Business

કાવતરાં, કૌભાંડમાં અટવાયેલી આ તીન દેવિયાં…

આ શીર્ષકની સાથે સદાબહાર દેવાનંદના એક  મસ્ત ગીતના આ શબ્દો બરાબર બંધબેસી જાય છે. એ શબ્દો છે : ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત કોન હો તુમ બતલાઓ’  હમણાં હમણાં વ્યાપાર વિશ્વમાં ત્રણ લેડીઝે તરખાટ મચાવ્યો છે, જેમાંથી બે દેશી છે અને એક વિદેશી. બે દેશી લેડીમાંથી એક ચિત્રા રામક્રિષ્નનું નામ હમણાં બહુ ગાજ્યું છે. દરેક દૈનિકપત્ર અને ન્યૂઝ ચેનલ્સમાં એનું નામ ધડાકાભેર રોજ ચમકે છે. આવાં ‘મિસ ચમકો’ની કથા ખરેખર જેટલી રસપ્રદ છે એટલી જ રહસ્યમય છે. મુંબઈના વિખ્યાત દલાલ સ્ટ્રીટથી લઈને ચિત્રાની દંતકથા જેવી વાત છેક હિમાલયના ઉત્તુંગ શિખર પર બિરાજતા કોઈ  અનામી સિદ્ધપુરુષ સુધી વિસ્તરી છે…. ચિત્રા પછી બીજી દેશી માનુની છે ચંદા કોચર. આ નામ આજે થોડું વિસરાયું જરૂર  છે પણ સાવ ભૂલાયું નથી. ચંદા કોચર એ  એક એવી હસ્તીનું નામ છે જેના ઉલ્લેખ સાથે જ આજની મોટાભાગની ભણેલી-ગણેલી ભારતીય નારી ગર્વ અનુભવે કારણ કે હૈયાસૂઝ ને જાતમહેનતથી ચંદાએ આજના ‘મેન્સ વર્લ્ડ’માં એક નારી તરીકે કોર્પોરેટ જગતનાં અવ્વલ શિખર સર કર્યાં હતાં.   

ત્રીજી નારી વિદેશી છે. નામ એનું એલિઝાબેથ હોમ્સ. આપણા માટે આ એક  અજાણું નામ  છે પણ પશ્ચિમના કોર્પોરેટ વર્લ્ડમાં એના  નામના અત્યાર સુધી સિક્કા રણકતા હતા પણ એ ત્રણેયનાં જીવનનો પ્રવાહ અચાનક એવો પલટાયો કે આર્થિકજગતના ભ્રષ્ટાચારની આંધીમાં એ ત્રણેય સપડાયાં અને બડી બદનામીની ખીણમાં એ ઊથલી પડયાં…. એ ત્રણેયનાં નામ બદનામ કઈ રીતે થયાં એની માંડીને વાત કરીએ. શરૂઆત વિદેશી મહિલાથી કરીએ. આ વિદેશી લેડી  એલિઝાબેથ હોમ્સ બહુ મોટું નામ છે આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ સેકટરમાં. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના  સિલિકોન વેલી તરીકે ઓળખાતા વિસ્તારમાં  જાતભાતની ટેકનોલોજી વિકસાવીને અનેક કંપની અઢળક કમાઈને  અવ્વલ સ્થાને પહોંચી છે.

એલિઝાબેથ  હજુ સુધી આ સિલિકોન વેલીની એક શાન ગણાતી હતી. માત્ર સીધાસાદા બલ્ડ ટેસ્ટ દ્વારા અનેક અવળચંડા રોગ-બીમારીનું નિદાન થાય એવી ટેક્નિક કામે લગાડવાની લાંબી- પહોળી જાહેરાત – ટૉક શો સાથે એલિઝાબેથે  સ્ટાર્ટઅપ વેન્ચર ‘થિરાનોસ’ શરૂ કર્યું, જેણે  એવી જબરી જમાવટ કરી દીધી કે  ટૂંક સમયમાં  જ  એની તિજોરી ૬૦૦-૭૦૦ મિલિયનથી છલકાવા લાગી. પોતાની આ ટેક્નિક અમેરિકાની હેલ્થકેરમાં ૩૬૦ ડિગ્રીનો પલટો લઈ આવશે એવી એની બાંયેધરી સમય જતાં બોદી પુરવાર થવા લાગી અને પછી તો ‘પડે ત્યારે સઘળું પડે’ એ સનાતન સિદ્ધાંત મુજબ ટહુકો કરતી એલિઝાબેથ નામની ઢેલનાં પીછાં ખરવા માંડયાં ને કાગડીનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ ગયું.

