SURAT

સુરત પોલીસે ખરીદી 31 નવી સ્પીડ ગન, હવે આનાથી વધારે સ્પીડમાં વાહન ચલાવશો તો દંડાશો

સુરત: માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે થતાં મોત ઘટાડવા માટે રાજ્યમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ અનિવાર્ય કર્યા બાદ હવે ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવવા હવે સુરત પોલીસે કમર કસી છે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન દ્વારા હવે પોલીસ આખા સુરતમાં ઓવરસ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે. આ અંગે આજે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  • સુરતમાં 31 નવી સ્પીડ ગન આવી, નવી ગન આધુનિક અને અપડેટેડ છે
  • આ સ્પીડ ગન વન નેશન વન ચલણ હેઠળ કામ કરશે
  • ઓવરસ્પીડના કિસ્સામાં માલિકના એડ્રેસ પર ચલણ પહોંચશે

મોટર વ્હીકલ એક્ટ અનુસાર શહેરના માર્ગો પર દોડતા જુદા જુદા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. છતાં વાહન ચાલકો દ્વારા બેફામ અને ઓવર સ્પીડ વાહનો હંકારવામાં આવે છે જેને કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાતા હોય છે. જોકે આવા ઓવર સ્પીડ વાહનો પર લગામ લગાવવા માટે હવે પોલીસ તંત્રને વાહનોની ગતિ માપતી સ્પીડ ગન ફાળવવામાં આવી છે.

આ અંગે સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન હતી પણ હવે આ આધુનિક અને અપડેટ સ્પીડ ગન છે. જે રસ્તા પર દોડતા વાહનની ગતિ માપી ઓવર સ્પીડ વાહનોના માલિકોને ઈ ચલણ જનરેટ કરીને તેમના મોબાઇલ પર મોકલી આપશે. આ સ્પીડ ગન વન નેશન વન ચલણ હેઠળ કામ કરશે.

એટલે કે કોઈ પણ રાજ્યનું વાહન હોય ઓવર સ્પીડના કિસ્સામાં તે વાહન માલિકના એડ્રેસ પર ચલણ પહોંચી જશે અને મોબાઇલ પર પણ તેનો મેસેજ મળી જશે. આ સ્પીડ થકી ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવી શકાશે એવી આશા પોલીસ વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ફોર વ્હીલ માટે 50ની અપર સ્પીડ લિમિટ
નવા નિયમો અનુસાર હવે સુરત શહેર વિસ્તારમાં ફોર વ્હીલર ચાલકો માટે 50 કિ.મી. પ્રતિ કલાકની અપર સ્પીડ લિમિટ નક્કી થઈ છે. એટલે કે 50થી વધુ સ્પીડમાં ચલાવનાર દંડાશે. ટુવ્હીલર માટે 40 કિ.મી. પ્રતિ કલાક અને ટેમ્પો-રિક્ષા સહિતના કમર્શિયલ થ્રી વ્હીલર માટે 30ની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.

Most Popular

To Top