Business

સંઘર્ષ, મહેનતથી ખીલતું આ છે ભારત

સિવિલ સેવાની પરીક્ષા પાસ કરીને દેશનું ભવિષ્ય બનવાની કોની ઈચ્છા ન હોય પણ એ ઈચ્છા પૂરી કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે, સંઘર્ષની આ કહાની આજે જાણીએ. કપડાંની ફેરી કરતા અને કાચા મકાનમાં રહેતા પરિવારનો પુત્ર અનિલ બસાકે, મધ્યમ વર્ગમાંથી આવેલો શુભમ કુમાર અને 7 મોટી કંપનીની ઓફર પછી BHELની નોકરી છોડીને દેશમાં સેકન્ડ આવનારી જાગૃતિ અવસ્થીની કહાની રોચક છે. હા, સાથે સુરતના કાર્તિક જીવાણી અને વડોદરાના વલય વૈદ્ય પણ બની ગયા છે આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત.

એ વર્ષ હતું 2014, જ્યારે બિહારના કિશનગંજમાં રહેતા અનિલ બસાકે IIT માટે પ્રવેશપરીક્ષા પાસ કરી હતી. IIT દિલ્હીમાં એડમિશન લેવા માટે કિશનગંજથી દિલ્હી આવેલા અનિલે તે સમયે વિચાર્યું ન હતું કે થોડાં વર્ષોમાં તે માત્ર પ્રતિષ્ઠિત UPSC સિવિલ સર્વિસમાં જ સફળ થશે નહીં પરંતુ તેનો ક્રમ પણ ટોપ-50માં હશે. અનિલ બસાકે UPSC 2020 સિવિલ સર્વિસ પરીક્ષામાં 45મો રેન્ક મેળવ્યો છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા અનિલ બસાકે પોતાની સફળતાનો તમામ શ્રેય તેના પિતાને આપ્યો છે. બસાકે IIT દિલ્હીમાં જ સિવિલ સર્વિસિસની તૈયારી શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં IIT માટે મારી પસંદગી થઈ હતી. હું સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં હતો ત્યારે મેં UPSCની તૈયારી શરૂ કરી હતી. બે વર્ષ પછી 2018માં પ્રથમ વખત પરીક્ષા આપી હતી.

પોતાના પ્રથમ પ્રયાસમાં અનિલ બસાક પ્રીલિમ પણ પાર કરી શક્યો ન હતો. તે વખતે તે નિરાશ થઈ ગયો હતો પણ હિંમત હારી ન હતી. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થવા વિશે તેમણે એવું કહ્યું કે, તે સમયે તેના મનમાં એટલો કોન્ફિડન્સ હતો કે હું જ્યારે IITમાં પ્રવેશની પરીક્ષા પાસ કરી શકું તો કોઈ પણ પરીક્ષા પાસ કરી શકું. બાદમાં તેણે પોતાની વિચારસરણી બદલી અને ફરીથી દિલથી તૈયારી શરૂ કરી દીધી હતી. તેને બીજા પ્રયાસમાં 616મો ક્રમ મળ્યો હતો. તે IRS માટે પસંદ પણ થયો હતો છતાં સંતોષ ન હતો. ફરી પરીક્ષા આપી અને આ વખતે 45મો રેન્ક મેળવ્યો હતો.

બસાક આજે જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચવું તેના માટે સરળ નહોતું. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ વિશે તેણે વધુમાં કહ્યું, ‘‘મારા પરિવારે ઘણી ગરીબી જોઈ છે. સાચું કહું ખરેખર મુશ્કેલ પરિસ્થિતિઓ હતી પણ એ સંજોગોએ જ  મને મજબૂત બનાવ્યો હતો. મારા માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. મારી સફળતાનો બધો શ્રેય મારા પિતાને જાય છે. મને આગળ લઈ જવા માટે પપ્પાએ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે.’’ અનિલ બસાકને ચાર ભાઈઓ છે.

