એક મહાન સુફી સંત પાસે એક માણસ આવ્યો અને બોલ્યો, ‘મારે તમારી સાથે રહેવું છે મને તમારો શિષ્ય બનાવો.’ સુફી સંતે કહ્યું, ‘ભાઈ, એમ કઈ તું કહે અને શિષ્ય ન બની શકાય શિષ્ય બનવા લાયક બનવું પડે અને શિષ્ય બનવા માટે લાયક બનવું બહુ અઘરું છે.’ પેલા માણસે કહ્યું, ‘ભલે તમે મને શિષ્ય નહિ તો તમારો ભક્ત બનવા દો.મારો તમારા ભક્ત તરીકે સ્વીકાર કરો અને મને તમારી સાથે રહેવા દો.’ સુફી સંત હસ્યા અને બોલ્યા, ‘ભક્ત બનવું તો શિષ્ય બનવાથી પણ વધારે અઘરું છે અને ભક્ત બનવું હોય તો મારા ભક્ત બની શું ફાયદો …ભક્ત બનો ખુદાના …પણ ખુદાના સાચા ભક્ત બનવા માટે ખુદને ભૂલી જવાની તૈયારી જોઈએ.એ તૈયારી તમારી છે ??’ પેલો માણસ કઈ બોલી ન શક્યો.થોડીવાર ચુપ બેસી રહ્યો અને સુફી સંત પોતાની મસ્તીમાં પોતાનું કામ કરતા રહ્યા.પેલો માણસ ત્યાં જ બેઠો હતો થોડી વાર પછી તે બોલ્યો, ‘હું તો તમારી પાસે આવ્યો છું અને હવે કયાંય જવાનો નથી એટલે તમે કઈપણ કરો.મારા માટે કોઈક રસ્તો વિચારો અને મને તમારી સાથે જ રાખો.’
સુફી સંત હસ્યા અને બોલ્યા, ‘ભાઈ શિષ્ય કે ભક્ત બનવા જેવું અઘરું કાર્ય તો મને લાગે છે તને નહિ ફાવે…તારા માટે કૈંક સરળ શોધવું પડશે.’ પેલો માણસ ખુશ થઈને બોલ્યો, ‘હા હા ..કૈંક સરળ રસ્તો બતાવો હું તે પ્રમાણે કરીશ.’ સુફી સંત બોલ્યા, ‘અહીં એક જ વસ્તુ સૌથી સરળ છે…..’ પેલો માણસ તરત બોલી ઉઠ્યો, ‘શું મને કહો.’ સુફી સંતે કહ્યું, ‘અહીં સરળ છે ‘ગુરુ’ બનવું …એક કામ કરો તમે અહીં બધાના ગુરુ બની જાવ.’ આ વાત સાંભળતા જ માણસમાં જાણે તરત બદલાવ આવી ગયો ચાલ ઢાળ અને બોલવાની રીત બદલાઈ ગઈ તે તો ખુશીનો માર્યો બોલ્યો, ‘અરે વાહ ! શું હું તમને એટલો લાયક લાગુ છું કે સીધો ગુરુ બની શકું ?? અને તમે કહો છો તો હું હોઈશ જ …હું ગુરુ બનવા તૈયાર છું બોલો મારે ગુરુ ક્યારથી બનવાનું છે.’
સુફી સંત હસવા લાગ્યા અને બોલ્યા, ‘આ તારો જીવનનો પહેલો અને છેલ્લો પાઠ છે જે હું તને શીખવાડીશ કે જીવનમાં જેઓ શિષ્ય બનવાની પણ લાયકાત ધરાવતાં નથી તેઓ સીધા જ મોકો મળતાં ગુરુ બનવા તૈયાર થઇ જાય છે કારણ કે એ જ તેમનો મુ૭લ હેતુ હોય છે તેઓ શિષ્ય બનવા આવતા જ નથી તેઓ આવે છે જલ્દીથી બીજાના ગુરુ બનવા માટે ..એટલે જ શિષ્ય બનવા માટે લાયક બનવું બહુ અઘરું છે સમજ્યો અને અહીં તારા માટે કોઈ કાર્ય નથી.’ માણસ ચુપ થઈ ગયો અને પાછો ફરી ગયો
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.