સુરત: સુરતના (Surat) સરસાણા (Sarsana) ગામમાં ચોરીની એક ઘટના સામે આવી છે. અહીં ગામની એક શેરીમાં ત્રણ બાઈક એક સાથે ચોરાઈ ગઈ છે. રાતે 2.56 કલાકે ત્રણ ચોર આવ્યા અને ત્રણ બાઈક ચોરી(Bike Theft) લઈ બિન્ધાસ્ત જતા રહ્યાં હતાં. સોમવારે મધરાતે બનેલી આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ગ્રામવાસીઓની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈકાલે સોમવારે મધરાત્રે 2.56 કલાકના સમયે સરસાણા ગામમાં ત્રણ ચોર આવ્યા હતા અને ત્રણ બાઈક ચોરી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ત્રણ યુવાનો ગામની શેરીમાં ચાલતા આવી રહ્યાં છે, ત્યાર બાદ એક યુવક બાઈકનું લોક તોડી તે ચાલુ કર્યા વિના ચાલતો જ લઈ જઈ રહ્યો છે, જ્યારે તેની સાથે આવેલો અન્ય યુવક સામેની તરફ પાર્ક કરેલી બાઈક તે જ પ્રમાણે લઈ જાય છે. આ રીતે ત્રણ યુવકો ત્રણ બાઈક લઈ જતા જોવા મળે છે. કોઈ પણ ડર રાખ્યા વિના ત્રણેય ચોર બિન્ધાસ્ત ત્રણ બાઈક ચોરી ગયાનો સીસીટીવી ફૂટેજ જોઈ ગ્રામવાસીઓ અને પોલીસ ચોંકી ગઈ હતી. અડધી રાત્રે આ ત્રણેય ચોર ચૂપકીદીથી બાઈક ચોરી ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
રૂદરપુરા વ્હોરાવાડના મકાનમાંથી 1.59 લાખના દાગીનાની ચોરી
સુરત : રૂદરપુરા ખાતે મુફદ્દલ મેન્શન વ્હોરવાડમાં રહેતા 31 વર્ષીય અબ્બાસ ઝોહરઅલી સીંગવરવાલા ભટાર ખાતે આવેલી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અબ્બાસે અઠવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ગત 9 તારીખે મધરાતે અજાણ્યો ચોર ઘરની બારી તોડી ઘરમા અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલી એક સોનાની ચેઈન, સોનાની વીંટી, સોનાની બંગડી અને બીજા દાગીના તથા રોકડ 20 હજાર રૂપિયા મળી કુલ 1.59 લાખની ચોરી કરી નાસી ગયો હતો. અઠવા પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.