તે બીજા નંબરે છે. અનિલનો મોટો ભાઈ નોકરી કરે છે અને બે નાના ભાઈઓ ભણે છે. જ્યારે અનિલની માતા મંજુદેવી ગૃહિણી છે, પિતા બિનોદ બસાકે ઘર ચલાવવા માટે દરેક નાનું કામ કર્યું છે. ક્યારેક તેણે હાઉસ હેલ્પર તરીકે પણ કામ કર્યું છે. આજે તેઓ રેડીમેડ કપડાંની ફેરી મારવાનું કામ કરે છે. અગાઉ બસાકનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. પછી પિતાની સખત મહેનતને કારણે પરિવારને પોતાનું કાચું ઘર મળ્યું હતું. હવે તે ઘર પણ પાકું થઈ ગયું છે. બસાક કહે છે કે હવે તેના પરિવારના સભ્યોને સારું જીવન આપવાની જવાબદારી તેની છે.

પરિવાર વિશે તેણે કહ્યું કે તેનો પરિવાર હંમેશાં સમાચાર જોતો રહે છે. ખાસ કરીને કરંટ અફેર્સ પર તેની સારી નજર હતી. આ રૂચિએ પણ તેને ઘણી મદદ કરી. તે જ સમયે પિતાને કાળી  મજૂરી કરતા જોઈને તે ખૂબ પ્રભાવિત થયો હતો. અનિલ બસાકને હંમેશાં વિચાર આવતો કે, તેના પિતા જે મહેનત કરે છે, તેના 10%  મહેનત પોતે કરે તો પણ તે આરામથી UPSC પાસ કરી લેશે અને એવું જ થયું!

UPSC ટોપર્સ શુભમની કહાની તો એનાથી પણ ચડે તેવી છે. UPSC 2020નું પરિણામ આવી ગયું છે. બિહારના શુભમ કુમારે ટોપ કર્યું છે. શુભમ કટિહારનો છે પરંતુ હાલમાં પૂણેમાં ડિફેન્સમાં તાલીમ લઈ રહ્યો છે. શુભમે ત્રીજા પ્રયાસમાં UPSCમાં ટોપ કર્યું છે. 2018માં પણ તેણે પરીક્ષા આપી હતી. પછી 2019માં પરીક્ષા આપી, જેમાં તેને 290 રેન્ક મળી હતી. જો કે, એ પછી ભારતીય સંરક્ષણ ખાતામાં તેની તાલીમ શરૂ થઈ હતી. શુભમ 290 રેન્કથી ખુશ નહોતો.

હવે ત્રીજી કોશિશમાં આખરે તે દેશમાં પ્રથમ આવ્યો છે. પરિણામ બાદ બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને શુભમને અભિનંદન આપ્યા હતા. તેઓએ લખ્યું હતું – UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ બિહારના શુભમ કુમારને અભિનંદન અને શુભેચ્છાઓ. તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા. તમને જણાવી દઈ કે બિહારના વિકાસ કમિશનર અમીર સુભાનીએ પણ ભૂતકાળમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

UPSC કેવી રીતે ટોપ કર્યું એ વિશે વાત કરતા શુભમે કહ્યું હતું કે, ‘‘ધો.12થી મારા મનમાં હતું કે મારે UPSCની તૈયારી કરવી છે. હું મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું તેથી મને લાગ્યું કે જો હું IITની બહાર નીકળીશ તો મારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. હું ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતમાં પણ સારો હતો તેથી જ મેં પહેલાં ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. IIT મુંબઈમાં મારી પસંદગી થઈ. કોલેજમાં હતા ત્યારે મેં ઘણા સંશોધન કર્યાં હતાં. અલગ અલગ કંપનીમાં કામ કર્યું હતું. તે પછી ફરી મને લાગ્યું કે હવે મારે UPSCની તૈયારી કરવી પડશે.’’

શુભમે વધુમાં કહ્યું કે જે કંપનીમાં તેણે IIT દરમિયાન ઇન્ટર્નશિપ કરી હતી તે કંપનીને પણ તેનું કામ ગમ્યું હતું. કંપની તરફથી એવી ઓફર પણ આવી હતી કે શુભમ તેની સાથે જોડાઈ શકે છે પરંતુ શુભમને એવો આત્મવિશ્વાસ હતો કે તેની લીડરશીપમાં તે લોકો માટે કંઈક કરવા માગે છે, પોતાનું શ્રેષ્ઠ આપવા સક્ષમ છે. એટલા માટે IIT પ્લેસમેન્ટમાં પણ તે બેઠો ન હતો અને UPSC માટે તૈયારી કરી  ટોપ પણ કર્યું. શુભમે કહ્યું કે છેલ્લાં 3 વર્ષમાં તે લગભગ 7થી 8 કલાક અભ્યાસ કરતો હતો. શુભમનું માનવું છે કે, તે કેટલા કલાક અભ્યાસ કરે છે તેના કરતાં તે  નિયમિત રીતે કેટલો અભ્યાસ કરે છે તે વધુ મહત્ત્વનું છે.

