સુરતઃ સુરત (Surat) શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ (UkaiDam) સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આજે તા. 3 ઓક્ટોબરના રોજ ડેમની સપાટી 345 ફૂટને સ્પર્શ કરી ચૂકી છે. હવે ડેમમાં જેટલી આવક એટલી જાવકનો રેશિયો જાળવવામાં આવશે. હાલ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે સતત પાંચમા વર્ષે ઉકાઈ ડેમ સંપુર્ણ ભરાયો છે.
જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે ડેમમાં પાણીની આવક સારી રહી હતી. એક તબક્કે ડેમની સપાટી રૂલ લેવલ પર જાળવી રાખવા માટે ડેમમાંથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાની નોબત આવી હતી, જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે છલકાઈ હતી.
ઉકાઈ ડેમની આજની સપાટી
Date:- 03/10/2023
Time:-04:00 Hrs.
Level :- 345.00 ft.
𝗜𝗻𝗳𝗹𝗼𝘄 :- 800 Cusecs
𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄 :- 800 Cusecs
સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરત જિલ્લાના નીચાણવાળા ગામોમાં પણ પાણી ભરાયા હતા. જોકે, સ્થિતિ કાબુમાં રહી હતી. ઉપરવાસમાં વરસાદ બંધ થતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ક્રમશ બંધ કરાયું હતું. ગણતરીપુર્વક પાણી છોડી તંત્રએ ડેમને સંપૂર્ણ 345.01 ફૂટ સુધી ભરવામાં સફળતા મેળવી છે.
ઉકાઈ ડેમ સંપુર્ણ ભરાતા આખું વર્ષ ખેતીના પાણીની ચિંતા નહીં
ઉકાઈ ડેમ સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. ઉકાઇ ડેમમાંથી જમણા અને ડાંબા કાંઠાની નહેરોમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લામાં ખેતી માટે પાણી પહોંચાડવામાં આવે છે. આ પાંચ જિલ્લાની 1 કરોડથી વધુ વસ્તીને પીવાના પાણીનો પુરવઠો પણ ઉકાઈ ડેમમાંથી જ મળી રહે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પણ પાણી સપ્લાય થાય છે. ડેમ ભરાવાની સાથે જ આખું વર્ષ 1 કરોડથી વધુ વસ્તીને અને ખેતીના પાક માટેના પાણીનું ટેન્શન હળવું થયું છે.