ગરમીનો પ્રકોપ વધવાનો છે ત્યારે આપણા ઘરના આંગણે વરંડામાં, અગાસી પર પાણીથી ભરેલા કૂંડા ત્થા મૂક પક્ષીઓ માટે ચણ મૂકી માનવતા મહેંકાવીએ. ઉનાળામાં કાળઝાળ ગરમી માઝા મૂકી રહી છે, ક્યાંક ને ક્યાંક માનવતાનાં સેવા કાર્યો અવિરત ચાલી રહ્યાં છે. માનવી સામાજિક પ્રાણી હોઈ એને કોઈને કોઈ સેવા પ્રવૃત્તિ કરવી ગમે છે. વચ્ચે કોરોનાકાળમાં શહેરની સેંકડો સેવા સંસ્થાઓએ ગરીબ, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં હજારો હજારો ભાઈ-બહેનોને જમાડ્યા. કેવી ઉમદા, સ્તુત્ય, માનવતાવાદી કામગીરી. પહેલાંના સમયમાં ચાર રસ્તે, પાદરે લોકો પાણીના માટલા મૂકતાં, જેથી આવતાં જતાં રાહદારીઓ ઠંડુ પાણી પી શકે.
પોતાની તરસ છીપાવી શકે. રાજસ્થાનના ભીલવાડાના ગુંદલી ગામના 78 વર્ષીય શ્રી માંગીલાલ ગુર્જર છેલ્લાં 27 વર્ષથી રાહદારીઓની તરસ છીપાવવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. આપણે ત્યાં 22 માર્ચ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે, પણ આ પાણીવાલા બાબાના નામથી પ્રખ્યાત એવા જાણે રોજ જળદિવસ મનાવી ભારતીય ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે, કેવી ભવ્ય માનવતા. તેમણે વીસ વર્ષ સુધી જાતે કૂવો ખોદ્યો છે. માથે પાણીનો ઘડો મૂકી ઠેર ઠેર તરસ્યાઓને પાણી પીવડાવવાનો નિત્યક્રમ છે. બાળપણથી જ સેવા કાર્યની ધૂન લાગતાં લગ્ન પણ કર્યાં નથી. એમના ભોજનની વ્યવસ્થા લોકો કરી દે છે. એક વ્યક્તિએ હમણાં લખ્યું હતું વોટ્સએપ પર કે કરોડોમાં રમતા ક્રિકેટરોને ફિલ્મ સેલીબ્રીટીઓને રાજ્ય સભામાં કે સંસદમાં મોકલવાનું બંધ કરો ને આવા સાચા, અદના સેવાભાવી કાર્યકર્તાઓને ત્યાં મોકલો. સંસદ પણ રળિયાત બનશે.
જહાંગીરપુરા – ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.