‘એક નવો સંબંધ બંધાય જયારે લગ્ન થાય …અને એક જણ સાથે નહિ પણ અનેક જણ સાથે કાયમી સંબંધ બંધાય અને હંમેશા આ સંબંધને સુગંધિત રાખવા અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.’મતિ અને મિતેશનાં લગ્ન નક્કી થયાં ત્યાર બાદ મતિની નાનીએ કહ્યું. મિતેશ વ્હાલથી બોલ્યો, ‘નાની, સંબંધોમાં વળી નિયમ કયા આવ્યા..સંબંધ બંધાયા પછી થોડા તૂટવાના છે.’ નાનીએ કહ્યું, ‘વ્હાલા મિતેશ કુમાર, સંબંધ બાંધવા સહેલા છે પણ નિભાવવા બહુ અઘરા છે.સંબંધોને તો રોજે રોજ શણગારીએ અને સાચવીએ તો જ તે સદા મજબૂત રહે.’ મતિ બોલી, ‘નાની, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકમેક પર વિશ્વાસ પણ કરીએ છીએ.સાચા અને સારા સંબંધ માટે પ્રેમ અને વિશ્વાસ જ જરૂરી હોય ને..’
નાની બોલ્યા, ‘હા દીકરા, પ્રેમ ,વિશ્વાસ અને સાથે સાથે એકમેક માટે આદર જરૂરી છે અને તે હશે તો તમારો સંબંધ મજબૂત જ રહેશે…અને કોઇ પણ કારણથી આ સંબંધ તૂટે નહિ અને મ્હેકતો જ રહે તે માટે આ નિયમો જાણવા જરૂરી છે.પહેલો નિયમ છે ‘જો કોઈ વાતની ખબર ન હોય તો મનથી કંઈ પણ ધરી લેવા કરતાં પૂછી લેવું.’– બીજો નિયમ છે ‘જો કોઈ વાતે તમે બંને એકબીજા સાથે સંમત ન થાવ કે ઘરમાં બીજા સાથે સંમત ન થાવ ત્યારે ચર્ચા કરી માર્ગ કાઢવો, ખોટી જીદ કરવી નહિ.’- ત્રીજો નિયમ છે ‘કોઈ વસ્તુ કે વાત ન ગમે તો ધીમેથી ના પાડવી.ખોટો ઝઘડો કરવો નહિ.સમજ્યા મારાં વ્હાલાં પ્રેમીઓ.’ મતિ અને મિતેશ એકબીજાની સામે જોઈ રહ્યા, જાણે આંખો આંખોમાં કહેતા હોય આપણે આ નિયમો હંમેશા યાદ રાખીશું. કયારના શાંતિથી આ વાત સાંભળી રહેલા નાના બોલ્યા, ‘મતિ અને મિતેશકુમાર નાનીની વાતોના નિયમ સાંભળ્યા.
હવે મારી વાત સાંભળો અને યાદ રાખજો…તો તમારો પ્રેમ મ્હેકી ઊઠશે.કોઇ પણ વાત સમજ્યા વિના મનમાં કોઈ ખોટા નિર્ણય પર પહોંચવું નહિ અને કોઈ દિવસ ખામીઓ અને ભૂલો શોધતા નહિ.ખૂબીઓ શોધજો અને ભૂલને ભૂલી જજો.તકલીફ આવે તો એકબીજાને કારણ ન ગણાવતાં તકલીફમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધજો.’નાનાએ પણ થોડાં વાક્યોમાં ઘણું સમજાવી દીધું.નાના અને નાનીની વાતોમાંથી મિતેશ અને મતિને પોતાના નવા સંબંધને શણગારવા અને સદા સુગંધિત રાખવા શું કરવું અને શું ન કરવું તેની સમજ મળી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.