સુરત: (Surat) સુરત જિલ્લામાં (District) કોરોના વેક્સિનેશનને (Vaccination) અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામા ગયા સપ્તાહથી શરુ થયેલા વેક્સિનેશન અભિયાનમાં રોજબરોજ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધી રહયો છે. શનિવારે સુરત ગ્રામ્ય વિસ્તારના વેક્સિનેશનના રાઉન્ડમાં 558 આરોગ્ય કર્મચારીઓને તેડાવાયા હતા જેની સામે 592 લોકો આવ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી આંકડાકીય વિગતો જોતા પલસાણામાં 100 ને બદલે 104, માંગરોલમાં 25ની સામે 30, બારડોલીમાં 90, બારડોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 59 તેમજ મહુવામાં 13, કામરેજમાં 100 બદલે 129 માંડવીમાં 100 સામે માત્ર 56 અને ચોયાર્સી તાલુકામાં લાજપોરમાં 30 સામે 39 તથા ચોર્યાસી તાલુકામાં કનકપુર કનસાડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 30 સામે 49 અને ઓલપાડમાં મોરમાં 10 બદલે 23 લોકોએ ઉમળકાભેર વેક્સિન મુકાવી હતી.
સુરતમાં 28 વેક્સિનેશન સેન્ટરો પરથી 2855 લોકોનું વેક્સિનેશન
સુરત મહાનગર પાલિકા દ્વારા શનિવારથી 28 સેન્ટર પરથી વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. દરેક સેન્ટર પરથી 100 લોકોને વેક્સિન મુકાતી હોવાથી હવે એક દિવસમાં 2800 થી વધુ લોકોને વેક્સિન મુકાશે. સ્મીમેર તેમજ સિવિલ હોસ્પિટલમાં એક એક સેન્ટર વધારાયાં છે. તેમજ લિંબાયત ઝોન સિવાય તમામ ઝોનમાં પણ સેન્ટર વધારવામાં આવ્યા છે. શનિવારે શહેરમાં 28 સેન્ટરો પરથી કુલ 2855 લોકોને વેક્સીન મુકવામાં આવી હતી. સુરત મનપા દ્વારા હાલમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વેક્સિનેશન કરવામાં આવે છે. તેમજ હાલમાં 38 હજાર જેટલા હેલ્થ વર્કરોનું રસીકરણ ચાલુ કરાયું છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા ત્રણ દિવસમાં 3900 થી વધુ લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે.
શહેરમાં 75, જિલ્લામાં કોરોનાના 17 કેસ
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે શહેરમાં નવા 75 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 39,040 પર પહોચ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં કોરોનાને પગલે મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ઘટી છે. કુલ મૃત્યુઆંક 849 પર પહોંચ્યો છે. શનિવારે વધુ 85 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 37,809 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 96.85 ટકા પર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં કોરોનાના નવા વધુ 17 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં ઓલપાડ તાલુકામાં 2, કામરેજમાં 2, પલસાણામાં 8, બારડોલીમાં 1 તેમજ માંગરોલમાં 4 કેસ પોઝીટીવ નોંધાયા છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 11
- વરાછા-એ 08
- વરાછા-બી 08
- રાંદેર 15
- કતારગામ 10
- લિંબાયત 02
- ઉધના 04
- અઠવા 17