SURAT

સુરત મીરા જેમ્સના હજાર રત્નકલાકારોનો પગારવધારા બાબતે વિરોધ,ક્લેક્ટરને આવેદન

surat : ભાવનગરમાં ગઇકાલે રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે આંદોલન કરતાં હવે સુરતમાં પણ રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે ચળવણ શરૂ કરી છે. વરાછા હીરાબાગ હરિનંદન સોસાયટીમાં આવેલી મીરા જેમ્સની બહાર 1000 જેટલા રત્નકલાકારોએ પગારવધારા મામલે દેખાવો યોજી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ( daimond worker union) આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મીરા જેમ્સમાં છેલ્લાં સાત વર્ષથી કામ કરતા હજાર જેટલા રત્નકલાકારોએ પોતાના પગાર વધારાની માંગણી કરી હતી અને ઉત્પાદન કાર્ય બંધ કરી દીધું હતું. રત્નકલાકારોની માંગણી એવી છે કે, લોકડાઉન ( lockdown) પછી જે પગાર કાપ મૂકવામાં આવ્યો હતો અને મજૂરીનો દર ઘટાડવામાં આવ્યો હતો. તે યથાવત કરવામાં આવે. ખાસ કરીને સુરતથી તૈયાર હીરા અને ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ કોરોનાકાળમાં ( corona) પણ વધતાં રત્નકલાકારો ખૂબ કમાણી કરી રહેલા કારખાના માલિકો પાસે પગારવધારાની માંગણી કરી રહ્યા છે.હીરાઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડની માંગ ઊભી થતાં ફેક્ટરી સંચાલકોને ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે. ડાયમંડ ફેક્ટરી શરૂ થતાની સાથે રત્નકલાકારો કામ પર જોડાઈ ગયા છે. પરંતુ તેમના વળતરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોરોના સંક્રમણ કાળ દરમિયાન જેટલા સમય માટે ડાયમંડની ફેક્ટરીઓ બંધ હતી તેનો પગાર પણ તેમને ચૂકવવામાં આવ્યો નથી.

મીરા જેમ્સમાં કામ કરતા એક રત્નકલાકાર અરવિંદ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું કે, અમે ઘણાં વર્ષોથી મીરા જેમ્સમાં કામ કરીએ છીએ. અમારી માંગણી છે કે, વેતનમાં વધારો કરવામાં આવે. ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારખાનેદારોની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. આ મામલે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરતના અખબારોમાં તૈયાર હીરા અને ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટના આંકડા કોરોનાકાળ દરમિયાન પણ વધતાં હીરા ઉદ્યોગકારોને તોતિંગ નફો થયો છે. અત્યાર સુધી મોટા ભાગે એક્સપોર્ટ મુંબઇથી થતો હતો. એટલે આંકડા બહાર આવતા ન હતા. સુરતમાં હવે સ્પેશિફિક આંકડા આવી રહ્યા છે. તેથી રત્નકલાકારો કોરોના દરમિયાન કાપવામાં આવેલો પગાર ફરી માંગી રહ્યા છે. ભાવનગર પછી હવે સુરતમાં રત્નકલાકારો કારખાનેદારો પાસે મજૂરી દરમાં વધારો અને પગારમાં વધારાની માંગણી કરી રહ્યા છે.

Most Popular

To Top