Madhya Gujarat

હાલોલ-પાવાગઢ રોડ ઉપર ગોઝારો અકસ્માત : ૩ ના મોત

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારની મારુતિ ઈકો વાનનો વહેલી સવારે પાવાગઢ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા પ્રજાપતિ પરિવારના ૫૫ વર્ષીય મહિલા અને ૫ વર્ષીય બાળક સહિત મારુતિ ઇકો ગાડીના માલિક સહિત ૩ લોકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેમાં પુરઝડે ચાલી રહેલી ઇકો વાન પરથી ચાલકનો કાબૂ ખોવાતા મારુતિ ઇકો વાન બેકાબુ થઈ પાવાગઢ જતા યાત્રિકો માટે બનાવેલા ફૂટપાટ સાથે ઇકો વાન ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ૩ ના મોત સહિત માતા અને અઢી વર્ષીય પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેને પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર બનાવવાની મળતી વિગતો પ્રમાણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પંચાયત ક્વાર્ટર્સની સામે રહેતા અને મૂળ દાઉદપુર, તાલુકો જીલ્લો જાલોન, ઉત્તર પ્રદેશના રહેવાસી કમલકિશોર સિયાસરણ પ્રજાપતિ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે પોતાનો પરિવારજનો જેમાં તેઓના પત્ની હેમલતાબેન કમલકિશોર પ્રજાપતિ ૫ વર્ષીય પુત્ર તેજશ્વર કમલકિશોર પ્રજાપતિ અને અઢી વર્ષીય પુત્ર અંશ કમલકિશોર પ્રજાપતિ તેમજ પોતાની સાસુ કૈલાશીબેન જગદીશભાઈ પ્રજાપતિ સાથે ઝઘડિયા તાલુકાના ભોજપુરા ગામે રહેતા જગદીશભાઈ ચંદ્રસિંહ વસાવાની મારુતિ ઈકો વાન લઈને જગદીશભાઈ વસાવાને પણ સાથે લઈને આવ્યા હતા .

જેમાં રવિવારે વહેલી સવારે ઇકો વાન કમલકિશોર પ્રજાપતિ ચલાવતા હતા તે દરમ્યાન હાલોલ ટોલ નાકા આવ્યા બાદ જ્યોતિ સર્કલથી હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર રહીને પુરઝડપે ઇકો વાન ચલાવી રહેલા કમલકિશોર ભાઈ પાવાગઢ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન મુખ્ય રોડ પર હાલોલના પૂર્વ નગર પાલિકા પ્રમુખ સુભાષભાઇ પરમારના ડેલા નજીક કોઈ કારણોસર એકાએક પુરઝડપે ચાલતી ઇકો વાનના સ્ટેયરિંગ પરથી કમલકિશોરભાઈ નો કાબુ ખોવાતા ઇકો વાન બેકાબુ થઈ યાત્રાધામ પાવાગઢ ખાતે પગપાળા જતા યાત્રિકો માટે બનાવેલા રેલિંગવાળા ફૂટપાથની નીચેના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ ઇકો વાનનુ આગળની સાઈડનું ટાયર ફાટી જઈ નીકળી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

જેમાં અકસ્માતને પગલે ઇકો વાનમાં સવાર કમલકિશોર પ્રજાપતિના સાસુ કૈલાશીબેન જગદીશભાઈ પ્રજાપતિ ઉ.વર્ષ.૫૫ અને તેઓના પુત્ર તેજશ્વર કમલકિશોર પ્રજાપતિ ઉં. વર્ષ ૦૫ અને મારુતિ ઇકો વાનના માલિક જગદીશભાઈ ચંદ્રસિંગ વસાવા ઉ.વર્ષ ૩૫ નું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયુ હતું જ્યારે કમલકિશોરના પત્ની હેમલતાબેન અને અઢી વર્ષીય પુત્ર અંશ પ્રજાપતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં રવિવારે વહેલી સવારે પાવાગઢ બાયપાસ રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળાઓ ઉમટ્યા હતા જ્યારે હાલોલ ટાઉન પોલીસને પણ અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ૩ મૃતકો સહીત ૨ ઇજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત હેમલતાબેન અને અંશને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાવતા વડોદરાની SSGમાં રિફર કરાયા હતા.

Most Popular

To Top