એક સમયે અખબારોમાં છપાતાં કે ચેનલોમાં બતાવવામાં આવતાં સમાચારોની ભારે વિશ્વસનિયતા હતી. આ વિશ્વસનિયતા આજે પણ મોટાભાગે બરકરાર છે પરંતુ જ્યારથી સોશિયલ મીડિયાએ પગરણ માંડ્યા છે ત્યારથી સમાચારોની વિશ્વસનિયતા ઘટી જવા પામી છે. શરૂઆતમાં વેબસાઈટ-યુટ્યુબ, પછી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને હવે વોટ્સઅપ પર એ હદે ફેક સમાચારો આવી રહ્યા છે કે નાગરિકો દ્વિધામાં મૂકાઈ રહ્યા છે કે સાચું શુ? ફેક ન્યુઝનો લાભ રાજકીય પક્ષોની સાથે સાથે અનેક બોગસ લોકો દ્વારા લેવામાં આવી રહ્યો છે.
હાલના સમયમાં અનેક લેભાગુઓ દ્વારા વેબસાઈટ ખોલવાની સાથે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર ફેક ન્યુઝ ફેલાવીને તેનો ભારે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. યુટ્યુબ પર તો જાણે આવા લેભાગુઓનો રાફડો ફાટ્યો છે. આમાં કેટલાક સાચી રીતે પણ સમાચાર બતાવતા હશે પરંતુ મોટાભાગે ચોર-ચીટરો જ આ સોશિયલ મીડિયાનો ગેરલાભ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવતા ફેક ન્યુઝને કારણે જે સમાચારો સાચા છે તે દબાઈ જતાં હોવાથી હવે સરકાર સફાળી જાગી છે. સોશિયલ મીડિયા પર આવતા સમાચારો ચેક કરવામાં આવે તેવી માંગણી ઘણા સમયથી કરાઈ રહી હતી પરંતુ હવે સરકારે તેની પર નિયંત્રણ મુકવાનો નિર્ણય કર્યો છે અને તે માટે આઈટીના નિયમોમાં સુધારા પણ કરી દીધા છે.
સરકારના આ નવા નિયમોને કારણે હવેથી દરેક વેબસાઈટની સાથે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ એ સુનિશ્ચિત કરવું પડશે કે જે સમાચારોને પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા ફેક ન્યુઝ તરીકે જાહેર કરવામાં આવ્યા હોય તેવા સમાચારોને તેમના જે તે હેન્ડલ પરથી દૂર કરવામાં આવે. આ માટે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. ગુરૂવારે જ આઈટી મંત્રાલય દ્વારા આ અંગે નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે સોશિયલ મીડિયા હેન્ડલરો દ્વારા આમ કરવામાં નહીં આવે તેમની સામે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર દ્વારા 2021માં બનાવવામાં આવેલા ઈન્ફર્મેશન ટેકનોલોજી કાયદામાં એમેન્ડમેન્ટ રૂલ્સ,2023 તરીકે આ નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે. હવે પછી જે સમાચારો સોશિયલ મીડિયામાં આવશે તે તમામ સમાચારો અંગે પીઆઈબી દ્વારા જે તે સરકારી વિભાગો પાસેથી ખરાઈ કરવામાં આવશે અને બાદમાં તે સાચા છે કે ખોટા તે નક્કી કરવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં પીઆઈબીમાં એક ફેક્ટ ચેક વિભાગ પણ તૈયાર કરવામાં આવશે અને બાદમાં દરેક સમાચારોને ચેક કરીને જે તે સોશિયલ મીડિયા હેન્ડલરોને તે સમાચાર સાચા છે કે ખોટા તે અંગે જાણ કરવામાં આવશે.
સરકારે આ નિયમો દ્વારા પોતાનો બચાવ જરૂર કર્યો છે પરંતુ ખરેખર સરકારે એવા નિયમો લાગુ કરવાની જરૂરીયાત છે કે સોશિયલ મીડિયા પર આવતા તમામ સમાચારોની ખરાઈ કરવામાં આવે. સાથે સાથે જે સમાચારો ખોટા હોય તે પ્રસારિત કરનાર સોશિયલ મીડિયા હેન્ડલર સામે કડકમાં કડક પગલાઓ ભરવામાં આવે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ફેક ન્યુઝને કારણે એવી હાલત થઈ જવા પામી છે કે અન્ય મીડિયા મારફત આવતા સાચા સમાચારોનું મહત્વ ઘટવા માંડ્યું છે.
સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ દ્વારા જે તે વ્યક્તિની ઈમેજ બગાડવાનો કે બનાવવાનો પણ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા કોમવાદ ફેલાવવાની પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જ્ઞાતિવાદ પણ ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા એટલું તાકાતવર બની ગયું છે કે જે તે દેશની સરકારો બનાવી પણ શકે છે અને ઉથલાવી પણ શકે છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર એવા નિયંત્રણો આવ્યા નથી. મોટાભાગના સોશિયલ મીડિયાનો કંટ્રોલ વિદેશીઓ પાસે છે. આ સંજોગોમાં જો ભારત દ્વારા તેની પર હવે નિયંત્રણ મુકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભારે અરાજકતાની સાથે ભારતનું સાર્વભૌમત્વ પર જોખમાશે તે નક્કી છે.