સુરતઃ ગયા અઠવાડિયે સુરતના પુણા વિસ્તારમાં મધરાત્રે ઘરમાં ઘુસી પતિને બંધક બનાવી પરિણીતા પર ગેંગરેપ ગુજારનાર ત્રણ નરાધમો પૈકી ત્રીજો આરોપી ઝડપાયો છે. પોલીસે અમરેલીથી ત્રીજા હવસખોર નરાધમને પકડ્યો છે.
ડીસીપી ઝોન 1ની ટીમે આરોપીને અમરેલીથી પકડ્યો છે. આરોપી અમીત ઉર્ફે રઘુ ઉર્ફે રોકડા નરસિંહ વાળાની ધરપકડ કરાઈ છે. આરોપી લૂંટ વિથ ગેંગરેપની ઘટનામાં લૂંટેલા રૂપિયા લઈ ભાગી ગયો હતો. આ કેસમાં સુરત પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી.
શું બની હતી ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 13 ફેબ્રુઆરી ગુરુવારના રોજ લૂંટના ઈરાદે ત્રણ ઇસમો દંપતિના ઘરમાં ઘુસી ગયા હતા. જે બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. જતી વખતે રૂપિયા 30 હજાર અને બે બ્રેસ્લેટ પણ લૂંટી ગયા હતા.
નરાધમે દુષ્કર્મ આચરી વીડિયો પણ બનાવ્યો
આરોપી નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ એકવાર રેપ કર્યા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે બન્ને નીચે આવ્યા હતા અને બાદમાં જતી વખતે 2 સોનાના બ્રેસલેટ અને રોકડ રૂ.30,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા
પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બળજબરી કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે.