વધુ એક સફળ સ્ટોરીની વાત કરીએ તો ભોપાલમાં રહેતી જાગૃતિ અવસ્થીનાં માતા-પિતાને 24 સપ્ટેમ્બરની સાંજે ખબર પડી કે તેમની પુત્રીએ UPSC 2020માં બીજું સ્થાન મેળવ્યું છે ત્યારે પહેલાં તો એક સપના જેવું લાગ્યું હતું! તેઓને આશા હતી કે તેની પુત્રી આ પ્રતિષ્ઠિત પરીક્ષા ક્રેક કરશે પરંતુ વિચાર્યું ન હતું કે તે મહિલા ઉમેદવારો વચ્ચે દેશમાં ટોપ અને ઓવરઓલ બીજું સ્થાન મેળવશે! જો કે જાગૃતિએ આ પરીક્ષા માટે જે રીતે તૈયારી કરી હતી તે ધ્યાનમાં લેતા ટોપર બનવું આશ્ચર્યજનક નથી. જાગૃતિએ સંપૂર્ણ સમર્પણ, સખત મહેનત અને પ્રામાણિકતા સાથે આ પરીક્ષા માટે મહેનત કરી હતી. તમે માનશો નહીં પણ એક મહિનાનો સમય માત્ર અભ્યાસક્રમ અને પેપર સમજવામાં જ પસાર થયો.

સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરતા પહેલાં જાગૃતિ ભોપાલના BHELમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી હતી. તેમણે મૌલાના આઝાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં તે એન્જિનિયર બનવા માગતી હતી પરંતુ પછી તેને લાગ્યું કે તેણે સિવિલ સર્વિસના ફિલ્ડમાં જવું છે. આ વિશે જાગૃતિએ કહ્યું હતું કે, ‘‘જ્યારે હું ભેલમાં કામ કરતી હતી  ત્યારે મને સમજાયું કે મારે આવું નહીં કંઈક અલગ ફિલ્ડમાં લોકો વચ્ચે કામ કરવું છે. હું જાણતી હતી કે IAS બન્યા પછી તમારા કામમાં વિવિધતા આવે છે. તમે દરરોજ નવા લોકોને મળો છો. મને એ પણ સમજાયું કે IAS બનવું મારા વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે.’’

આ સમજીને જાગૃતિએ તેની BHELમાં બે વર્ષની નોકરી છોડી દીધી હતી. તેણે નોકરી છોડતા પહેલાં તેના પિતા સાથે પણ વાત કરી હતી. ભોપાલમાં મધ્યમ વર્ગીય પરિવારના હોમિયોપેથિક પ્રોફેસર તરીકે કાર્યરત તેમના પિતા સુરેશચંદ્ર અવસ્થીએ દીકરીને કહ્યું કે, ભેલની નોકરી પણ ક્લાસ-1ની નોકરી છે તેથી તેણે સમજીવિચારીને  નિર્ણય લેવો જોઈએ. જો કે, બાદમાં તેણે દીકરીને નોકરી છોડવા પ્રોત્સાહિત કરીને પબ્લિક સર્વિસ કમિશનમાં આગળ વધવા સપોર્ટ કર્યો હતો.

જાગૃતિએ નોકરી દરમિયાન જ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી હતી. તે 2019ના તેના પ્રથમ પ્રયાસમાં પ્રીલિમ પણ પાસ કરી શકી ન હતી. જો કે જાગૃતિ પોતે કહે છે કે તેનું ધ્યાન 2020ની પરીક્ષા પર હતું. એન્જિનિયરિંગ કર્યા પછી પણ તેણે સમાજશાસ્ત્રને વૈકલ્પિક વિષય બનાવ્યો હતો. દિવસમાં 8થી 10 કલાક અભ્યાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન તે કોચિંગ માટે દિલ્હી પણ ગઈ હતી પરંતુ કોવિડ મહામારીને કારણે ટૂંક સમયમાં જ ઘરે પરત આવી અને પછી ઓનલાઇન તૈયારી શરૂ કરી હતી.

