.રાત્રીના સમયે દોઢ ફૂટ બરફમાં ધસી જાય તે પ્રકારે બરફની ચાદર પંથરાઈ હતી.તેમજ આઠ ડીગ્રી સે.તાપમાન થતા તેઓ ફસાઈ ગયા હતા.
આટલી વિકટ પરિસ્થિતિમાં થ્રીલબ્લેઝર્સના સિનિયર ઈન્સ્ટ્રક્ટર અક્ષય ભટ્ટ અને મુખ્ય ડ્રાઈવર સુભાષભાઈએ એક ગાડીની બેટરી કાઢી ટ્રાવેલર શરૂ કરી હતી.જોકે સ્નો ફોલ હોવાથી બરફની અંદર ટાયર ઘુસી ગયા હતા.તેમ છતાં તેઓએ 10 કિમી સુધી ટ્રાવેલર ચલાવીને સુરતના નિર્મલભાઈના પરિવારને બચાવી લીધો હતો.હાલ સુરતનો આ પરિવાર અમૃતસરમાં સુરક્ષિત હોવાની માહિતી મળી હતી.જ્યારે બીજી તરફ શહેરના ધૈવત પંડ્યા સહિતના યુવાનોએ ગયા વર્ષે પોતાનો જીવ જોખમમાં મૂકી સો જેટલા વ્યક્તિઓને બચાવી છે.શહેરના યુવાન ધૈવત પંડ્યાએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કે અન્ય કોઈ જગ્યાએ ગમે તેવી ટ્રેકિંગમાં જવું હોય તો સાથે અનુભવી ગાઈડને સાથે રાખવો જોઈએ.અહીં ટ્રેકિંગ કરવા આવતા લોકોને વિવિધ જગ્યાઓ પર અમે બચાવ્યા છે.હાલ કેટલાક લોકો સરકાર માન્યતા પ્રાપ્ત ન હોય તેવા ગાઈડ સાથે જતા હોવાથી ઘણા કિસ્સામાં જોખમ ઉભું થઈ શકે છે.સુરતનો પરિવાર જો અમે ન હોત તો કાઈ અજુગતું બન્યું હોત તે વાતને પણ નકારી શકાય તેમ નથી.