ખાસ કરીને મોટા શહેરોમાં રસ્તાઓ પર રાહદારીઓને માર્ગ ઓળંગવા માટે ચટાપટા દોરેલા હોય છે જેને ઝિબ્રા ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઝિબ્રા ક્રોસિંગ નજીક વાહન ચાલકોએ વાહન ધીમું પાડવું પડે છે કે ક્યારેક થોભાવવું પણ પડે છે. જો કે મહારાષ્ટ્રના તાડોબા રિઝર્વ જંગલમાંથી પસાર થતા એક રસ્તા પર વાહન ચાલકોએ એક વિચિત્ર ક્રોસિંગને જોઇને વાહનો થોભાવવા પડ્યા હતા, તે ઝિબ્રા ક્રોસિંગ ન હતું, પણ ટાઇગર ક્રોસિંગની ઘટના હતી! તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ પાર્કમાંથી પસાર થતા સાંકડા રસ્તા પરથી કેટલાક દ્વિચક્રી વાહનો પસાર થતા હતા ત્યાં આ રસ્તા પર અચાનક એક મહાકાય વાઘ ટપકી પડ્યો હતો. તે રસ્તો ઓળંગીને બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને જોઇને વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને વાઘને રસ્તો ઓળંગીને પસાર થઇ જવા દીધો હતો. તેમ કર્યા વિના તેમનો છૂટકો પણ ન હતો! વાઘ મામા શાંતિપૂર્વક રસ્તો ઓળંગીને બીજી બાજુએ જતા રહ્યા પછી જ તેમણે પોતાના વાહનો આગળ ચલાવવાની હિંમત કરી હતી. અઢીસો કિલો જેટલું વજન ધરાવતા આ રોયલ બેંગાલ ટાઇગરને જોઇને વાહન ચાલકોના ગાત્રો શિથિલ થઇ ગયા હશે તે સમજી શકાય તેવી બાબત છે. ભાર્ગવ તિવારી નામના ફોટો ગ્રાફરે આ ઘટના પોતાના કેમેરામાં ઝડપી લીધી હતી.
ઝિબ્રા ક્રોસિંગ નહીં, ટાઇગર ક્રોસિંગ….!
By
Posted on