મુંબઈ: છેલ્લાં 15 વર્ષથી દર્શકોના મનપસંદ ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) તેની કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટને કારણે લાઈમલાઈટમાં રહે છે. શૈલેષ લોઢા (તારક મહેતા) ગયા પછી અભિનેતા સચિન શ્રોફને નવા તારક મહેતા માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. દરમિયાન છેલ્લા એપિસોડમાં નિર્માતા અસિત મોદીએ એક નવા ચહેરાની એન્ટ્રીનો સંકેત આપ્યો હતો. આ જોઈને દર્શકોએ અસિત મોદીને ચેતવણી આપી છે. તમે વિચારતા જ હશો કે અસિત મોદી દર્શકોની માંગ પર શોમાં નવા તારક મહેતાને લઈને આવ્યા છે, તો પછી તેમને શેના વિશે ચેતવણી આપવામાં આવી રહી છે. ચાલો સસ્પેન્સ તોડીએ અને તમને જણાવીએ કે લોકો શાને માટે અસિત મોદીને ચેતવણી આપી રહ્યાં છે.
- તારક મહેતા કા ઊલટા ચશ્મામાં નવા કલાકારને એન્ટ્રીની અસિત મોદીએ જાહેરાત કરી
- નવા કલાકારની એન્ટ્રીના સમાચારને પગલે દિલીપ જોશી પણ શો છોડી રહ્યાંની ચર્ચા ઉઠી
- સોશિયલ મીડિયા યુઝર્સે અસિત મોદીને આપી ચેતવણી
- કોઈ પણ સંજોગોમાં દિલીપ જોશીને બદલતા નહીં, જેઠાલાલ તરીકે તો દિલીપ જોશી જ જોઈએ
આ પહેલાં નવા તારક મહેતાની વાત કરીએ તો સચિન શ્રોફને તારક મહેતા તરીકે લોકો ખાસ પસંદ કરી રહ્યાં નથી. લોકોનો મિશ્ર પ્રતિસાદ છે. ચાહકો આજે પણ શૈલેષ લોઢાને જ યાદ કરે છે. તેમને શૈલેષ લોઢાના રોલમાં અન્ય કલાકાર મિસફિટ લાગે છે. પહેલા દિશા વાકાણી અને હવે શૈલેષ લોઢા. શોમાંથી બે મોટા કલાકારોના જવાથી યુઝર્સ પરેશાન છે.
તેનો ગુસ્સો મેકર્સ પર ફાટી નીકળ્યો છે. યુઝર્સનું કહેવું છે કે તમામ જૂના ચહેરા શો છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ શોમાં નહીં આવે તો શું થશે? દિલીપ જોશીને બદલવામાં આવશે તે વાતથી ચાહકો ડરી રહ્યા છે. એટલા માટે તેઓ પહેલેથી જ અસિત મોદીને અલ્ટીમેટમ આપી રહ્યા છે કે ગમે તે થાય, જેઠાલાલના રોલમાં દિલીપ જોશી જ રહેવા જોઈએ. એક યુઝરે લખ્યું, જો કોઈ નવો કલાકાર આવે તો તેણે આવવું જોઈએ પરંતુ જેઠાલાલના રોલમાં દિલીપ જોશીને કોઈ અન્ય કલાકારને રિપ્લેસ કરવા જોઈએ નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશીનું કામ અને સમર્પણ શાનદાર છે, તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી.