વડોદરા: વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ અરવિંદ બાગ અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બની ગયો છે. આ બાગની યોગ્ય માવજતના અભાવે બાગમાં સવારે યોગા કરવા આવતા રહીશોને પણ હાલાકી વેઠવી પડે છે. જે વાતાવરણ યોગા માટે મળવું જોઈએ તેના અભાવે યોગા સાધકો કચવાટ સાથે યોગા કરી રહ્યા છે. વડોદરાના મહારાજા ગાયકવાડના અંગત સચિવ તરીકે રહેનાર અને યોગા અંગે અનેક મૌલિક લેખો લખનાર મહર્ષિ અરવિંદના નામથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં અરવિંદ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેની યોગ્ય માવજત કરવામાં .આવતી નથી અને તેના કારણે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. બાગની બહાર ફૂટપાથ ઉપર રહેતા લોકો બાગમાં પ્રવેશી બાગને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે.
જો કે આ અંગે મનપાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી તેમાં કોઈ કાર્યવાહી થઇ શકી નથી. આ બાગમાં રોજ સવારે અનેક લોકો યોગા કરવા માટે આવે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સંદેશને અનુસરી રહ્યા છે. પરંતુ સુવિધાઓના અભાવે યોગાભ્યાસ કરવા આવતા લોકોને જોઈએ તેવું વાતાવરણ મળી રહ્યું નથી અને તેના કારણે કચવાટ સાથે લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે. ગાર્ડનમાં ન તો પાણીની સુવિધા છે ન યોગ્ય સાફ સફાઈ, પાર્કમાં શૌચાલયની પણ સુવિધા નથી ત્યારે સ્થાનિકો અનેકવાર ઈ – ટોઇલેટની પણ માંગ કરી ચુક્યા છે. ઉપરાંત ગાર્ડનના દરવાજાને લોક ન હોવાથી રાત્રીના સમયે અસામાજિક તત્વો અંદર પ્રવેશી અડિંગો જમાવે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.