કામરેજ: સુરતના (Surat) છેવાડે કામરેજના (Kamrej) ટીંબા (Timba) ગામની પાસે સામપુરા રોડ પર આજે શુક્રવારે તા. 23 જૂનની સવારે ખૂબ જ ગમખ્વાર અકસ્માત (Accident) થયો છે. બારડોલીથી (Bardoli) બાઈક પર ટ્રીપલ સીટ આવતા બારડોલીના ત્રણ યુવકોની ડમ્પર (Dumper) સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) થયા હતા.
- ટીંબા ગામની સીમ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ
- બારડોલીથી આવતા પાનોલીના ત્રણ યુવકોના મોત
- બાઈક સાથે ટક્કર બાદ ડમ્પરમાં આગ લાગી
- ફાયર બ્રિગેડે આગ ઓલવી, યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કામરેજ સીએચસીમાં મોકલાયા
ડમ્પર ફરી વળતા ત્રણેય યુવકોની લાશો રોડ પર વિખેરાઈ ગઈ હતી. રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. બીજી તરફ અકસ્માતને પગલે ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી, જેથી ડ્રાઈવર ડમ્પરમાંથી કૂદી ભાગી ગયો હતો. દરમિયાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ ડમ્પરની આગ ઓલવી હતી. આ ઘટનાને પગલે રસ્તા પર ખૂબ જ ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. લોક ટોળું ભેગું થઈ ગયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાનોલીના રહેવાસી ત્રણ યુવકો આજે સવારે બાઈક પર બારડોલીથી આવી રહ્યાં હતાં ત્યારે ટીંબા ગામની સીમમાં સામપુરા રોડ પર ડમ્પર સાથે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતના લીધે ડમ્પર સાઈડ પર જઈ અથડાયું હતું, તેના લીધે ડમ્પરમાં પણ આગ ફાટી નીકળી હતી, જે ફાયર બ્રિગેડે ઓલવી હતી. ત્રણેય યુવકોના મૃતદેહ કામરેજ સીએચસીમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ભટોળે કહ્યું કે, યુવકોના પરિવારજનોને શોધી તેઓ સુધી આ દુ:ખદ સમાચાર પહોંચાડવાની કાર્યવાહી ચાલી રહી છે. પરિવારજનોનો સંપર્ક થયા બાદ યુવકો વિશે વધુ માહિતી મળશે. તેમજ ડમ્પરનો ડ્રાઈવર અકસ્માત બાદ ભાગી છૂટ્યો છે. તેની શોધખોળ ચાલી રહી છે.