Comments

દિલમાં અનુકંપા હોય તો આ વિશે વિચારો

જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે અને કાં શિસ્તભંગની કારવાઈ માટે તૈયાર રહે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે મામલો શું છે. કાશ્મીરની ખીણ અને લડાખ સહિતના વિભાજન પહેલાંના સમગ્ર જમ્મુ અને કાશ્મીરનાં વહીવટીતંત્રમાં ગેરમુસ્લિમ કાશ્મીરીઓનું વર્ચસ્ છે. ખાસ કરીને ખીણના પંડિતો, પુંચના શીખો અને જમ્મુના ડોગરા અને બીજા હિંદુઓ મોટા પ્રમાણમાં સરકારી નોકરી કરી રહ્યા છે. આ સિવાય ઉચ્ચ કક્ષાએ બહારના કર્મચારીઓ પણ કાશ્મીરમાં નોકરી કરી રહ્યા છે જેમ બીજાં રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. હવે તેઓ કાશ્મીરની ખીણ છોડીને જમ્મુ જતા રહ્યા છે તે એટલા પ્રમાણમાં કે કાશ્મીરની ખીણમાં આખું વહીવટીતંત્ર જ ઠપ થઈ ગયું છે.

ડિવિઝનલ કમિશનરે ધમકાવવા પડે એવી નોબત આવે ત્યારે કલ્પના કરો કે સ્થિતિ કેવી હશે! બીજી બાજુ કર્મચારીઓ પાછા ફરવા તૈયાર નથી. તેઓ કહે છે કે તેમની સલામતીનું શું? કાશ્મીરની ખીણમાં હિંસા એ કોઈ નવી વાત નથી. ૧૯૮૯ પછીથી ૧૫ વરસ સુધી કાશ્મીરની ખીણમાં લોહી નિંગળતું હતું, પણ ગેર-મુસ્લિમ કાશ્મીરી કર્મચારીઓ એટલા ડરેલા નહોતા જેટલા આજે છે. આનું મુખ્ય કારણ એ છે કે હિંસાના પહેલા દોર વખતે સરેરાશ આમ કાશ્મીરી મુસ્લિમ  હિંસાનું અને અલગતાવાદનું સમર્થન નહોતો કરતો.

શા માટે? એક તો તેઓ એમ માને છે કે કાશ્મીરી ઇસ્લામ દક્ષિણ એશિયામાં પ્રવર્તમાન ઇસ્લામ કરતાં અલગ છે. કાશ્મીરી ઇસ્લામ જિયારતી ઇસ્લામ છે જેને તેઓ ઋષિ ઇસ્લામ કહે છે. સમગ્ર ભારતમાં કાશ્મીરની ખીણના મુસલમાનો તેમના મઝહબ પરના હિંદુ પ્રભાવને ખુલ્લીને સ્વીકારે છે અને ગર્વ પણ અનુભવે છે. બીજું, એ સમયે તેમને એમ લાગતું હતું કે ભારતના બહુમતી હિંદુઓ મૂળભૂત રીતે ઉદારમતવાદી છે, એટલે રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસા અને સત્તાના ઘટિયા રાજકારણ પછી પણ, ભારત સેક્યુલર દેશ છે અને રહેવાનો છે.

તેમને એમ લાગતું હતું કે તેઓ જે પ્રકારના ઇસ્લામમાં માને છે એ જોતાં તેમની સલામતી અહલે હદીસ કે દેવબંદી મુસલમાનો કરતાં બુતપરસ્ત હિંદુઓ સાથે વધુ છે. આને કારણે તેઓ હિંસાના અને હિંસા કરનારા ત્રાસવાદીઓના સમર્થક નહોતા. અત્યારે સ્થિતિ અલગ છે. ૨૦૧૯ માં કેન્દ્ર સરકારે કાશ્મીરની પ્રજાને વિશ્વાસમાં પણ લીધા વિના અચાનક જે રીતે જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કર્યું, આર્ટીકલ ૩૭૦ ની કેટલીક જોગવાઈઓ રદ કરી, કાશ્મીરની ખીણને લશ્કરી છાવણીમાં ફેરવી નાખી, સંદેશવ્યવહાર પહેલાં પ્રતિબંધિત અને પછી કુંઠિત કર્યો એ જોઇને તેમને એમ લાગે છે કે તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