એના સ્ટાર્ટઅપમાં તગડું મૂડીરોકાણ કરનારા જાગ્યા એમાં એલિઝાબેથની પથારી ફરી ગઈ. ઢગલાબંધ ડોલરમાં આળોટનારી એ નારી  પર છેતરપિંડીના  ઢગલાબંધ કોર્ટ કેસ થયા. મુકદમા ચાલ્યા અને રજૂ કરવામાં આવેલા ૩૨ સાક્ષી તથા ૮ પુરુષ-૪ મહિલાની જયુરીએ સતત ૩ મહિનાની તપાસ-ઊલટતપાસ-સુનાવણી પછી અમેરિકાની કોર્ટે એને આર્થિક કાવતરાં અને કૌભાંડના આરોપસર  ૨૦ વર્ષની આકરી સજા ફટકારી છે. આ ચુકાદો હમણાં ૨ મહિના પહેલાં જ આવ્યો છે. હજુ તો આ કેસ અપીલમાં જશે ને આખરી અંજામ આવતા વધુ  સમય લાગશે પરંતુ જે  એક સમયે સિલિકોન વેલીની આન-બાન-શાન ગણાતી હતી અને જેને  ‘એપલ’ કંપનીના સર્વેસર્વા એવા સ્ટીવ જોબ્સ સાથે સરખાવીને ‘લેડી જોબ્સ’ તરીકે ઓળખાવામાં આવતી  એવી ૩૭ વર્ષીય એલિઝાબેથનું હાલ પૂરતું તો  સરનામું કેર ઑફ  કેલિફોર્નિયાની દુબલિન જેલ થઈ ગયું છે….

આ કોર્ટ કેસે અમેરિકામાં સારી એવી ચર્ચા જગાડી છે. એના ભૂતપૂર્વ ભાગીદાર અને એક સમયના એના પ્રેમી એવા સન્ની ઉર્ફે રમેશ બલવાનીએ એનું જે રીતે જાતીય શોષણ કર્યું   છતાં એલિઝાબેથ ગંભીર આરોપો સાથે જે હિંમતથી  કેસનો સામનો કરી રહી છે એ જોઈને અનેક લોકો એના પર ફિદા પણ  છે…! ઈન્ફોર્મેશન ટેકનોલોજીનું જે મક્કા ગણાય એવી સિલિકોન વેલી વિશે  જાણકારો કહે છે તેમ અહીં આંજી નાખે એવી લોભામણી વાતોથી એક અજીબોગરીબ સામ્રાજ્ય ખડું કરવામાં આવે છે જે  વખત જતાં  મૃગજળ જ સાબિત થાય છે. અહીંનું એક જાણીતું વાક્ય છે : ‘ફેક ઈટ ટીલ યુ મેક ઈટ ‘ … બીજા શબ્દોમાં કહો તો   ‘વાત શક્ય ન  બને ત્યાં સુધી દેખાડો કરો- બનાવટ ચાલુ રાખો!’

આવું જ અમુક અંશે આપણા ઉદ્યોગ સાહસિકો માટે પણ છે. અમેરિકાની  એલિઝાબેથ હોમ્સ  જેવી  સ્વપ્નભંગ કરનારી બે નારી આપણે ત્યાં પણ છે. આમાંની એક છે છેલ્લાં ૧૨-૧૫ વર્ષમાં બહુ ગાજેલું નામ : ચંદા કોચર… ચંદા કોચરની સંઘર્ષથી સફળતા સુધીની કથા જ બહુ રોચક છે. ૨૨ વર્ષની વયે એક તાલીમાર્થી તરીકે એ ICICI લિમિટેડ   બૅન્કમાં જોડાઈ. પછીનાં થોડાં જ વર્ષમાં એ આ વિખ્યાત મલ્ટિનેશનલ બૅન્કના CEO-MD જેવાં  સર્વોચ્ચ પદ પર પહોંચી ગઈ. ભારતના બૅન્કિંગ ઈતિહાસમાં ચંદા આ હોદ્દે પહોંચનારી સર્વ પ્રથમ મહિલા હતી. જો કે, એની આ સફળતા સુધીની સફર સરળ નહોતી. આપણે ત્યાં ચાલી રહેલાં   ચીલાચાલુ બૅન્કિંગ ક્ષેત્રે ચંદા કોચરે પોતાની સૂઝથી અવનવા  નીડર ગણી શકાય એવા ફેરફાર કરીને બૅન્કને સધ્ધર નામ તથા  નાણાં અપાવ્યાં.

