Comments

આ વરસે તેલની કિંમત ગાડીવાળા અને વગરના બન્નેને રડાવશે

રિલાયન્સ પેટ્રોલિયમને બીજી વખતે પોતાના પેટ્રોલ પમ્પો બંધ કરી દેવાની ફરજ પડી છે. કંપનીનું કહેવું છે કે તેને એક લિટર પર રૂપિયા દસથી બારની ખોટ જાય છે. રિલાયન્સે હવે અમેઝોનની માફક ઓનલાઇન રિટેઇલમાં ઝંપલાવ્યું છે. એજિયો નામથી રિટેઇલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. કંપનીની પોતાની રિફાઇનરી હોવા છતાં તેને પેટ્રોલ વેચવું પોસાતું નથી અને તેથી બીજાં આધુનિક ક્ષેત્રોમાં વિસ્તાર કરી રહી છે. જેમ કે જિયો બ્રોડબેન્ડ અને જિયો મોબાઇલ. વાસ્તવમાં દુબઇના શેખોથી માંડીને અનેક ઉત્પાદકો પેટ્રોલિયમ પ્રોડકશનનું સારું ભવિષ્ય જોતા નથી. યુએઇ અને સાઉદી અરેબિયા પણ આવકના વૈકલ્પિક સ્રોતો અને ઉદ્યોગો વિકસાવી રહ્યા છે.

દુબઇનો દુનિયાનો એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાઇ રહ્યો છે. જો હાલના વરસની અનિશ્ચિત સ્થિતિ અને પેટ્રોલિયમ પેદાશોની કિંમત ઊંચે જવાથી તમામ તેલ ઉત્પાદક દેશોને સારી કમાણી થશે. બીજી તરફ રશિયા દુનિયાનો ત્રીજા ક્રમનો તેલ ઉત્પાદક દેશ છે. યુક્રેન યુદ્ધના પગલે તેના તેલ અને ગેસનો અને તેની સાથે વેપારધંધાનો યુરોપ અમેરિકાએ અંશત: બહિષ્કાર કર્યો છે. ફલત: રશિયા પાસે મોટી માત્રામાં વેચાયા વગરનું તેલ પડયું રહેશે અને બીજી તરફ જગતને તેલની તંગી વરતાશે. કિંમતો વધશે.

જો કે ભારત અને ચીનને રશિયા રૂપિયા અને યુઆનમાં (રિનમિનલી) કિંમત સ્વીકારીને તેલ પૂરું પાડશે. રશિયા આ માટે ખૂબ તત્પરતા દાખવી રહ્યું છે. સર્ગેઇ લાવારોફ ભારત આવી ગયા. ચીનના વિદેશમંત્રી પણ આવ્યા અને અમેરિકાના ટોચના નેતાઓએ વડા પ્રધાન મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર જોડે ખાસ ઇન્ટરનેટ મંત્રણાઓ કરી. ભારતે થોડી થોડી ઇચ્છા જાહેર કરી હતી કે રશિયાનું તેલ ખરીદવામાં આવશે. ચીન હજી છાનુંમીંઢું છે. રશિયા સાથેનો ચીનનો વેપાર અમેરિકા સાથેના સવા ટ્રિલિયન ડોલરના વેપારની તુલનામાં ખૂબ મામૂલી છે.

ભારત અને ચીન બન્ને યુરોપીઅન સમુદાય અને યુરોપની વિરુધ્ધ જઇ રશિયન તેલ ખરીદે તો આ બન્ને પર આર્થિક પ્રતિબંધો આવી પડે. ચીનને હાલમાં ઘઉંની પણ ખાસ જરૂર છે. આથી હાકલા પડકારા વચ્ચે પણ બન્ને દેશોની નેતાગીરી બેસીને પછી જ સૂવાનું પસંદ કરશે. સમસ્યા એ રહેશે કે અનિશ્ચિતતાભર્યા વાતાવરણમાં તેલના ભાવ હમણાં ઊંચા રહેશે અને ઊંચા મથાળે વધતાં ઘટતાં રહેશે. મોટરકારોના વેચાણ અને મોંઘવારી પર તેની સીધી અસર પડશે. જો યુદ્ધ નહીં અટકે તો આ ૨૦૨૨ નું આખું વરસ, સંપૂર્ણ જગત માટે મુશ્કેલીમાં વીતશે.

