Business

આ તો રો ‘હીટ’ શેટ્ટી છે… જેની પાછળ સફળતા દોડે

rohit shetty plans to start shooting singham 3 next year says journey will  take time | 'સિંઘમ 3' શાનદાર ઍક્શનથી ભરપૂર રહેશે એથી એને બનાવવામાં સમય  લાગશે : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી અત્યારે સૌથી વધુ પ્રશંસા મેળવતો દિગ્દર્શક છે. લોકો હવે માની ગયા છે કે તેની કોઇ ફિલ્મ નિષ્ફળ જતી જ નથી. ‘ગોલમાલ’ સિરીઝની પાંચે પાંચ ફિલ્મે બોકસ ઓફિસ પર તડાકો પાડેલો અને પછી ‘સિંઘમ’ સિરીઝની ત્રણે ફિલ્મો પણ જબરદસ્ત ધંધો કરી ગઇ. હમણાં ‘સૂર્યવંશી’માં તેણે તેના ત્રણ લોકપ્રિય પાત્રોને ભેગા કરી દીધા. અજય દેવગણ ફરી ડીસીપી બાજીરાવ સીંઘમ, રણવીર સીંઘ ફરી સિમ્બા અને અક્ષયકુમાર ‘સૂર્યા’ સૂર્યવંશી છે. આ પ્રકારનું કોમ્બિનેશન ઓછા દિગ્દર્શક કરી શકે. રહિત શેટ્ટીને ખબર હતી કે મારી ફિલ્મના સ્ટાર્સ પાસે લોકો તેના પોપ્યુલર કેરેકટરની અપેક્ષા રાખશે.

રોહિત શેટ્ટી એવો સકસેસ છે કે સલમાન, શાહરૂખ પણ ઇચ્છે છે કે તેની ફિલ્મ રોહિત બનાવે. જો કે શાહરૂખ સાથે તેણે ‘ચેન્નઇ એકસપ્રેસ’ બનાવેલી અને તે પણ જબરદસ્ત સફળ રહેલી. પણ સામાન્યપણે રોહિતને રોમેન્ટિક હીરો નહીં ધનાધની કરે તેવા હરો ગમતા હોય છે. અજય દેવગણ તેનો ફેવરીટ છે અને અત્યાર સુધીની શેટ્ટીની 15 ફિલ્મમાંથી 11 ફિલ્મમાં અજય રહ્યો છે. ‘ગોલમાલ-5’ બની રહી છે તેમાં ય ફરી અજય દેવગણ જ છે. તે વારંવાર હીરો બદલવામાં માનતો નથી.

હા, હીરોઇન અને સહકલાકારો બદલાઇ શકે. રોહિત હોય એટલે મનોરંજન હોય. કોમેડી ફિલ્મ હોય તો તેમાં પણ મનોરંજન અને એકશન ફિલ્મ હોય તો તેમાં પણ. રોહિતે છેલ્લા વર્ષોમાં અક્ષયકુમારને અને રણવીર સીંઘને પોતાની ફિલ્મોના ભાગ બનાવવા માંડયા છે ને અજય દેવગણને તેનો વાંધો નથી. બાકી રોહિત-અજયની દોસ્તી એવી છે કે ઝગડો કરી શકે. રોહિતે શરૂની 9 ફિલ્મો દિગ્દર્શક તરીકે જ બનાવી અને ‘સિંઘમ રિટર્ન્સ’થી તે નિર્માતા ય થયો અને ત્યાર પછીની તેની ચારેય ફિલ્મો જબરદસ્ત સફળ રહી છે. પોલીસ અધિકારી અને રાજકીય નેતા વચ્ચેનાં જંગને તે હંમેશા રસપ્રદ બનાવે છે.

તેની ફિલ્મ તે સામાન્ય પ્રેક્ષકને સામે રાખીને જ બનાવે છે. તે પોતે ય એકટિંગ કરી શકે છે પણ એવું કરતો નથી. હા, રિયાલીટી શોના જજ તરીકે અને હોસ્ટ તરીકે તે દેખાતો રહે છે. ટી.વી. પર ‘લિટલ સિંઘમ’ અને ‘ગોલમાલ જૂનિયર’ શોને તેણે પ્રોડયુસ પણ કર્યો છે. ‘ફિયર ફેકટર: ખતરોં કે ખિલાડી’ની 7 સિઝનનો તે હોસ્ટ રહ્યો છે. રોહિત શેટ્ટીની ફિલ્મ 300 કરોડનો ધંધો કરે કે 400 કરોડનો, તે પોતે બદલાતો નથી. પોતાની રીતે જ કામ કરે છે. અત્યારે તે ‘સરકસ’ બનાવવામાં રોકાયેલો છે. તે એક સાથે બે-પાંચ ફિલ્મ બનાવતો નથી કે બીજા દિગ્દર્શક પાસે ફિલ્મો પણ નથી બનાવતો. યુનુસ સજાવલ પાસે તેણે ‘ગોલમાલ’ શ્રેણીની અને પછી ‘સિંઘમ’ શ્રેણીની ફિલ્મો લખાવી છે. ‘દિલવાલે’, ‘સિમ્બા’, ‘સૂર્યવંશી’ પણ યુનુસની લખેલી છે ને ‘સરકસ’ની પટકથા પણ યુનુસે જ લખી છે. રોહિત શેટ્ટી પટકથા લેખક બહુ બદલતો નથી અને સ્ટાર્સપણ ન બદલે. રોહિતની ફિલ્મો કેમ સફળ રહે છે તેનો કોઇ અભ્યાસ કરે પણ અનુકરણ ન કરી શકે. રોહિતની ફિલ્મમાં કયારે કેવો વળાંક આવે તે તેને જ ખબર હોય છે.

Most Popular

To Top