Sports

‘નો બોલ ફેંકવો એ ક્રાઈમ છે’, મેચ બાદ અર્શદીપ પર ભડક્યો હાર્દિક પંડ્યા

પૂણે: પૂણે ખાતે રમાયેલી બીજી હાઈ સ્કોરીંગ અતિ રોમાંચક T-20 મેચ ભારત હારી ગયું. અક્ષર પટેલ (Akshar Patel) અને સૂર્યકુમાર યાદવની (SuryaKumar Yadav) શાનદાર ઈનિંગ છતાં ભારત 16 રનથી હારી ગયું હતું. આ મેચનો વિલન અર્શદીપ સિંગ સાબિત થયો હતો. બીજી T20 મેચમાં હર્ષલ પટેલના સ્થાને અર્શદીપ સિંગને (Arshdeep Singh) રમાડવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમનો (Indian Cricket Team) આ દાવ ઉંધો પડ્યો હતો. અર્શદીપ સિંગે 2 ઓવરના પોતાના સ્પેલમાં 5 નો બોલ નાંખી કુલ 37 રન લૂંટાવી દીધા હતા. તે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. પોતાના 2 ઓવરના સ્પેલમાં અર્શદીપ કુલ 5 નો બોલ નાંખી હતી, જેના લીધે કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભડક્યો હતો અને મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમેનીમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરીમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા હાર્દિકે મેચ બાદ અર્શદીપના નો-બોલ પર મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તે પહેલા પણ નો-બોલ બોલ કરતો આવ્યો છે. કોઈપણ મેચમાં નો-બોલ (No Ball) ફેંકવો એ એક મોટો ગુનો (Crime) છે. મેચમાં ભારતીય ટીમે કુલ 12 વધારાના રન આપ્યા હતા, જેમાં અર્શદીપ સિંગના 5 નો-બોલ પણ સામેલ હતા. મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘અર્શદીપ સિંગ પહેલા પણ ઘણી વખત નો-બોલ ફેંકી ચૂક્યો છે. કોઈના પર આરોપ લગાવવાની વાત નથી, પરંતુ નો-બોલ ફેંકવો એ ગુનો છે.

હાર્દિક પંડ્યાએ મેચ વિશે કહ્યું, ‘બોલિંગ અને બેટિંગ દરમિયાન પાવરપ્લે અમને નુકસાન પહોંચાડ્યું. અમે સરળ ભૂલો કરી જે આ સ્તરે ન કરવી જોઈતી હતી. આપણે મૂળભૂત બાબતો શીખવી જોઈએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ. તમારો દિવસ ખરાબ હોઈ શકે છે પરંતુ મૂળભૂત બાબતોથી દૂર ન જવું જોઈએ. આ સ્થિતિમાં તે ખૂબ જ મુશ્કેલ છે.

રાહુલને સૂર્યા પહેલા કેમ મોકલવામાં આવ્યો?
તેણે નવોદિત રાહુલ ત્રિપાઠીને (Rahul Tripathi) સૂર્યકુમાર કરતાં આગળ ત્રીજા નંબરે શા માટે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો તે પ્રશ્નનો જવાબ આપતા પંડ્યાએ કહ્યું કે તે ત્રિપાઠીને એવી ભૂમિકા આપવા માંગે છે જે તેને અનુકૂળ હોય. હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘સૂર્યાએ ચોથા નંબર પર શાનદાર પ્રદર્શન કર્યું. ટીમમાં જે પણ આવે છે, તમે તેને એવી ભૂમિકા આપવા માંગો છો જેમાં તે આરામદાયક હોય અને સારું પ્રદર્શન કરી શકે.

સૂર્યા-અક્ષરની ફિફ્ટી છતાં મેચ જીતી શક્યા નહીં
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 6 વિકેટે 206 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન દાસુન શનાકાએ 22 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કુસલ મેન્ડિસે 31 બોલમાં 52 રન બનાવ્યા હતા. 207 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટે 190 રન જ બનાવી શકી હતી. અક્ષર પટેલે 31 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 6 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 209.68 હતો. સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 141.67 હતો. અક્ષર પટેલની સાથે તેણે છઠ્ઠી વિકેટ માટે 91 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી.

Most Popular

To Top