નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં બનાવવામાં આવેલો નવો આર.સી.સી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બની જતાં પાલિકાતંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠવા પામ્યાં છે. યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં આવેલ રણછોડરાય સોસાયટીથી ક્રિષ્ણા હોસ્પિટલ સુધીના માર્ગ પર સતત ગટર ઉભરાવવાની સમસ્યાના નિવારણ માટે પાંચેક મહિના અગાઉ પાલિકાતંત્ર દ્વારા મસમોટા ખાડા ખોદવામાં આવ્યાં હતાં. બાદમાં સ્થાનિકોની માંગ ઉગ્ર બનતાં પાલિકાતંત્ર આખરે રોડ બનાવવા તૈયાર થયું હતું.
જે અંતર્ગત 10 ફેબ્રુઆરી 22 ના રોજ ખાતમૂહ્રત કર્યાં બાદ, ગણતરીના દિવસોમાં જ આર.સી.સી રોડ બનાવી દેવામાં આવ્યો હતો. જોકે, રહિશોની આ ખુશી લાંબો સમય ટકી ન હતી. નવો બનાવાયેલો આર.સી.સી રસ્તો માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બની ગયો હતો. આ રોડ પર ઠેર-ઠેર કપચી ઉખડવા લાગી છે. તેમજ ખાડા પણ પડી ગયાં છે. તે જોતાં ચોમાસાની શરૂઆતના બે-ચાર વરસાદમાં જ આ રોડ સંપૂર્ણ ધોવાઈ જશે તેવું લાગી રહ્યું છે. પાલિકાતંત્ર દ્વારા રોડ બનાવવાની આ કામગીરીમાં વેઠ ઉતારી, મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બુમો ઉઠી છે. આ ભ્રષ્ટ કામગીરીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.