અમેરિકાએ જાહેરાત કરી છે કે એ રશિયાથી તમામ પ્રકારના ગેસ અને તેલની આયાત બંધ કરશે. પરંતુ અમસ્થાયે અમેરિકા રશિયામાંથી નોંધપાત્ર માત્રામાં આયાત કરતું ન હતું. યુરોપ કરે છે અને રશિયામાંથી મળતા તેલ અને ગેસ નજીક પડે છે. પાઇપલાઇન પણ છે. આથી યુ.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વરસના અંત સુધીમાં એ રશિયાથી થતી આયાત બંધ કરી દેશે. યુરોપીઅન સમુદાય પણ આયાત બાબતે એકમત નથી. યુરોપીય સંઘે જાહેર કર્યું છે કે ૨૦૩૦ સુધીમાં રશિયામાંથી બિલકુલ તેલ અને ગેસ આયાત ન કરવા પડે તેવાં પગલાં અને કાર્યક્રમો તેઓ અપનાવે. વૈકલ્પિક સ્રોતોનો વિકાસ કરશે. પર્યાવરણની જાળવણી માટે તે અનિવાર્ય પણ બન્યું છે. એ ઉપરાંત યુરોપ સુધી તેલ અને ગેસ પહોંચાડવા મટે નોર્થસ્ટ્રીમ ટુ (બે) નામની જે બીજી પાઇપલાઇન બાંધવાની રશિયાની યોજના હતી તેને જર્મનીએ પરમિશન આપી નથી તેથી રશિયાની યોજના અધ્ધર રહી ગઇ છે.

આ બધી પરિસ્થિતિઓની એ અસર થશે કે રશિયાનું વીસ લાખ બેરલ તેલ વેચાયા વગરનું પડી રહેશે. બીજી તરફ ઇરાન સાથે અણુશકિત વિકાસની બાબતમાં વાટાઘાટો ચાલી રહી છે. ઇરાન પર છ વરસથી નવા પ્રતિબંધો લદાયા છે. પશ્ચિમને તેલ અને ગેસની જરૂર છે એટલે ઇરાનને છૂટકારો આપશે. ઇરાન રહ્યું રશિયાનું મિત્ર. આથી પરમાણુ શકિત બાબતમાં ઇરાન લાગ જોઇને જીદ પર અડી ગયું છે. જો ઇરાન સાથે સમાધાન થાય તો તેલ થોડું સસ્તું થાય. આ સમાધાન થાય છે કે પછી નથી થતું તે બન્ને બાબતો તેલની કિંમતમાં ઉથલપાથલ મચાવ્યા કરશે. જો સમાધાન થાય તો દિવસના દસ લાખ બેરલ તેલ ઉત્પન્ન કરવાની ઇરાનની ક્ષમતા છે જે સમાધાન પછીના એક બે મહિનામાં શરૂ થઇ શકે અને આવતા વરસમાં દિવસના ૩૭ (સાડત્રીસ) લાખ બેરલના ઉત્પાદન સુધી ઇરાન પહોંચી શકે તેમ છે.