સૌથી મોટો આંચકો તેમને હિંદુઓનો ધાર્મિક ઉન્માદ જોઇને લાગ્યો છે. તેમણે આવી કલ્પના નહોતી કરી. હવે તેમને એમ લાગવા માંડ્યું છે કે હિંદુઓ પણ એવા જ નીકળ્યા જેવા મુસલમાનો અને બીજાઓ છે. પાકિસ્તાની કવયિત્રી ફેહમિદા રિયાઝની બહુ ગાજેલી કવિતા ‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે’ની યાદ આવે છે. કાશીમીરી મુસલમાનોને એમ લાગવા માંડ્યું છે કે ભારત હવે સેક્યુલર દેશ રહ્યો નથી. આને આંચકો પણ કહેવાય, આને કાશ્મીરી મુસલમાનોનો પ્રચંડ મોટો સ્વપ્નભંગ કહેવો જોઈએ. તેમનો મદાર તૂટી ગયો છે.

તમને ખબર છે? આજે કાશ્મીરની ખીણમાં વસતા કે નોકરી કરતાં હિંદુઓ અને બીજા ગેર-મુસ્લિમ કાશ્મીરીઓ કરતાં વધારે અસલામત એવા કશ્મીરી મુસલમાનો છે જેઓ સરેરાશ હિંદુઓ ઉપર અને સેક્યુલર ભારત દેશ ઉપર શ્રદ્ધા રાખવાનું કહેતા હતા. ભારત સરકારે અને ભક્તોએ મળીને કાશ્મીરની ખીણમાં એક ઝાટકે લાખો ખાન અબ્દુલ ગફાર ખાન પેદા કરવાનું અને તેમને સરહદના ગાંધીની ભાષામાં કહીએ તો “વરુઓના મોઢામાં ધકેલવાનું પાપ કર્યું છે.” તેઓ તો હિંદુત્વવાદી દેશભક્તો કરતાં પણ સવાયા દેશપ્રેમી હતા અને સવાયા હિંદુપ્રેમી હતા, કારણ કે તેમને તેમના પ્રેમની કિંમત ચૂકવવી પડે એમ હતી જે રીતે ખાન અબ્દુલ ગફારખાને આખી જિંદગી ચૂકવી હતી. આમ છતાં તેઓ હિંદુઓની અને ભારતની તરફેણમાં દલીલો કરતા હતા.

આજે તેઓ ડરેલા છે. તેઓ અચાનક નોંધારા થઈ ગયા છે. તેમનો સ્વપ્નભંગ થયો છે. તેઓ પોતે તેમનાં અને તેમનાં સંતાનોના ભવિષ્ય વિષે ચિંતિત છે. બીજું, તેમની સંખ્યા મામૂલી નથી, લાખોમાં છે. ૧૯૮૯ પછીના હિંસાના પહેલા દોર દરમ્યાન તેમનો ખીણમાં વસતાં હિંદુઓને અને ખીણમાં નોકરી કરતા ગેરકાશ્મીરી મુસ્લિમ કર્મચારીઓને સધિયારો હતો. તેમના સહારે તેઓ જોખમ ઉઠાવીને પણ ખીણમાં રહેતા હતા અને કામ કરતા હતા. આજે સહારો આપનારા જ બેસહારા છે.

તેમને કટ્ટરપંથી મુસલમાનો તેમની જૂની દલીલો યાદ કરાવે છે અને ઇસ્લામદ્રોહી તરીકે ખપાવે છે. ખીણમાં વસતા કે નોકરી કરતા હિંદુઓ, શીખો અને બીજાઓ તો ખીણ છોડીને બીજે ગમે ત્યાં જઈ શકે છે જે રીતે અત્યારે તેઓ જઈ રહ્યા છે, પણ કાશ્મીરની ખીણમાં વસતા લાખો ગફારખાનો ક્યાં જાય? જો દિલમાં અનુકંપા નામની કોઈ ચીજ ધરાવતા હોય તો આ વિષે વિચારો! ૧૯૪૭ પછી વિભાજનને કારણે જેમ નવનિર્મિત પાકિસ્તાનનું વહીવટીતંત્ર ઠપ થઈ ગયું હતું એમ અત્યારે કાશ્મીરની ખીણમાં થયું છે. માટે સરકારે પરિપત્ર કાઢીને કર્મચારીઓને ડરાવવા પડે છે. અત્યારના શાસકો લાંબુ વિચારવાની આવડત નથી ધરાવતા એ સમસ્યા છે.    
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top