પરિણામે ચંદાનો  ‘વર્લ્ડસ ૧૦૦ મોસ્ટ પાવરફુલ વીમેન ઈન બિઝનેસ’ જેવી  અનેક નામાવલીમાં સમાવેશ થયો અને એ પ્રકારના ખિતાબ પણ મળ્યા. જો કે, આવી પ્રસિધ્ધિનાં પગલે પગલે પનોતી પણ આવી પહોંચે છે.  પોતાની બૅન્કના અનેક નિયમોની  ઐસીતૈસી કરીને-એને ચાતરીને પતિ દીપક કોચર  તેમ જ પરિવારજનોને આર્થિક લાભ અપાવવા ઉપરાંત ‘મની લોન્ડરિંગ’- બેનંબરી નાણાંના વ્યવહાર, ઈત્યાદિ અનેક પ્રકારના ભ્રષ્ટાચારની ફરિયાદ-આક્ષેપો પછી એક વખતની આ નામાંકિત નારીએ નામોશી સાથે  ૨૦૧૮માં  બૅન્ક્નો સર્વોચ્ચ હોદ્દો છોડવો પડયો. વાર્ષિક રૂપિયા પાંચ કરોડથી વધુ સેલેરી મેળવનારી ચંદા સામે  આજે લગભગ રૂપિયા 4000 કરોડથી વધુના વિવિધ ભ્રષ્ટાચારના કેસ  ચાલી રહ્યા છે અને છેલ્લા સમાચાર અનુસાર  બે મહિના પહેલાં  જ એન્ફોર્સમેન્ટ ખાતાએ ચંદા કોચરની ૭૮ કરોડની સંપત્તિ જપ્ત કરી છે તો  ચંદા કોચરે હમણાં હાઈકોર્ટમાં અરજી કરીને બૅન્ક સાથેના કરાર મુજબ પોતાના નીકળતા રૂપિયા 1000 કરોડના વળતર (આજની માર્કેટ વેલ્યુ અનુસાર) માટે  માગ કરી છે…!

પુરુષની સમોવડી  સ્ત્રી થવા ઈચ્છે છે. અમુક ક્ષેત્રમાં એ પુરુષથી પણ આગળ નીકળી ગઈ છે પરંતુ એ  આર્થિક કૌભાંડ-ભ્રષ્ટાચારમાં ય કાઠું કાઢે ત્યારે કઠે તો ખરું- આનું તાજું-તમતમતું દ્રષ્ટાંત છે ચિત્રા રામક્રિષ્ન…. દેશના  ‘નેશનલ સ્ટોક એકસચેન્જ’(NSE) ની રચનાથી લઈને એને નંબર -વન બનાવવામાં જેમનો ફાળો મહામૂલો ગણાય એવી મહિલા એટલે  ચિત્રા રામક્રિષ્ન. ૩૦ વર્ષની આયુએ મૂડીબજારમાં પ્રવેશનારી અને ગજબની કુનેહ તેમ જ  લૅટેસ્ટ ટેકનોલોજીની અભ્યાસુ  એવી ચિત્રા બે દાયકામાં જ  આ એકસેન્જના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચી ગઈ હતી. અનેક  માન-અકરામ-ખિતાબ સાથે ચિત્રા આર્થિકજગત અને શેરબજારની દુનિયામાં એક નામાંકિત ઓળખ બની ગઈ. બસ, પછી તો બીજા કિસ્સામાં બને છે તેમ ચિત્રા પર પણ નિયમોનો ભંગ કરીને કેટલાંક સ્થાપિત હિતો અને અંગતોને લાભ અપાવી દેવા ઉપરાંત એકસચેન્જની સમગ્ર ફાયનાન્શ્યલ સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી નાખવાના  આક્ષેપો થયા, જે  વધુ ને વધુ ગંભીર બનતા ગયા. આમ છતાં ચિત્રાની હાક એવી વાગતી કે રૂપિયા ૪૪ કરોડના  અધધધ દલ્લા સાથે  એકસચેન્જે એને પદ પરથી વિદાય આપવી પડી.

 એ પછી ‘SEBI’ (સિક્યોરિટીસ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ) દ્વારા તપાસ શરૂ થઈ અને એના અહેવાલ સાથે જે જે વાતો બહાર આવી એ તો અવાક કરી મૂકે તેવી છે. ચિત્રાએ ‘SEBI’ સમક્ષ એવી કબૂલાત કરી છે કે હિમાલયમાં વસતા એક યોગીજી એના પથદર્શક-માર્ગદર્શક છે જે એકસચેન્જના પ્રત્યેક કાર્યમાં મને સલાહ આપે છે…! આ સિધ્ધ પુરુષ કોણ છે એનો ન તો ચિત્રાએ ખુલાસો કર્યો છે કે ન તો ‘SEBI’એ ફોડ પાડયો છે. આ વ્યક્તિ ખરેખર કોઈ સાધુ છે કે સંસારી છે એના ભેદ-ભરમ આજની તારીખ સુધી અકબંધ છે. જો કે એ ‘સંસારી સાધુ’ બહુ જ વગદાર રાજકારણી એવા  ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમ છે એવી વાત વહેતી થઈ છે! ખેર, એ જે હોય તે. રાજકારણ એનું કામ કરશે-સરકારી તપાસ એજન્સીઓ એમની ‘ફરજ’ બજાવશે પણ આવા બધા વાદ-વિવાદમાંથી એક વાત અલગ એ તરી આવે છે કે એલિઝાબેથ હોય- ચંદા હોય કે પછી ચિત્રા- …આવી  તીક્ષ્ણ,  ચતુર ને તીવ્ર મહત્ત્વાકાંક્ષી મહિલા ભાન ભૂલે ત્યારે અનર્થના ગુણાકાર જ સર્જાતા હોય છે…!

Most Popular

To Top