Comments

ઘા સહન કરવા

એક ગામમાં એક વૃદ્ધ લુહાર રહે. નાનકડું ઘર અને ઘરના ઓટલા પર જ તેઓ કામ કરે.આખો દિવસ તેઓ કામમાં મસ્ત રહે અને સતત કામમાં વ્યસ્ત રહેવાને કારણે વૃદ્ધ વયે પણ તેઓ સ્વસ્થ હતા. હાથમાં ઘણી તાકાત હતી.તેઓ ક્યારેય થાકતા નહિ અને હારીને બેસતા નહિ. એક દિવસ એક યુવાન પોતાના ઘોડાને લઈને નાળ બેસાડવા માટે આવ્યો.યુવાને કહ્યું, ‘દાદા, જરા મારા ઘોડાના પગમાં નાળ બેસાડી આપશો, સાંભળ્યું છે આપ એકદમ માહેર છો એટલે આપ પાસે આવ્યો છું.જરા જાળવીને…’ વૃદ્ધ લુહાર હસ્યો અને કહ્યું, ‘ભાઈ, આખી જિંદગી આ લુહારી કામ કરતાં જ વીતી છે.જરા પણ ચિંતા ન કર, જાળવીને જ કરીશ.’ લુહારે તરત જ ઘોડાના પગમાં નાળ બેસાડી આપી.યુવાન જોતો જ રહી ગયો.તેણે કહ્યું, ‘દાદા, તમારો અનુભવ બહુ સારો લાગે છે.એક વાત પૂછું?’ લુહારે કહ્યું, ‘હા, પૂછ.’

યુવાન બોલ્યો, ‘દાદા, આખી જિંદગી તમે લુહારી કામમાં કાઢી તેમાંથી તમને લુહારી કામમાં મહારત તો મળી પણ જીવન વિષે શું શીખવા મળ્યું?’ વૃદ્ધ લુહાર હસ્યો અને સુંદર જવાબ આપ્યો, ‘યુવાન, જો આ મારો હથોડો અને આ મારી એરણ….શું ફરક લાગે છે?’ યુવાને હથોડા અને એરણ તરફ ધ્યાનથી જોયું અને પછી બોલ્યો, ‘આમ તો મને શું ખબર પડે, પણ જોવાથી એટલું દેખાય છે કે એરણ બહુ જૂની છે જયારે તેની તુલનામાં હથોડો નવો લાગે છે.’

વૃદ્ધ લુહાર બોલ્યો, ‘અરે વાહ સાવ સાચી વાત.આ એરણ એ જ છે જેની પર હું મારા પિતાજી પાસેથી પહેલી વાર કામ શીખ્યો હતો અને હથોડા તો ઘણા તૂટ્યા અને નવા આવ્યા. હમણાં છ મહિના પહેલાં જ આ હથોડો નવો લીધો છે.’ યુવાન બોલ્યો, ‘તો શું થઈ ગયું એમાંથી શું જાણવા જેવું છે?’ લુહારે કહ્યું, ‘યુવાન સમજાવું છું, પણ પહેલાં તારે લુહારી કામની રીત સમજવી પડશે. લુહારી કામમાં લોખંડને ગરમ કરી એરણ પર ટેકવીને હથોડાથી ઘા કરી આકાર આપવામાં આવે છે.આ હથોડો ઘા કરે છે અને આ એરણ ઘા ઝીલે છે.મારા કામ દરમ્યાન હથોડા તો ઘણા તૂટ્યા છે પણ આ એરણ એની એ જ છે.આના પરથી શીખવા મળે છે કે ભાઈ જીવનમાં ઘા મારવાવાળા તૂટી જાય છે પણ ઘા સહન કરનારા કોઈ દિવસ તૂટતા નથી.ઘા સહન કરી કરીને તેની ક્ષમતા વધતી જાય છે અને તેઓ અડીખમ ઊભા રહે છે.માટે જીવનમાં હંમેશા ઘા મારનારા નહિ.ઘા સહન કરવાવાળા બનજો.તો જીવનમાં દરેક મુશ્કેલી સામે અડીખમ ઊભા રહી શકશો.’ વૃદ્ધ લુહારે જીવનની સરસ સમજ આપી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top