સુરત: વ્યારાના (Vyara) છીડિયા ગામમાં આવેલા ખેતરમાંથી (Farm) કેરી (Mango) તોડવા બાબતે એક પરિવારના ચાર સભ્યોએ વૃક્ષની દેખભાળ કરનાર ભાઈઓને લાકડીના સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
વ્યારાના છીડિયા ગામમાં શંકર ઓકરા ગામીત (ઉં.વ.૬૦) અને સિદ્ધાર્થ જયંતીભાઈનું ખેતર આજુબાજુમાં આવેલું છે. સિદ્ધાર્થના ખેતરની સાચવણી પણ શંકરભાઈ કરતા હતા. સિદ્ધાર્થભાઈના ખેતરમાં કેસર કેરીનાં વૃક્ષો આવેલાં છે. જેના પરથી સોમવારે હરીશ દિવાનજી ગામીત અને તેમના પરિવારના લોકો કેરી પાડી ગયા હતા.
દરમિયાન શંકરભાઈ ઢોર ચરાવતા હતા ત્યારે સ્નેહલભાઈ પીયૂષભાઈ ગામીત સિદ્ધાર્થભાઇના ખેતરે હતા. ત્યારે તેમને પૂછ્યું હતું કે, તમે કેરી કેમ પાડી ગયા હતા? આથી સ્નેહલભાઇ ઉશ્કેરાઇને ઝઘડો કરવા લાગ્યા હતા. એ સાથે દીવાનજી ગામીત સાથે અન્યો દોડી આવ્યા હતા. સ્નેહલે લાકડી વડે શંકરભાઇને સપાટો મારી દીધો હતો. જ્યારે દીવાનજીએ ઢીકામુક્કીનો માર માર્યો હતો. વાત વણસતાં શંકરભાઇના નાના ભાઈ ધનજી દોડી આવતાં સ્નેહલે ધનજીને માથામાં લાકડીનો સપાટો મારી દેતાં ધનજી લોહીલુહાણ થઈ ગયો હતો. બાદ લોકો ભેગા થઈ જતાં તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આથી શંકરભાઇએ હરીશ ગામીત, દીવાનજી ગામીત, સ્નેહલ ગામીત અને કાંતાબેન ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢના કપડબંધમાં પિતાના મોતની અદાવતમાં પુત્રએ સાથે લઈ જનારને ચપ્પુના ઘા ઝીંક્યા
સુરત: સોનગઢના કપડવંજ ગામે પિતાના મોતની અદાવતમાં પુત્રે લગ્નપ્રસંગે સામેસામે આવી ચપ્પુના ઘા ઝીંકતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ ચાર માસ અગાઉ રાયસિંહ બાબલા ગામીત (રહે., મોટા તારપાડા, સોનગઢ) શેરડી ભરવા માટે ગામ નજીક કપડબંધ ગામના રમણ મગન ગામીતને સાથે લઈ ગયા હતા. પરંતુ પાછા ફરતી વેળા પિકઅપ વાન પલટી જતાં રમણભાઈનું દબાઈ જતાં મોત નીપજ્યું હતું. જે અંગે શરતને આધીન સમાધાન પણ થયું હતું. પરંતુ યોગ્ય સમાધાન ન થતાં અને પિતાનું મોત થતાં પુત્ર પ્રિતમ રમણ ગામીત ગત તા.16.5.23ના રોજ કપડબંધ ગામે દાદરી ફળિયામાં કુટુંબીજનના લગ્ન પ્રસંગે પહોંચ્યો હતો. જ્યાં ઉશ્કેરાઇ રાત્રિના સમયે રાયસિંહને ચાકુના ઘા ઝીંકી દીધા હતા. જે અંગેની ફરિયાદ રાયસિંહે સોનગઢ પોલીસમથકે નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.