જાગૃતિ ગ્રામીણ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે કામ કરવા માગે છે. પોતાના ઇન્ટરવ્યૂ વિષે જાગૃતિએ જણાવ્યું હતું કે લગભગ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમનો ઇન્ટરવ્યૂ લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો હતો. ઇન્ટરવ્યૂ આપ્યા પછી તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની પસંદગી થશે જ. જાગૃતિએ કહ્યું કે ઇન્ટરવ્યૂમાં તેને સંસ્કૃતથી લઈને અફઘાનિસ્તાનમાં ઊથલપાથલ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આદિવાસી વિકાસ અને જાતિની વસ્તી ગણતરી પર તેનાં મંતવ્યો વ્યક્ત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે આરક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે અંતિમ ઉકેલ ન હોઈ શકે પરંતુ હાંસિયામાં સમાઈ રહેલા લોકોના સશક્તિકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

તેણે કહ્યું કે અત્યારે અનામત જરૂરી છે પરંતુ અંતે વિકાસ એ જ વાસ્તવિક મુદ્દો છે. તેવી જ રીતે જાતિ વસ્તી ગણતરી પર જાગૃતિએ કહ્યું કે આવી વસ્તી ગણતરી તેની  પાછળ શું હેતુ છે તેના પર નિર્ભર કરે છે. તેણીએ એવું પણ કહ્યું હતું કે તે એવી સિવિલ ઓફિસર બનવા માગે છે જે નેતાઓ માટે નહીં પરંતુ લોકો માટે રિસ્પોન્સિબલ બને. વર્ષ 2017માં જાગૃતિએ GATE પરીક્ષામાં 51મો રેન્ક મેળવ્યો હતો. એ પછી તેને સાત મોટી જોબની ઓફર મળી હતી. આ ઓફરમાં IOCL, GAIL, ONGC અને BHEL જેવી મોટી સંસ્થાઓ સામેલ હતી પણ પછી તેણે નોકરી છોડી દીધી હતી.

પોતાની સફળતા વિશે જાગૃતિએ UPSCના ઉમેદવારોને સંદેશ આપતાં કહ્યું હતું કે UPSCની તૈયારી કરી રહેલા યુવાઓએ અભ્યાસક્રમ પસંદ કરી રિવિઝન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સતત અભ્યાસ અને સમર્પણ સાથે ચોક્કસપણે સફળતા મળે જ છે.હવે ગુજરાત પણ પાછળ કેવી રીતે રહે! ગુજરાતના યંગીસ્તાને પણ ડંકો વગાડ્યો છે. સુરતના કાર્તિક જીવાણીએ ત્રણ વખત UPSCની પરીક્ષા પાસ કરી છે. કાર્તિક જીવાણીએ UPSCની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. તો બીજી તરફ વડોદરાના વલય વૈદ્યે ઓલ ઈન્ડિયામાં 116મી રેન્ક સાથે ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો છે. વલય આ પહેલાં UPSCમાં ઈન્ટરવ્યૂ આપી ચૂક્યો છે પરંતુ થોડાક માર્કસ માટે તે રહી ગયો હતો. આ ચોથા પ્રયાસમાં તેણે આખરે મેદાન સર કરી લીધું હતું.

 પહેલાં કાર્તિકની વાત કરીએ તો કાર્તિકે એક્ઝામની તૈયારી સુરત રહીને જ કરી હતી. તેણે જાતે જ મહેનત કરી હતી. ઓનલાઇન ક્લાસીસ કરતો હતો. દિલ્હીના તમામ UPSCના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો અને તેના આધારે તૈયારીઓ કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં કર્યો હતો અને ત્યાર બાદ તેણે મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. કાર્તિક જીવાણીની આ ત્રીજી ટ્રાઇ હતી. પહેલાં 94મા ક્રમે આવ્યો હતો. ત્યાર બાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. ત્યારે 84મા ક્રમે આવ્યો હતો. બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તેણે દેશમાં 8મો ક્રમ મેળવ્યો છે. કાર્તિક અને વલયે તેની મહેનતથી પરિણામ મેળવ્યું છે. આવી જ રીતે દેશમાં ટોપ પર આવેલા આ યુવાઓની કહાની પણ આજની જનરેશન માટે પ્રેરણાદાયી છે.

Most Popular

To Top