Charchapatra

આ પણ સેવાયજ્ઞ

 ‘ગુજરાતમિત્ર’ના તારીખ 24/ 5/ 2023 ના અંકના પહેલે પાને ‘હાય ….!રે ગરીબી બાળકોના પગ દાઝી નહીં જાય તે માટે મહિલાએ તેમના પગ પર પોલીથીન બેગ વીંટાળી’ શીર્ષક હેઠળ તસવીર સાથે સમાચાર છપાયા છે તે ખરેખર હૃદયદ્રાવક છે. આ સંદર્ભમાં અમારા એક મિત્ર એક ખાનગી શાળાના નિવૃત્ત આચાર્ય અને સામાજિક કાર્યકર શ્રી ધનસુખભાઈ શાહ દ્વારા દાતાઓની સહાયથી થતી સેવાઓ યાદ આવે છે.  અડધો એપ્રિલ મહિનો જાય ત્યાં સુધીમાં દાતાઓને તૈયાર કરીને બધા પાસેથી એક એક હજાર જોડી ચંપલ સ્લીપર જુદા જુદા માપની દાનમાં મેળવી લે અને એવા જ કોઈ દાતાની સહાયથી આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને ઉજજડ વિસ્તારોમાં ફરે અને તાપમાં ઉઘાડે પગે ચાલતા આદિવાસી સ્ત્રી, પુરુષ, બાળકો વગેરેને મજૂરીકામમાં રાહત રહે તેવી ભાવનાથી તેમને માપ પ્રમાણે ચંપલ ભેટમાં આપે.

ઓછામાં ઓછી અગિયાર હજાર જોડી ચંપલ તેમણે જરૂરિયાતમંદ માણસો સુધી પહોંચાડી છે. એ પહેલાં મરોલી પાસે પોંસરા નામના પછાત ગામમાં  દર શનિવારે દર્શન કરવા જાય અને સાથે ત્યાંનાં  ગરીબ બાળકોને નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરતા. શહેરના દાતાઓ ઉત્સાહપૂર્વક આ કામમાં જોડાતાં. પછી તો તેમણે અવિધિસરના અભ્યાસ વર્ગો પણ ચાલુ કરાવ્યા અને આ ગામ સંસ્કારના રંગે રંગાવા માંડ્યું. પ્રસિધ્ધિની પરવા કર્યા વિના તેમણે આવી પ્રવૃત્તિઓ કર્યે જ રાખી છે.સેવાકાર્ય માટે મૂડી જોઈએ એ વાત ખોટી છે. સાચી મૂડી ભાવના છે, તે જોઈ શકાય છે.
          – ફેનિલ ભૂપેન્દ્ર વાંકાવાલા મેરાઈ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એ શિવસંકલ્પ ન કહેવાય
ઈકોનોમી રેન્કીંગમાં પાંચમો નંબર અને હેપીનેસના રેન્કમાં એકસો પાંત્રીસમો ક્રમ રહેતો હોય તો તે સંકલ્પની ખોડ કહેવાય. આઝાદીની લડત અને એક ભારત માટેના કર્મયોગીઓ ભલે ગુજરાતી હોય, પણ સત્તાના ભૂંડા રાજકારણમાં એકની સરદારની અવજ્ઞા અને ગાંધીની ખોટી પ્રતિષ્ઠાના લઈને મોદીને જે રીતે મોકો મળ્યો છે તેનો સદુપયોગ થવો જોઈએ. સત્તાના ભૂંડા રાજકારણનું જ પુનરાવર્તન હોય તેને શિવ સંકલ્પ કોણ કહેશે?
ધરમપુર  – ધીરુ મેરાઈ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top