તેલની અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રમાં પણ ઉથલપાથલ મચતી રહેશે. જેમ કે રિલાયન્સે પેટ્રોલ પમ્પો બંધ કરવા પડયા. એ જ રીતે તેલ ઉત્પાદક દેશો સમૃધ્ધ થશે અને તેલ આયાત કરનારા દેશો વધુ ગરીબ બનશે. ઉદ્યોગધંધાઓ પર તેની અસર પડશે. ફુગાવો વધશે. આખરે તે ફુગાવાને કારણે તેલની ડિમાન્ડ ઘટશે અને તેની પણ તેલની કિંમત પર અસર પડશે. કિંમત વધે એટલે માંગ ઘટે તે અર્થશાસ્ત્રનો સાદો પરંતુ પાકો સિધ્ધાંત છે. યુરોપના દેશોમાં મોંઘવારી અનહદ વધી ગઇ છે. શ્રીલંકામાં હમણાં આપણે જોયું તે શ્રીલંકાએ પોતાના માટે તૈયાર કરેલો ટેઇલર-મેઇડ આપત્તિ છે અને તેમાં જાગતિક સ્થિતિ પણ વધુ અસર કરી ગઇ. દુબળી ગાયને બગાઇઓ વળગી. પરંતુ વત્તે ઓછે અંશે મોંઘવારી સમગ્ર વિશ્વને વળગી છે.

ખુદ અમેરિકનો અને બ્રિટિશરો હાઇ-તોબા પોકારી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકારને બેઠે બેઠું કારણ મળી ગયું અને બહાનું પણ. યુરોપમાં ગયા ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર પાંચ પોઇન્ટ નવ (૫.૯) ટકા હતો તે માર્ચમાં સીધો વધીને સાડા સાત (૭.૫) ટકા પર પહોંચી ગયો અને એપ્રિલના આંકડા કદાચ વધુ ચોંકાવનારા હશે. વાત અહીં પૂરી થતી નથી. નેધરલેન્ડસમાં ફુગાવો ૧૨ (બાર) ટકા વધ્યો અને તુર્કીમાં તો માજા મૂકી દીધી. આંકડા સાંભળીને ચકકર આવી જાય. પુરા ૬૧ (એકસઠ) ટકા ફુગાવો અથવા મોંઘવારી વધી. ભારતમાં ઉનાળાની વેકેશનની સીઝનમાં દિવસના ૯૦ (નેવું) લાખ બેરલની જરૂર પડે છે. ભાવ વધારાની ભારતના અર્થતંત્ર પર ખૂબ વિપરીત અસર પડી રહી છે.

આ વરસે પર્યટન ઉદ્યોગને પણ થોડું સહન કરવું જ પડશે. અમેરિકામાં પણ ઉનાળાની સિઝન જૂન, જુલાઇમાં આવે. વેકેશન પડે અને લોકો વધુ પ્રવાસ કરે. ત્યાં પણ પ્રવાસ અને હોટેલ ઉદ્યોગ પર ઘણી મોટી નકારાત્મક અસર પડશે. જો કે ભારત અને અખાતના દેશોની રિફાઇનરીઓને આ સ્થિતિનો લાભ મળશે. રિફાઇનરો ક્રુડ ઓઇલ આયાત કરી તેને રિફાઇન કરી યુરોપમાં વધુ દામ મળે એ રીતે નિકાસ કરવા વિચારવા લાગ્યા છે. રિલાયન્સે ભલે પેટ્રોલ પમ્પો બંધ કર્યા પરંતુ આ સ્થિતિનો તેને ફાયદો મળશે. જો સરકાર સાનુકૂળ નીતિઓ ચાલુ રાખશે તો. જો કે ક્રુડ તેલની ટૂંકા ગાળાની કિંમત પર ચીનમાં ફેલાયેલો કોવિડ પણ અસર પાડશે. ચીન દિવસના એક કરોડ ત્રીસ લાખ બેરલ તેલ વાપરે છે. કોવિડથી તેના ઉદ્યોગો પર ફરીથી ખરાબ અસર પડી છે. ટૂંકમાં અનેક પરિબળો ક્રુડ તેલની રોજરોજની કિંમત પર પ્રભાવ પાડતા રહેશે. ઘણાં લોકોને જૂની સાઇકલો નાનીની માફક યાદ આવી જશે.
– વિનોદ પંડયા
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top