સુરત(Surat): ઈન્ટરનેટના (Internet) યુગમાં કોઈના ઘરમાં ધાડ પાડવાની જરૂર નથી. લૂંટારાઓ હવે લોભામણી લાલચો આપીને ઈન્ટરનેટની મદદથી એક ક્લીક પર લોકોને લૂંટી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. અહીંના વરાછા વિસ્તારના ભેજાબાજ યુવકોએ લોકોને છેતરવા માટે ગજબ કાંડ કર્યો છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
- સસ્તામાં રમકડાં વેચવાની જાહેરાત કરી લોકોને છેતરતાં
- અંદાજે 3500થી વધુ લોકોને છેતરી 13.38 લાખ ઉઘરાવ્યા
- પોલીસે વરાછાના અવનિક વઘાસિયા, નિખિલ સાવલિયા અને લક્ષંત ડાવરાને પકડ્યા
આ કેસની વિગત એવી છે કે વરાછામાં (Varacha) રહેતા યુવકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો (Facebook) ઉપયોગ કરી ફ્લીપકાર્ટની (FlipKart) ડમી વેબસાઈટ (Dummy Website) બનાવી હતી. ફેસબુકના માધ્યમથી તેઓ સસ્તામાં રમકડાં (Toys) વેચવાની લોભામણી આકર્ષક જાહેરાતો આપતા હતા. કોઈ રમકડાં ખરીદવા ઈચ્છા દર્શાવે ત્યાર બાદ તે ગ્રાહકને લૂંટી લેવામાં આવતો હતો.
આ ભેજાબાજ ચીટરો માત્ર 389 રૂપિયામાં રમકડાંની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી (Cheating) કરતા હતા. આ ઠગોએ અલગ અલગ 3500 થી વધુ લોકોને છેતર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઠગ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની-નાની રકમની જ છેતરપિંડી કરતા હતા. પોલીસે બેન્ક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે. આ ઠગોએ અંદાજે લોકો પાસેથી 13 લાખ 83 હજારથી વધુની મત્તા લૂંટી પોતાના એકાઉન્ટમાં જમા કરી હતી.
આ કેસમાં વરાછા પોલીસે અવનિક ભરત વઘાસિયા, નિખિલ હસમુખભાઈ સાવલિયા અને લક્ષંત ઉર્ફે ભુરિયો પંકજભાઈ ડાવરાને ઝડપી પાડ્યા હતાં.
દર બે દિવસ આઈડી બદલી નાંખતા
આ ઠગ યુવકોની મોડસ ઓપરેન્ડી પણ ગજબ હતી. તેઓ મોટો કાંડ નહોતો કરતા. તેઓ લોકો પાસે નાની નાની રકમ જ લૂંટતા હતા. જેથી ફરિયાદ થતી નહીં. વળી, આરોપીઓ ફેસબુક પર દર બે દિવસે આઈડી ડિલીટ કરી દઈ નવી બનાવતા હતા. તેમ છતાં તેઓ પોલીસની રડારમાં આવી ગયા છે. તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવવામાં આવી રહી છે.