Feature Stories

આ વર્ષે સુરતીઓ મન મુજબ કેરી ગાળો નહીં કરી શક્યા

કેરીનું નામ પડે એટલે સુરતીઓના ચહેરા ઉપર લાલી આવી જાય છે. હજી તો કેરી કાચી જ હોય ત્યારે એનો છુંદો અને કેરી કાંદાની કચુમ્બર સુરતીઓ ખાતા થઇ જાય છે. માર્ચ મહિનામાંથી અથાણા માટેની ચિરિયા પણ પડી જાય છે. ઘરે જાણે કેરી નહીં હોય તો એક સભ્યની ગેરહાજરી હોય તેવું લાગે છે. તેમાં પણ એપ્રિલના અંતમાં તો ઘરમાં કેરીના કરંડિયા આવી જાય છે અને ગૃહિણીઓ તો રોજે રોજ કેરી ફેરવી ફેરવીને તે પાકે તેની રાહ જોઇ છે અને જેવી સુગંધ શરૂ થાય એટલે સવાર સાંજ કેરીનો રસ અને કાપેલી કેરી થાળીમાં અવશ્ય જોવા મળે છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓના ચહેરા ઉપર જાણે ઉદાસી છવાઇ ગઇ છે. તૌકતે વાવાઝોડામાં કેરીના સંખ્યાબંધ વૃક્ષો ઉખડી ગયા છે અને બીજી તરફ વારંવાર માવઠું થતા કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે આ વર્ષે કેરી ખૂબ જ મોંઘી છે અને જે કેરી આવે છે તેમાં પણ ઘણી બગડેલી નીકળે છે. એટલે આ વર્ષે સુરતીઓ રસ, પૂરીને પાતરા સાથેના કેરીગાળાનો પૂરતો આનંદ માણી શક્યા નથી

મૂળ સુરતીઓ કેરી ગાળો કરે જ પણ આ વર્ષે નિરાશ: વિજય માવાવાળા
પાલ વિસ્તારમાં રહેતા લેન્ડ બ્રોકર વિજય માવાવાળાના જણાવ્યા અનુસાર સુરતીઓમાં મોઢવણિક અને ખત્રી સમાજના લોકો તો કેરી મોંઘી હોય કે સસ્તી કેરી ગાળો તો કરે કરે ને કરે જ, જેમાં જમાઇ અને દિકરીને ખાસ ઘરે આમંત્રિત કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હજી તો સોમવારે જ તેઓ તેમના સાસરે કેરી ગાળો કરવા ગયા હતા અને તેમની દીકરી જમાઇ મંગળવારે કેરી ગાળો કરવા માટે આવ્યા હતા. કેરી ગાળાનો આનંદ જ અલગ હોય છે કારણ કે, ઘરના પરિવારના બધા સભ્યો ભેગા થાય છે. સાથે જ ઇદડા અને પાતરાની મજા પણ લેવા મળે છે. દર વર્ષે તો મે મહિનાથી જ સુરતીઓમાં કેરી ગાળા શરૂ થઇ જાય છે. જૂનના પહેલા સપ્તાહ સુધીમાં તો બે થી ત્રણ કેરી ગાળા જઇ જતા હોય છે. પરંતુ આ વખતે કેરી મોડી આવવાના કારણે જૂનથી કેરીગાળા શરૂ થયા છે.

હજી તો કેરી હવે ખાવાની શરૂ કરી : દેવાંગ પટેલ
અડાજણમાં ભૂલકા ભવન પાસે આવેલી સુરભી સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા દેવાંગ પટેલ કહે છે કે, તેઓ અને તેમના પત્ની બંને કેરી ખાવાના ખૂબ શોખીન છે. દર વર્ષે ચોક્સી વાડી, સગરામપુરા કે પછી કોટસફિલ રોડ જ્યાં કેરીના મોટા ડેપો લાગતા હોય છે ત્યાં મે મહિનો શરૂ થતાની સાથે જ તપાસ શરૂ કરી દઇએ છે અને કેરીનો પહેલો ફાલ માર્કેટમાં આવે ત્યારથી જ તે ખાવાનું ચાલુ કરી દઇએ છે. જો કે આ વર્ષે કેરી મોડી આવી છે. મેના અંતમાં લાવ્યા છે એટલે તે હજી પાકી રહી છે એટલે હવે ખાવાની શરૂઆત કરીશું. બીજુ કે આ વખતે કેરીની આવક ઓછી છે અને ગુણવત્તા પણ યોગ્ય નથી. દર વર્ષે આખું વર્ષ રસ ચાલે તેટલો ફ્રિઝ કરીએ છીએ પરંતુ આ વર્ષે તેવું નહીં કરી શકીએ. હા પણ બે ત્રણ મહિના ચાલે તેટલો રસ તો ફ્રિઝ કરીશું જ.

આ વખતે આખા વર્ષ માટે કેરીનો રસ ફ્રિઝ નહીં કરૂં : ચેતન મોદી
ચલથાણ નજીક CNG પંપ ધરાવતાં ચેતન ચંપકભાઇ મોદી પણ કેરીના ખૂબ જ રસિયા છે. તેઓ કહે છે કે, કેરી માટે આખું વર્ષ રાહ જોઇએ છીએ પરંતુ આ વખતે મજા બગડી ગઇ છે. એક તો કેરી ઓછી આવી અને તે પણ મોડી આવી એટલું જ નહીં પરંતુ મોંઘી પણ ખૂબ જ છે. ‘હું દર વર્ષે કેરીનો રસ આખું વર્ષ ચાલે તેટલો ફ્રિઝ કરી દઉં છું અને છેલ્લા 20 વર્ષથી અમે આખું વર્ષ કેરીના રસની મજા માણીએ છીએ. પરંતુ આ વખતે તે શક્ય બન્યું નથી કારણ કે, કેરીના ભાવ બમણા છે એટલે આટલી મોંઘી કેરીનો રસ સ્ટોક કરી શકાય નહીં. હવે આવતા વર્ષની રાહ જોવી પડશે. વરસાદ શરૂ થઇ જાય પછી અમે કેરી આરોગતા નથી એટલે હવે મોડે મોડે આવેલી કેરીનો આનંદ માણી લઇએ છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં 10 ટકા કેરી પણ ખાધી નથી.

Most Popular

To Top